________________
૨૪ • પંડિત સુખલાલજી આખો દિવસ શું કરવું તે પ્રશ્ન મૂંઝવતો હતો. એ વખતે ઘરની પાસે જ નવો ઉપાશ્રય થયેલો. ત્યાં સવારના શ્રાવક-શ્રાવિકા આવે અને સામાયિક કરવા બેસે. સામાયિક દરમ્યાન કોઈક સ્તવન, સજુઝાય વગેરે કંઠસ્થ કરે, કોઈ મોટા રાગે ગાય. પંડિતજીને ઉપાશ્રયમાં જઈને સામાયિક કરવાનું અનુકૂળ આવી ગયું. પોતાનો એટલો સમય સારી રીતે પસાર થવા લાગ્યો. વળી સ્તવનો અને સક્ઝાયો કંઠસ્થ થવા લાગ્યાં, જેમ જેમ અનુકૂળતા વધતી ગઈ તેમ તેમ તેઓ વધારે સામાયિક કરવા લાગ્યા. વળી એમ કરવાથી એમનો ધાર્મિક અભ્યાસ પણ વધતો ગયો. યૌવનકાળમાં પ્રવેશતાં જ સમય પસાર કરવા માટે આદરેલી આ પ્રવૃત્તિઓએ પંડિતજીના જીવનમાં પછીથી મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ધાર્મિક સાહિત્યમાં એમને રસ પડવા લાગ્યો હતો.
ઉપાશ્રયમાં નિયમિત જવાને લીધે જૈન સાધુ-સાધ્વીઓના આચારની એક ઊંડી છાપ પંડિતજીના મન ઉપર કિશોરકાળથી જ પડી ગઈ હતી. જૈન સાધુ-સાધ્વી ઉઘાડે પગે ચાલે, એક સ્થળેથી બીજે સ્થળે જવું હોય તો વાહનનો ઉપયોગ ન કરે, પણ પગપાળા વિહાર કરે, ગોચરી વહોરી લાવે, હંમેશાં ઉકાળેલું પાણી જ વાપરે. તેઓ રાત્રિ-ભોજન ન કરે, વસ્ત્ર કે પાત્રનો ઉપયોગ અને સંગ્રહ જરૂર પૂરતો ઓછામાં ઓછો કરે, તેઓ ક્યારેય સ્નાન ન કરે. પોતાનાં વસ્ત્રો અને પાત્રો હાથે જ ધુએ. તદુપરાંત ગૃહસ્થો અને સાધુ-સાધ્વીઓ અઠવાડિયાના કે પંદર દિવસના કે મહિનાના ઉપવાસ કરે. એ દિવસોમાં લીમલીમાં એક સાધ્વીજીએ બે મહિનાના ઉપવાસ કરેલા. એક મારવાડી સાધુ આવેલા. તેઓ ભોગાવા નદીના તટની રેતીમાં ઉનાળામાં ભર બપોરે ખુલ્લા શરીરે આતાપના લેતા. કિશોરાવસ્થામાં પંડિતજીએ નિહાળેલી સાધુ-સાધ્વીઓની આ આચારસંહિતાએ એમના જીવન ઉપર ઊંડી છાપ પાડી હતી.
પંડિતજી ઉપાશ્રયમાં હોય ત્યારે ત્યાંના વાતાવરણને લીધે કુદરતી રીતે જ શાન્ત રહેતા, પણ પછી તેઓ ઘરે આવે ત્યારે કોણ જાણે કેમ પણ એમના સ્વભાવમાં ઉગ્રતા આવી જતી. પોતાનો રોષ ઠાલવવા માટેનું મુખ્ય પાત્ર તે પોતાની ભાભી હતી. પોતાની નવી મા હવે ગુજરી ગઈ હતી. એમનું સ્થાન હવે ભાભીએ લીધું હતું. કિશોરાવસ્થા એટલે કાચી બુદ્ધિના દિવસો. સંયુક્ત કુટુંબમાં રહેવાનું એટલે બધા પરસ્પર અનુકૂળતા કરી લે અને સહન પણ કરી લે. ઉપાશ્રયમાં સામાયિક, પ્રતિક્રમણ, વ્રતનિયમ વગેરેને લીધે પંડિતજીની પ્રતિષ્ઠા બંધાતી જતી હતી. પરંતુ બીજી બાજુ ઘરમાં ભાભી ઉપર અકારણ ઉગ્ર રોષ કરવાનું એમનું વલણ રહેતું એ ખોટું હતું. એટલે પંડિતજીના મનમાં જ એની પ્રતિક્રિયા ચાલવા લાગી હતી. એવામાં એક પ્રસંગે એમના જીવનમાં પરિવર્તન કરાવી દીધું.
એમનાં બહેન મણિબહેનનાં સાસુ વઢવાણથી મળવા આવ્યાં હતાં, તેઓ અને પંડિતજીનાં ભાભી વગેરે મહિલા વર્ગ એકબીજાનું માથું ઓળે અને માંહોમાંહે વાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org