________________
ગાંધીજીના કોચરબ આશ્રમમાં • ૮૧
પંડિતજી ઉપ૨ ગાંધીજીનો પ્રભાવ વધતો જતો હતો. આશ્રમમાં ગાંધીજી સાથે રહેવાનો અવસર મળતાં આ પ્રભાવ ઘણો વધી ગયો હતો. વિચારસરણી અને રહેણીકરણી એ બંનેમાં એમના ઉપર ગાંધીજીની અસર પડી હતી.
પંડિતજી ગાંધીજીના આશ્રમમાં હતા એ અરસામાં અમદાવાદમાં ગુજરાત કેળવણી પિરષદ અને ગુજરાત રાજકીય પરિષદ એમ બે પરિષદો યોજાઈ હતી અને એમાં જવાનો અને વક્તાઓને સાંભળવાનો અવસર પંડિતજીને મળ્યો હતો. મહમદઅલી ઝીણા તથા સ૨ ચિમનલાલ સેતલવાડ જેવા સમર્થ મહાનુભાવોએ એમાં ભાગ લીધેલો. અલબત્ત, તેઓનાં વક્તવ્યો અંગ્રેજી ભાષામાં થયેલાં, ફક્ત ગાંધીજી જ એક એવા હતા કે જે ગુજરાતીમાં બોલેલા. ગાંધીજીને ત્યાં સાંભળ્યા પછી પંડિતજીની ગાંધીજી પ્રત્યેની ભક્તિ વધી ગઈ હતી. એ વખતે એમણે એવો સંકલ્પ કરેલો કે સાદું જીવન જીવવું, જાતમહેનત કરવી, ઓછામાં ઓછા ખર્ચે જીવન નભાવવું અને ઓછામાં ઓછી વસ્તુઓનો પરિગ્રહ રાખવો. આ સાદાઈનો નિયમ પંડિતજીના જીવનના અંત સુધી સચવાઈ રહ્યો હતો.
આશ્રમમાં સમય મળે ત્યારે રમણીકલાલ અને પંડિતજી કોઈ એકાન્ત સ્થળમાં બેસીને ‘કર્મપ્રકૃતિ’ ગ્રંથ પહેલાં સાથે વાંચતા. પછી પંડિતજી તે સમજાવે. એક વાર ફરતાં ફરતાં ગાંધીજી ત્યાં આવી ચડ્યા. અને હસતાં હસતાં પૂછ્યું ‘શું વાંચો છો ?” ‘કર્મપ્રકૃતિ’નામનો ગ્રંથ, પંડિતજીએ કહ્યું.
“એમાં શું આવે છે ” ગાંધીજીએ પૂછ્યું.
પંડિતજીએ એમાં આવતા વિષયની વાત કરી. ગાંધીજીએ ‘એમ કે ” માત્ર એટલું જ કહ્યું અને થોડી વાત કરી ચાલ્યા ગયા. પંડિતજી અને રમણીકલાલને ક્ષોભ થયો કે ગાંધીજીના આશ્રમમાં આવીને આવો શાસ્ત્રગ્રંથ વાંચવા બેસી જવું તે આશ્રમની પ્રવૃત્તિઓને અનુરૂપ ન ગણાય એટલે તેઓએ નક્કી કર્યું કે અન્ય કોઈ સ્થળે જઈને આ ગ્રંથ વાંચવો. એકાન્ત સ્થળની દૃષ્ટિએ પંડિતજીને પોતાનું વતન લીમલી ઠીક લાગ્યું. એટલે તેઓ આશ્રમમાં થોડા દિવસ રોકાઈ ગાંધીજીની રજા લઈને લીમલી ગયા. ત્યાં ગ્રંથનું અધ્યયન પૂરું કર્યું. આમ પંડિતજીને રમણીકલાલ મોદી સાથે શાસ્ત્રીય મૈત્રી બંધાઈ. ઉત્તરોતર આ મૈત્રી ગાઢ થતી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org