________________
ધર્મક્ષેત્રના વિવિધ અનુભવો
ચૌદ-પંદર વર્ષની ઉંમરે પંડિતજી જૈન સ્થાનકવાસી પરંપરાના સંસ્કાર ધરાવતા વડીલો પાસેથી સાંભળતા કે પોતાનો ધર્મ બહુ સૂક્ષ્મ અને ઘણો ઊંચો છે. એમ છતાં જૈનોને અન્ય ધર્મ પ્રત્યે વૈમનસ્ય ન હતું. નાનાં ગામોમાં તો બધા ધર્મના લોકો એકબીજાના ધર્મપ્રસંગે અને ધર્મસ્થળે જતા. તે રીતે પંડિતજીએ પણ પાસે આવેલા સાયલા ગામ જઈને ત્યાં લાલજી ભગતના મંદિરમાં તથા મૂળીના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરેલાં. એની વિશાળતા જોઈને અને સંતો તથા ગૃહસ્થોને ‘જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ’ એમ તાળીઓ સાથે પોકારતા જોઈને પંડિતજી મુગ્ધ થઈ જતા. સાયલામાં તે વખતના મહારાજ ભગવાનદાસજીની ગામમાં જ્યારે પધરામણી થાય ત્યારે ભક્તો સામૈયું કરવા જતા અને બધા સાથે ગાતા કે,
લાલજી આવો તો વહેલા આવજો.
સાથે ત્રિકમ છોગાળાને લાવજો.
આવી રીતે વિવિધ ધર્મોના વિવિધ સંસ્કાર કિશોર સુખલાલના ચિતમાં અંકિત થયા હતા. તે જમાનામાં સાયલાના ભગવાનદાસજીના ચમત્કારોની લોકોમાં ચાલતી વાતો પંડિતજી પણ શ્રદ્ધાથી માનતા. કોઈ સાધુબાવાઓ ગામમાં આવ્યા હોય તો તેમની પાસે પણ તેઓ જતા. એમના એક મિત્ર ગુલાબચંદ દ્વારા તેમણે ચમત્કા૨ માટે અભ્રકની ભસ્મનો પ્રયોગ પણ કરેલો.
પંડિતજીએ છપ્પનિયો દુકાળ' જોયેલો. તે વખતે પોતે લીમલીમાં જ હતા. લોકોને આશાનું કિરણ કોઈ બતાવે તો બધા એ બાજુ દોડે. એ દિવસોમાં એક ચમત્કારિક બાવો કોઈકના ખેતરમાં આવ્યો છે. એવા સમાચાર ફેલાયા. સૌ એનાં દર્શન કરવા જવા લાગ્યા. પંડિતજી દેખે નહિ, પણ બાવો ગાંજો પીવે. એના ધુમાડાની ગંધ પરથી એમને સમજાઈ ગયું કે બાવો ક્યાં છે. કોઈકે બાવાને પૂછ્યું. “મહારાજ, વરસાદ ક્યારે પડશે ?” બાવાએ કહ્યું, બચ્ચા, પંદર દિન ધીરજ રાખો.' બધાંએ શ્રદ્ધાપૂર્વક બાવાની સારી સરભરા કરી. પંદર દિવસ થયા. થોડા વધારે દિવસ પણ થયા, પણ વરસાદ પડ્યો નહિ. પણ બાવાને પૂછવા જવાનું રહ્યું નહિ. કારણ કે પંદર દિવસ પૂરા થતાં પહેલાં જ એ બાવો ત્યાંથી પલાયન થઈ ગયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org