________________
૧૬ • પંડિત સુખલાલજી ઘરેણાં, ઘરવખરી, ઢોર વગેરે તેઓ ઉપાડી જતા. એવે વખતે કેટલાંક ગામો પોતે સુરક્ષા માટે સજ્જ અને સંગઠિત થયાં હતાં. આખી રાત ગામમાં ચોકીપહેરો ભરાતો.
લીમલીની બાજુ વાલિયા નામનો એક ટૂઠો મિયાણો આવી રીતે ધાડ પાડતો હતો. એણે બાજુમાં આવેલા જસાપર ગામમાં ધાડ પાડેલી અને સામે થનાર એક ગરાસિયાને મારી નાખ્યો હતો. આથી લીમલીના લોકો પણ સાવધ થઈ ગયા હતા. આ ડરને કારણે પંડિતજીના પિતાશ્રી ઘરેણાં વગેરે કીમતી વસ્તુઓ વઢવાણમાં પોતાની બહેનના ઘરે મૂકી આવ્યા હતા. ગામના મુખીએ આખા ગામની ફરતે કાંટાની પાકી વાડ કરાવી નાખી હતી. એમાં જ્યાં છીંડાં હતાં તે પણ પુરાવી દીધાં હતાં. ગામમાં આખી રાતની ચોકી માટે પહેરેગીરો મૂકી દીધા હતા. મુખી પોતે પહેરેગીરોને લઈને અડધી રાતે ગામ બહાર આંટો મારવા નીકળતા.
એ દિવસોમાં છાપાં નહોતાં. એટલે આવા સમાચાર તો ઊડતા સાંભળવા જે મળે તે જ હોય. રોજ બહારથી કંઈક અફવા આવે અને ગામનું વાતાવરણ તંગ થઈ જાય. પંડિતજી ત્યારે નાના હતા. અને ડરતા હતા. એટલે તેઓ રાતના ભાઈજીની સોડમાં સૂઈ જતા.
એ દિવસોમાં મહોબતસિંહ અને એના બીજા બે ભાઈઓ ગરાશિયાનો વેશ પહેરી, તલવાર અને બંદૂક સાથે ગામમાં નીકળતા અને ગામબહાર પણ થોડે સુધી જઈ આવતા. તેઓ ગામબહાર બંદૂક કે બાણવડે નિશાન તાકવાની તાલીમ લેતા, એ જોઈ પંડિતજી પણ બીજા છોકરાઓની સાથે તીરકામઠાં લઈ નિશાન તાકવાનો મહાવરો કરતા. કેટલાક વખત પછી ચોટીલાના પહાડમાં એક ઝપાઝપીમાં વાલિયો ધાડપાડુ માર્યો ગયો. એનો સાથીદાર મિયાણો પણ પકડાયો હતો. ત્યાર પછી લીમલીમાં ધાડપાડુનો ડર ઓછો થયો હતો. મહોબતસિંહે ત્યાર પછી ચૂડા પાસેની ખાઈમાં ભરાઈ ગયેલા કેટલાક મિયાણા ધાડપાડુને માર્યા હતા. રાજ્ય પણ ત્યાર પછી મહોબતસિંહને પોલીસ ખાતામાં ઊંચો હોદ્દો આપ્યો હતો. એ દિવસોમાં બળજબરીથી ચોથમહેસૂલ ખેડૂતો પાસેથી ઉઘરાવવા માટે ગાયકવાડી ધાડાં આવતાં. ત્યારે તેમનો સામનો ગામના વાણિયા, બ્રાહ્મણ પણ કરતા. તેઓ ઘરમાં તલવાર, દેશી બંદૂક વગેરે વસાવતા. કેટલાંક વર્ષ પછી એવા ભયના દિવસો ઓછા થતા ગયા હતા અને વસાવેલાં શસ્ત્રો ઘરમાં કાટ ખાતાં પડી રહ્યાં હતાં. આવી રીતે જ્યારે ભય ઉપસ્થિત થતો ત્યારે ગામના કેટલાક લોકો ગામતરુ કરી જતા, એટલે કે આસપાસના કોઈ સુરક્ષિત નગરમાં વસવાટ માટે ચાલ્યા જતા. પંડિતજીના બાલ્યકાળના જમાનામાં બનતી આવી ઘટનાઓ તત્કાલીન પરિસ્થિતિનો આપણને ખ્યાલ આપે છે.
બાલ્યકાળમાં પંડિતજીએ વિવિધ પ્રકારના સામાજિક અને ધાર્મિક સંસ્કાર ઝીલ્યા હતા. એ વખતે લગ્ન, દીક્ષા વગેરે સામાજિક પ્રસંગો દ્વારા વિવિધ પ્રકારની સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org