________________
આબુ અને પાટણ
પંડિતજી પાલનપુર હતા ત્યારે ત્યાંથી એક વખત આબુ જઈ આવ્યા હતા. આ વખતે વીરમગામમાં અને પછી અમદાવાદમાં ઉનાળાના દિવસોમાં અધ્યયનઅધ્યાપનના કાર્યના અતિશય પરિશ્રમને કા૨ણે તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ હતી. એટલે હવાફેર માટે એમણે આબુ જવાનું વિચાર્યું. એ દિવસોમાં મોટરગાડી ન હતી. બળદગાડામાં કે ઘોડા ઉપર આબુ પર્વત પર જવાતું. પંડિતજી સાથે બીજા બે મિત્રો પણ હતા. ખરેડી (આબુ રોડ) સ્ટેશને ઊતરી ત્યાંથી આબુ પર્વત પર જવા માટે બળદગાડું નક્કી કર્યું, પણ પંડિતજીએ બળદગાડામાં બેસવા કરતાં પગે ચાલીને પર્વત પર ચડવાનો વિચાર કર્યો. એ માટે એક સોબતી પણ મળી ગયો. ઉનાળાની અજવાળી રાત્રિ હતી. એટલે ચડવામાં વાંધો ન લાગ્યો. પણ થોડાક માઈલ ચડ્યા ત્યાં તરસ બહુ લાગી. રસ્તામાં એક પાણીની પરબ આવી, પણ પરબવાળો ત્યાં નહોતો. પંડિતજી અને એમના મિત્રે હાથે પાણી લઈને પીધું. એ દિવસોમાં લોકો એઠજૂઠની બાબતમાં બહુ કડક હતા. તેઓ પાણી પીતા હતા ત્યાં પરબવાળો ભૈયો આવી પહોંચ્યો. હાથે પાણી લઈને પાણી અભડાવવા માટે તે પંડિતજી ઉ૫૨ બહુ ચિડાયો અને ગાળો દેવા લાગ્યો. પણ એને ઉત્તર આપવામાં સાર નહોતો. એટલે તેઓ ચૂપ રહ્યા અને આગળ ચાલ્યા. ફરી તરસ લાગી, આગળ જતાં મ્યુનિસિપાલિટીની પાણી છાંટવાની ટાંકીવાળી ગાડી પડેલી જોઈ. પણ એમાં પાણી સાવ ઓછું હતું. અંદર હાથ પહોંચતો નહોતો. બીજું કશું સાધન પાસે નહોતું, પંડિતજી પાસે એક ધોતિયું હતું. તેમણે ટાંકીમાં ધોતિયું નાખી ભીનું કરી બહાર કાઢ્યું અને એ નિચોવીને પાણી પીધું. આ રીતે તરકીબ પાર પડી અને તૃષા મટી.
આબુમાં આ રીતે સોળ માઈલ જેટલું ચાલવાનું અને તે પણ ચઢાણવાળું હતું, પંડિતજીએ જિંદગીમાં પહેલી વાર એ કર્યું. વળી રાતનો ઉજાગરો હતો. રસ્તામાં એક ભીલનું ઘર આવ્યું. તેના આંગણામાં તેઓ ઊંઘી ગયા અને સવારે નવ વાગે ઊઠ્યા. તે દરમિયાન પોતાની બળદગાડી આવી પહોંચી. તેઓ તેમાં બેસી આગળ વધ્યા, દેલવાડાની જૈન ધર્મશાળામાં તેઓ ઊતર્યાં અને એક અઠવાડિયું ત્યાં રોકાયા. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org