________________
૧૫૦ કર્મ-વિચાર ભાગ-૩
ગીધ ને સમડી મળતી આવે છે. કારણ બન્નેની ચાંચ વાંકી હોય છે.
એક માણસ બીજા માણસ સાથે ઘણી બાબતમાં સરખો છે. એક ગાય બીજી ગાય સાથે ઘણી બાબતમાં સરખી છે. એક બળદ બીજા બળદ સાથે ઘણી બાબતમાં સરખો છે. તેમ જ પાડા સાથે પણ કેટલીક બાબતમાં જુદા પડવા છતાં ઘણી બાબતમાં મળતો છે. તે જ રીતે ઘોડા સાથે. આમ કેટલીક બાબતમાં સરખાપણું અને કેટલીક બાબતમાં જુદાપણું દરેકમાં જોવામાં આવે છે.
વળી કેટલાંક પ્રાણીઓ કરતાં બીજાં કેટલાંક પ્રાણીઓમાં વેગ, બળ, લાગણી સમજશક્તિ, અવયવોની સ્પષ્ટતા અને ઉપયોગ વગેરે વગેરે વધારે જોવામાં આવે છે. દાખલા તરીકે–પોરા, અળસિયાં કરતાં, કીડી, ઊધઈ, મંકોડા વગેરે વધારે ચપળ જણાય છે. તેના કરતાં માખી, બગાઈ, વીંછી, ભમરા વગેરે વધારે બળવાન ને ચપળ, બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરતા માલૂમ પડે છે. તેના કરતાં પક્ષીઓ, પશુઓ વધારે હોશિયાર, બળવાન, ચપળ, સમજદાર, ઉપયોગી માલૂમ પડે છે અને સૌથી વધારે બુદ્ધિમાન, લાગણીવાળા મનુષ્યો માલૂમ પડે છે.
આમ અનેક રીતે તફાવત અને સરખાપણું હું સમજું છું, તે કહ્યું જાઉં છું.
બરાબર, બરાબર. તમે તમારી શક્તિ પ્રમાણે સારી રીતે વિવેચન કરો છો, તે જોઈ મને બહુ જ તમારા તરફ ખુશી ઊપજે છે. પરંતુ સૌથી ઓછામાં ઓછી સામગ્રી કોને છે ? અને તેના કરતાં વિશેષ, તેના પણ કરતાં વિશેષ કોનામાં છે ? તેનો બરાબર ક્રમ ઠરાવી શકશો?
ના, જી ! આ ક્રમ ઠરાવવો એ ઘણા જ ઊંડા અભ્યાસને પરિણામે ઠરાવી શકાય. એક એક પ્રાણીના જીવનનો અભ્યાસ કરવો પડે, તેનું વર્ગીકરણ કરવું પડે, અને ત્યારપછી એ ક્રમ ઠરાવી શકાય. તેમ કરવા માટે સાધનો અને સમય બને પુષ્કળ જોઈએ. વળી જ્ઞાન પક્વ થયા વિના સાધનો અને સમય પણ બરાબર ઉપયોગી ન થાય. એટલે પ્રથમ આજુબાજુનું અમારું જ્ઞાન બીજા અનુભવોથી પક્વ થવું જોઈએ.