________________
૧૪૬ કર્મ-વિચાર ભાગ-૩
હા, જી. મારે હાથ છે. હું ઊભો ચાલું છું. મારે માથે વાળ છે. મારા કાન ઊભા ચોંટેલા છે. હાથપગને આંગળાં છે. મારું મોં ગોળ છે. હું વધારે સમજી શકું છું. મારે બોલવાની ભાષા છે. કયું કામ ક્યારે અને કેમ કરવું તેનો સ્પષ્ટ વિવેક છે. હું પુરુષજાત છું. મને મૂછો ફૂટશે. મારી ચામડી પાતળી છે. મારા અવયવો નાજુક છે. મારા શરીરનો રંગ ઘઉંવર્ણો છે. હું વિવિધ વાનગીઓનો ખોરાક લઉં છું. હું અનેક સામગ્રીથી રહું છું. ઘર, દુકાન, રસોડું, પલંગ, ટેબલ, પાટ વગેરે અનેક સામગ્રીઓપૂર્વક રહું છું. કપડાં પહેરું છું. જાતજાતના નિયમો મારે સાચવવા પડે છે. રાજ્યના કાયદાને માન આપવું પડે છે. ધર્મ પાળું છું. પુસ્તકો વાંચું છું. પ્રભુભક્તિ કરું છું. અભ્યાસ કરું છું. મારો ધંધો ચલાવવાને તાલીમ લઉં છું. ચાંદીસોનાના દાગીના પહેરું છું. હું માણસ કહેવાઉં છું.
બસ, હવે ગાયમાં હોય, ને તમારામાં ન હોય, તેવી વસ્તુઓ ગણાવો.
હા, એ પણ ગણાવું. ગાયને ખરી છે. પૂંછડું છે, ગળે ગોદડી છે. ઘાસ ખાય છે. આંચળ છે. આડી ચાલે છે. મારા કરતાં ઘણી બળવાન છે. શીંગડાં છે. કાન લાંબા છે. પેટ નીચે લટકતું છે. પીઠ ઉપર છે. આખા શરીરે જાડા વાળ છે. શરીરે લાલ રંગ છે વગેરે અનેક રીતે મારા કરતાં જુદાપણું છે.
ઠીક વારુ. પરંતુ ઘોડામાં ને ગાયમાં મળતાપણું તથા જુદાપણું સમજાવશો ?
હા. શરીર, આત્મા તથા આંખ, કાન વગેરે અવયવો તો બન્નેના લગભગ સરખાં છે. ઘોડાને પગે દાબડા છે. પૂંછડાં લાંબા લાંબા વાળથી ભરેલા છે. ઘોડો ચપળ ને મજબૂત પ્રાણી છે. તેનું મુખ્ય કામ ખેપ કરવાનું છે. ઘોડાને શીંગડાં નથી. એમ કેટલુંક જુદાપણું છે.
ઠીક, આપણે હવે એક બીજો જ વિચાર કરીએ. અને તે એ કે, એવી એવી કઈ ચીજો છે કે જે દરેક પ્રાણીઓમાં સરખી હોય, પછી થોડી થોડી કે વધારે વધારે હોય તે બાબતનો વિચાર કરીને કહો.
કાલે વિચાર કરીને કહું તો કેમ ?