________________
૧૨ • પંડિત સુખલાલજી હતો. કૃષ્ણલાલ અને મેડમ બંનેને ઘોડેસ્વારીનો શોખ હતો. એ જમાનામાં સ્ત્રી લાજ કાઢે, ઘોડા પર બેસે નહિ, ટોપી અને બૂટ પહેરે નહિ. પરંતુ મેડમ એવું બધું કરતી હતી. એથી લોકોને બહુ નવાઈ લાગતી. કૃષ્ણલાલ વિલાયતી પોશાક પહેરતા, માથે હેટ રાખતા અને હાથમાં સોટી લઈને ફરતા. રસ્તામાં પોતાની મેડમ સાથે હાથ પકડીને ચાલતા. લોકોને આવું બધું કોઈ નાટક-સિનેમાના કાલ્પનિક દશ્ય જેવું લાગતું હતું. ગામનાં છોકરાંઓ અને બીજાઓ આવું દશ્ય જોવા માટે કુતૂહલવશ થઈ આઘે ઊભા રહેતા.
કૃષ્ણલાલ શાળાનું ઈન્સ્પેક્શન કરવા આવે ત્યારે એમના ભોજન અને ઉતારાની સગવડ માટે અગાઉથી દોડાદોડ થતી. ગરમીના દિવસો એટલે ખસની કે જવાસાની ચટાઈની અને એના પર પાણી છાંટવાની વ્યવસ્થા કરવી પડતી. એ માટે ગામના કુંભાર, હજામ વગેરેને વેઠે બોલાવવાની પદ્ધતિ હતી. વળી શાળાના વિદ્યાર્થીઓને વગડામાં જવાસા વીણવા મોકલવામાં આવતા. પંડિતજી પણ એ રીતે જવાસા વીણવા જતા.
કૃષ્ણલાલ પરીક્ષા વખતે નિશાળના માસ્તરોને કંઈ ભૂલ હોય તો ટોકતા કે ધમકાવતા. એ જોઈને વિદ્યાર્થીને બહુ આશ્ચર્ય થતું. વર્ગમાં વાઘની જેમ વર્તનાર માસ્તરો કૃષ્ણલાલ આગળ સાવ બિલાડી જેવા થઈ જતા. એથી વિદ્યાર્થીઓને બહુ કુતૂહલ થતું. બહારગામથી પરીક્ષક આવવાના હોય ત્યારે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે અભ્યાસની બરાબર તૈયારી કરાવતા. જવાબો મોઢે કરાવતા. એ માટે વિદ્યાર્થીઓને શાળામાં રાતે પણ બોલાવતા અને ત્યાં જ સુવાડતા. ગ્યાસતેલના ફાનસના અજવાળે ઝોકાં ખાતાંખાતાં વિદ્યાર્થીઓ વાંચતા. સવારે વહેલા ઉઠાડવા માટે શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપર પાણી છાંટતા કે આંકણીથી મારતા. એ જમાનામાં ઈન્સ્પેક્ટર આવે ત્યારે ગામડાંઓની શાળાનું વાતાવરણ કેવું તંગ થઈ જતું તેનું તાદશ ચિત્ર આવી ઘટનાઓથી નજર સમક્ષ ખડું થઈ શકે છે.
પંડિતજીને યાદ રહી ગયેલા બીજા એક શિક્ષક તે ચુનીલાલ દવે. તેઓ શિયાણી ગામથી આવેલા. શાળામાંથી નિવૃત્ત થયા પછી પણ તેઓ લીમલીમાં ઘણાં વર્ષો સુધી રહેલા. પંડિતજી કાશીમાં વિદ્યાભ્યાસ કરીને પાછા આવ્યા ત્યારે પણ તેઓ હજુ લીમલીમાં જ રહેતા હતા. તેઓ પંડિતજી પ્રત્યે માનથી જોતા. તેઓ હંમેશાં ઊજળાં કપડાં પહેરતા અને ચટાકેદાર રંગનો સાફો પહેરતા. ચુનીલાલ માસ્તરના નાના ભાઈનું નામ નાગરદાસ હતું. શાળામાં ભણતા ત્યારે નાગરદાસ સાથે પંડિતજીને ખાસ્સી દોસ્તી થઈ ગઈ હતી.
પોતાના મોટા ભાઈ શિક્ષક હતા એટલે નાગરદાસ શિયાણીથી લીમલી ભણવા આવેલા. નાગરદાસ જાતે બ્રાહ્મણ, પણ બહુ કદાવર અને શક્તિવાળા હતા. કૂવામાંથી પાણી કાઢીને બે હાથમાં એક એક બેડું લઈને તેઓ એવા દોડે કે પનિહારીઓ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org