________________
કાશી પહોંચ્યા • ૩૯ એ દિવસોમાં લીમલીમાં અચાનક મરકી પ્લેગ)નો રોગચાળો ફાટી નીકળેલો. એટલે લીમલી ગામ છોડીને ઘણા લોકો સ્થળાંતર કરી ગયેલા. પંડિતજીના પિતા અને કુટુંબના કેટલાક સભ્યો બાજુમાં મુંજપુર ગામે રહેવા ચાલ્યા ગયા હતા. પંડિતજી અને બીજા બેચાર જણ મૂળી ગામે રહેવા ગયેલા. પંડિતજી મૂળીમાં હતા ત્યારે આ પત્ર આવ્યો. પિતાજીને એ વિશે વાત કરવાની તેઓ તક શોધતા હતા. ત્યાં કોર્ટના કોઈ કામકાજ અંગે પિતાજી એક દિવસ મૂળી આવ્યા હતા. પંડિતજીએ એ દિવસે અનુકૂળ તક જોઈને પિતાજીને ભાવપૂર્વક વાત કરી. વળી પિતાજીને કહ્યું કે “તમે મને ના પાડીને અમંગળ કે અપશુકન કરશો નહિ, કારણ કે હું કાશી જવાનો છું તે જવાનો જ છું એ નિશ્ચિત છે.”
પરિસ્થિતિ સમજી જઈને પિતાજીએ ના તો ન પાડી, પણ તેઓ મૂંઝાયા. શું બોલવું તેની એમને સમજ ન પડી, પણ છેવટે એમ કહ્યું કે “તું આજે મારી સાથે ઘરે ચાલ. ત્યાં જઈને વિચારીશું.”
પંડિતજી પિતાજી સાથે રાત્રે ઘરે પહોંચ્યા. પિતાજીના મનમાં એમ હતું કે થોડો વખત જરો એટલે ઊભરો શમી જશે. ઘરે ભાભીએ વાત સાંભળી એટલે એ પણ અચંબામાં પડી ગયાં, ઘરના દરેકના મનમાં મુખ્ય ચિંતા એ હતી કે અંધત્વને કારણે પંડિતજી કાશીમાં કેવી રીતે રહી શકશે? એમને કોણ સાચવશે?
પરંતુ પંડિતજી પોતાની વાતમાં મક્કમ હતા. એમના એક મોટા ભાઈ ખુશાલચંદ વઢવાણમાં હતા. એટલે પિતાજી, પંડિતજી અને એમના ઘરમાં રહેતા ફઈના દીકરા ચૂનીલાલ એ ત્રણે વઢવાણ આવ્યા. વઢવાણમાં તેઓ ખુશાલચંદને મળ્યા. ખુશાલચંદ તો ગરમ થઈ ગયા. એમણે કહ્યું, ‘તું જાય પછી અમારે ગામમાં, સગાંસંબધીઓમાં મોટું શું બતાવવું? સૌ કોઈ એવો જ અર્થ કરે કે માથેથી ભાર ઉતાર્યો. તારે સંસ્કૃત ભણવું હોય તો અહીં ક્યાં નથી ભણાતું ? એ માટે કોઈ પંડિતની વ્યવસ્થા કરીશું.” પિતાજીનો અને ખુશાલચંદનો વિચાર પંડિતજીને કાશી જતા રોકવાનો હતો, પરંતુ પંડિતજીનો મક્કમ નિર્ધાર જોઈને તેઓએ છેવટે થોડું નમતું આપ્યું અને એમ નક્કી કર્યું કે પહેલાં વિરમગામ જઈને તપાસ કરવી. પછી નિર્ણય લેવો.
- વઢવાણથી ખુશાલચંદ સાથે પંડિતજી વીરમગામ જવા નીકળ્યા. વીરમગામ બાજુની ટ્રેનમાં જવાનો પંડિતજીના જીવનમાં આ પહેલો પ્રસંગ હતો. આખે રસ્તે ખુશાલચંદે કાશી ન જવા માટે સમજાવ્યા કર્યું, પરંતુ પંડિતજીએ જાણે એ સાંભળ્યું જ ન હોય તેમ મૌન જ રહ્યા.
વીરમગામમાં તેઓ પોતાની ફોઈ પાર્વતીબહેનના ઘરે ઊતર્યા. પંડિતજીની કાશી જવાની વાત સાંભળી ફોઈએ બંને ભાઈઓનો ઊધડો લીધો, આથી મોટા ભાઈને તો જોઈતું હતું તેવું થયું. પણ વીરમગામ આવ્યા છીએ એટલે કાશીની સંસ્થાના સેક્રેટરીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org