________________
૨૦૦ પંડિત સુખલાલજી ઈંટમાટીનાં જૂનાં ઘરો, ધૂળિયા રસ્તા, ગાય, ભેંસ, બળદનાં છાણ વગેરેને કારણે સ્વચ્છતાનું ધોરણ સામાન્ય હતું. કેટલાયે લોકો રોજેરોજ નહાતા નહિ. મેલાં કપડાં બેપાંચ દિવસ સુધી પહેરી રાખતા, શૌચાદિ માટે પણ બહુ ચીવટ નહોતી.
કિશોરવસ્થામાં બાર-ચૌદ વર્ષની ઉંમર સુધીમાં પંડિતજીનું પરિભ્રમણ સૌરાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યું હતું. એ સમયના પ્રવાસના અનુભવો એમને માટે જીવનભર વધુ તાદશ રહ્યા હતા. તેઓ વઢવાણ, રાણપુર, વાંકાનેર, કોંઢ વગેરે સ્થળે, સગાંસંબંધીઓને મળવા કે લગ્નપ્રસંગે ગયા હતા. એ મુગ્ધ કિશોરાવસ્થામાં પણ એમની નિરીક્ષણશક્તિ તીવ્ર હતી. એમની દૃષ્ટિ વસ્તુ-પરિસ્થિતિને તરત પારખી લેતી. તેઓ મચ્છુકાંઠે ગયેલા. ત્યારે ત્યાંના વાણિયાઓ ધોતિયાને બદલે ચોરણો પહેરતા હતા એ વાત તરત એમના લક્ષમાં આવી હતી. પોતે પાણીથી ભરેલો કુંડ ક્યાં જોયો હતો, વગડામાં એકલા જતાં ,
ક્યાં ડરી ગયા હતા, જિંદગીમાં પપૈયાં પહેલી વાર ક્યાં ખાધાં હતાં વગેરે બધું એમને યાદ રહી ગયું હતું.
પંડિતજીએ કિશોરાવસ્થામાં સૌરાષ્ટ્રમાં ટ્રેનમાં ભાવનગર કે મોરબી સુધીની મુસાફરી કરેલી. એ જમાનામાં ધીમી ગતિએ ચાલતી મીટરગેજ કે નેરોગેજ ટ્રેનનો પ્રવાસ સૌને આશ્ચર્યમુગ્ધ કરી દે તેવો હતો. ગાડામાં કે ઘોડા ઉપર કે ઘોડાગાડીમાં મુસાફરી કરવાના એ દિવસો હતા. એટલે ટ્રેનમાં બેઠાં બેઠાં નજર સામે ઝડપથી પસાર થતાં વૃક્ષો વગેરેનાં દશ્યો તે જમાનાના માણસોને આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવાં હતાં.
પંડિતજીના જમાનામાં જ્ઞાતિપ્રથા બહુ દઢ હતી. કન્યાને જ્ઞાતિ બહાર પરણાવી શકાતી નહિ. એથી ક્યારેક નાની કન્યા અને વર મોટા હોય એવાં કજોડાં પણ થતાં. કન્યાવિક્રય પણ થતા. વૃદ્ધો બીજી ત્રીજી વાર પણ પરણતા. પંડિતજીનાં એક ફોઈ વઢવાણમાં રહેતાં. પરંતુ ફોઈ નાની ઉંમરમાં ગુજરી ગયાં એટલે ફુઆએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. એ બંને વચ્ચે ઉંમરનું અંતર મોટું હતું. પૈસા આપીને એમણે એ કન્યા મેળવી હતી. પણ પછી થોડાં વર્ષોમાં જ ફુઆનું અવસાન થતાં નવી ફોઈને યૌવનમાં વૈધવ્ય આવ્યું હતું. એથી સવાર-સાંજ પોક મૂકીને તેઓ રડતાં હતાં. એ જોઈને પંડિતજી વૃદ્ધલગ્ન અને વૈધવ્ય વિશે વિચાર કરતા થઈ ગયા હતા.
પંડિતજીના કિશોરકાળના જમાનામાં કેવી પરિસ્થિતિ પ્રવર્તતી હતી એનો ચિતાર એમની આત્મકથામાંથી આપણને જોવા-જાણવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org