________________
કરણની વિચિત્ર અસર (ચાલુ) ૧૧૩
અગ્નિ જ છે.
હવે, વિચાર કરો કે, જે બધા સંચાઓ ચાલે છે, તે એકસરખી રીતે ચાલે છે ?
ના, જી ! ચક્રો ગોળ ફરે છે. કેટલાંક ચક્રો અર્ધા જ ફરીને પાછા ફરે છે. કેટલાક સંચાના અવયવો લાંબી લાકડી જેવા હોય, તે તો માત્ર આમથી તેમ જાય છે, ને આવે છે. પંખાઓ ઘણા જ વેગથી ચક્કર ચક્કર ગોળ ફરે છે. કારણ એ કે, જે સંચા જે પરિસ્થિતિમાં ગોઠવ્યા હોય, તે પ્રમાણે જુદી જુદી ક્રિયા કરે છે. કોઈ ચક્ર સવળા ફરે છે, ત્યારે કોઈ અવળાયે ફરે છે. એમ સૌ પોતપોતાની રીતની ગોઠવણ પ્રમાણે કામ કર્યું જાય છે.
બસ, તેવી જ રીતે અહીં પણ સમજી લેવું. જેમ એ જુદી જુદી સમગ્ર પ્રવૃત્તિઓનું મૂળ કોઠીમાંનો અગ્નિ હોય છે, તે જ પ્રમાણે કર્મો ઉપર થતી આઠેય અસરોનું મૂળ એક જ કરણ હોય છે. છતાં તે જુદી જુદી પરિસ્થિતિનાં કર્મો ઉપર જુદી જુદી અસરો કરે છે. તેથી તે જુદી જુદી અસરોના ઉત્પાદક તરીકે એક જ પ્રયત્ન જુદાં જુદાં આઠ કરણરૂપે ગણાય છે.
જેમ, એક જ માણસ કોઈનો કાકો, કોઈનો મામો, કોઈનો ભત્રીજો, કોઈનો ભાણેજ, કોઈનો દિયર, કોઈનો જેઠ, કોઈનો સસરો, કોઈનો માસો, કોઈનો ફૂઓ, અને કોઈનો બનેવી ગણાય છે.
પ્રશ્નો ૧. આઠ કરણ એટલે અધ્યવસાય અને યોગનાં બળ કેટલાં ગણવાં? ૨. તો પછી, અધ્યવસાય વગેરેનું એક જ બળ આઠ પરિણામ કેમ ઉત્પન્ન
કરી શકે? ૩. એક જ કરણમાંથી ઉત્પન્ન થતાં જુદાં જુદાં કાર્યોની જુદી જુદી પાત્રતાને
લીધે જુદી જુદી થતી અસરના બે ચાર નવા દાખલા આપો.