________________
કર્મગ્રંથનું કાર્ય અને શ્રી વિજયધર્મસૂરિજી સાથે મેળાપ
પંડિતજી પૂનામાં હતા ત્યારે એક વખત એમને પાલનપુરના શ્રી લાડુબહેનનો પત્ર મળ્યો. તેમણે પત્રમાં લખ્યું હતું કે “તમને કર્મગ્રંથ' છપાવવા માટે મણિબહેન કાપડિયા નામનાં એક બહેન આર્થિક મદદ કરવા માગે છે. માટે મુંબઈ આવીને તેમને મળી જશો.' મણિબહેન મુંબઈમાં દાદરમાં પોતાના બંગલામાં રહેતાં હતાં. પંડિતજી અને રમણીકલાલ મોદી દાદર સ્ટેશને ઊતરી મળવા માટે તેમના બંગલે પહોંચ્યા. મણિબહેનનું કુટુંબ સંયુક્ત કુટુંબ હતું. તેમાં તેઓ જ મુખ્ય કર્તાહર્તા હતાં. તેમણે પંડિતજીને એમનો ચોથો “કર્મગ્રંથ' છપાવવા માટે એક હજાર રૂપિયા જેવી એ જમાનામાં ઘણી મોટી રકમ, કોઈ પણ પ્રકારની શરત વિના આપી. એથી પંડિતજીને ઘણો હર્ષ થયો. ત્યાર પછી મણિબહેનની સાથે સંપર્ક ઉત્તરોત્તર વધતો ગયો હતો. પંડિતજીએ નોંધ્યું છે કે પોતાનાં સગાં બહેનનું નામ પણ મણિબહેન હતું. એમની ખોટ આ મણિબહેન કાપડિયાએ પોતાના વાત્સલ્યભાવથી પૂરી દીધી હતી.
મણિબહેન કાપડિયાને મળવા દાદરમાં એમના ઘરે જવામાં એક બીજી સુખદ અને આશ્ચર્યકારક ઘટના એ બની કે તે વખતે પંડિતજીના ગુરુભગવંત કાશીવાળા શ્રી વિજયધર્મસૂરિજી પોતાના શિષ્યો સાથે ત્યાં બિરાજમાન હતા. પંડિતજીએ ઈ. સ. ૧૯૧૮માં કાશીમાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા છોડીને સ્વતંત્ર રહેવાનું ચાલુ કર્યું. ત્યારથી એ વાતને અગિયાર વર્ષ થઈ ગયાં હતાં. કાશીની પાઠશાળા છોડ્યા પછી આચાર્યશ્રીને ફરી મળવાનું પંડિતજીને ક્યારેય પ્રાપ્ત થયું નહોતું. પંડિતજીએ જે રીતે પાઠશાળા છોડી હતી એ શ્રી વિજયધર્મસૂરિજીને ગમ્યું નહોતું. પંડિતજીને “કાશી બોલાવીને તૈયાર કરનાર તથા એમના અંધકારમય ભાવિમાં પલટો આણનાર એવા શ્રી વિજયધર્મસૂરિજીને એ બાબતમાં જો કદાચ ઓછું આવ્યું હોય તો એ સ્વાભાવિક હતું. એટલે શ્રી વિજયધર્મસૂરિજી મણિબહેનને ઘરે વિરાજમાન છે. એ જાણતાં ત્યાં જવામાં પંડિતજીને થોડા સંકોચ થયો. પરંતુ શ્રીવિજયધર્મસૂરિજીએ તો જોતાંવેંત જ પંડિતજીને “સુખલાલ આવો' એમ ભાવથી સત્કાર્યા. એથી પંડિતજીનો સંકોચ હટી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org