________________
કાશીમાં લેખનકાર્ય ૦ ૮૩ વિદ્યાર્થી હરખચંદને પણ સાથે લીધા. તેઓ બધા ત્યાં સાથે રહેવા લાગ્યા અને પંડિતજીનું કર્મગ્રંથનું કાર્ય ચાલુ થયું.
પંડિતજીએ એ વખતે આઠ મહિના ત્યાં રહીને કામ કર્યું. તેઓ પાંચ જણ હતા અને તેઓનો રહેવાના તથા ખાવાપીવાના ખર્ચનો પ્રબંધ બાબુ ડાલચંદજી તરફથી થયો હતો. પંડિતજીએ પોતાના આ નિવાસને બને તેટલો કરકસરવાળો બનાવ્યો હતો. તેઓ અનાજ હાથે દળતા. કપડાં વાસણનું કામ હાથે જ કરતા. વળી દૂધ, દહીં અને ઘીની બધાએ બાધા રાખી હતી. એકંદરે બધા એનાથી ટેવાઈ ગયા હતા. પંડિતજીના ભત્રીજા હરજીવનની તબિયત સારી રહેતી હતી. દૂધ-દહીં, ઘીને બદલે રોજેરોજ તાજા શેકેલા ચણા સાંજે ખાવાનું ચાલુ કર્યું હતું. વ્રજલાલની માતાને તથા એક પાળેલા કૂતરાને પણ તેઓ ચણા ખવડાવતા. પછી તો કૂતરાને પણ સાંજે ચણા ખાવાની એવી ટેવ પડી ગયેલી કે જો ચણા ન મળે તો આખી રાત ભસાભસ કરી મૂકે. પંડિતજીએ જ્યારે આઠેક મહિના પછી કાશી છોડ્યું, ત્યારે એ કૂતરાને ચણા ખવડાવવાનો પ્રબંધ કરી આપ્યો હતો.
પંડિતજીની ઇચ્છા હિંદી ભાષામાં લેખનકાર્ય કરવાની હતી. કાશીમાં ઘણાં વર્ષ રહેવાને લીધે હિંદી બોલવાનો તો એમને સારો મહાવરો હતો, પણ હિંદીમાં લખવાનો મહાવરો નહોતો. જ્યારે પોતે લખવાનું ચાલુ કર્યું ત્યારે જ લેખનકાર્યની મર્યાદા એમને સમજાઈ ગઈ. હવે લેખનકાર્ય સુધારવું હોય તો શું કરવું? એ માટે પૂર્વતૈયારી રૂપે પંડિતજીએ સારા ગ્રંથોના સરસ હિંદી અનુવાદો વાંચી જવાનું ચાલુ કર્યું. હિંદી વ્યાકરણના ગ્રંથોનો પણ તેમણે અભ્યાસ કર્યો. હિંદીમાં સાહિત્યિક સામયિકો, નવલકથાઓ વગેરે વાંચવાનું શરૂ કર્યું. સાથે સાથે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના “જ્ઞાનસાર' ગ્રંથનો હિંદી અનુવાદ એક મહાવરા તરીકે કરવાનું એમણે ચાલુ કરી દીધું. થોડાં પાનાં લખ્યાં અને કાચાં લાગ્યાં તો તે ગંગાજીમાં પધરાવી દીધાં. પછી ફરીથી અનુવાદનાં પાનાં લખ્યાં અને ફરીથી પધરાવી દીધાં. એમ ઘણી વાર કર્યું એમ કરતાં કરતાં હિંદીમાં લખવાનો (એટલે કે લહિયા પાસે લખાવવાનો) એમનો મહાવરો વધતો ગયો. આવી રીતે ધીમેધીમે પંડિતજીને હિંદીમાં લખવાની સારી ફાવટ આવી ગઈ.
કાશીના આઠ મહિનાના નિવાસ દરમિયાન ચોથા “કર્મગ્રંથના ભાષાન્તરનું કાર્ય પતી જવા આવ્યું હતું. હવે પાંચમો કર્મગ્રંથ તૈયાર કરવાનો હતો. એ કામ થોડું ગહન હતું. એવામાં પૂનાથી એક ભાઈનો પત્ર આવ્યો. પૂનામાં કૉલેજમાં ભણતા જૈન વિદ્યાર્થીઓને રહેવા માટે એક છાત્રાવાસ હતો. એ જૈન છાત્રાવાસમાં ધાર્મિક શિક્ષકની જરૂર હતી. મુનિશ્રી જિનવિજયજીએ એ માટે પંડિતજીના નામની ભલામણ કરી હતી. એટલે પંડિતજીને એમાં જોડાવા માટે વિનંતી કરતો શ્રી જિનવિજયજીનો પત્ર આવ્યો. કાશી પછી ભારતમાં વિદ્યાધામ તરીકે પૂનાની ગણના થતી. એ દિવસોમાં પૂનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org