________________
ગાંધીજીના કોચરબ આશ્રમમાં
પંડિતજી વડોદરામાં પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી સાથે હતા ત્યારે એક વિદ્વાન એમને મળવા આવેલા. એમનું નામ રમણીકલાલ મોદી. તેઓ એ જમાનામાં બી.એ. સુધી ભણેલા અને ચરોતરમાં ઓડ ગામમાં હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતા હતા. પંડિતજી જ્યારે પાટણમાં શ્રી પ્રવર્તકજીની સાથે હતા ત્યારે શ્રી રમણીકલાલ મોદીનો એમને પરિચય થયેલો. રમણીકલાલને શાસ્ત્રગ્રંથોના અધ્યયનમાં ઘણો રસ હતો. એમને એમના પિતા તરફથી જૈન ધર્મની જાણકારીનો સારો વારસો મળ્યો હતો. તદુપરાંત એમને વૈદિક દર્શનોના તથા બૌદ્ધ દર્શનના અભ્યાસમાં રસ હતો. પંડિતજી જૈન દર્શન અને અન્ય દર્શનોના પંડિત હતા. એટલે રમણીકલાલને પંડિતજી સાથે મૈત્રી કેળવવાનું મન થયું. રમણીકલાલ અને એમનાં પત્ની તારાબહેન તદ્દન નિઃસ્વાર્થ સેવાપરાયણ અને ઉદાર હતાં. પંડિતજી “કર્મગ્રંથ'નું અધ્યયન કરતા અને કરાવતા હતા. એટલે કમપ્રકૃતિ’ જેવો કઠિન ગ્રંથ સમજવા માટે રમણીકલાલને અભિલાષા થઈ, પણ એ ગ્રંથ વિક્ષેપ વગરના કોઈ એકાન્ત સ્થળમાં સાથે રહીને એકાગ્ર ચિત્તે વાંચવો જોઈએ એવો એમનો અભિપ્રાય હતો. એવું સ્થળ ક્યાં શોધવું ? એ દિવસોમાં ગાંધીજીએ આફ્રિકાથી આવી અમદાવાદમાં કોચરબ – પાલડી પાસે આશ્રમની સ્થાપના કરી હતી. ત્યાં રહેવાની અને ભોજનની સગવડ પણ હતી. ત્યાં એકાન્ત પણ હતું. પંડિતજીને ગાંધીજી સાથે થોડો પરિચય થયેલો. એટલે તેમણે આશ્રમમાં રહેવા માટે ગાંધીજીને પત્ર લખ્યો. આશ્રમના નિયમોના પાલનની શરતે ગાંધીજીએ એ માટે સંમતિ આપી. એટલે પંડિતજી અને રમણીકલાલ મોદી કોચરબ આશ્રમમાં જઈને રહ્યા. આશ્રમના અંતેવાસીઓએ થોડુંક કામ ઉપાડી લેવું જોઈએ એવો નિયમ હતો. રમણીકલાલ તો કોઈ પણ કામ કરી શકે એમ હતા પણ પંડિતજી તો દેખે નહિ. એટલે એમને એક સ્થળે બેસીને કોઈ કામ કરવાનું હોય તો જ ફાવે. એટલે એમણે ગાંધીજી પાસે અનાજ દળવાનું કામ માગ્યું. ગાંધીજીએ એ મંજૂર રાખ્યું. ગાંધીજીએ પંડિતજીને પોતાની પાસે બેસાડીને અનાજ દળવાનું શિખવાડ્યું. પંડિતજીને આરંભમાં બરાબર આવડતું નહિ અને હાથે ફોલ્લા પડી જતા. પણ પછી ધીરે ધીરે એ કામ આવડી ગયું અને ફાવી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org