________________
૨૬૪ કર્મ-વિચાર ભાગ-૩
એકઠું કરવું, જથ્થો કરવો, ઢગલો કરવો, એવો થાય છે. આ કર્મનું કામ ત્રણ રીતે સમજાય છે.
[૧] શરીરનામકર્મને લીધે તે તે વર્ગણા મેળવવાનો આત્માનો હક્ક નક્કી થાય છે. પરંતુ વર્ગણાઓ પણ પરમાણુઓના સ્કંધોની બનેલી હોય છે. અને પરમાણુઓનો બંધ થાય ત્યારે સંઘાત નામના પરિણામ વિશેષથી કંધો બને છે, સંઘાત થવામાં સ્નિગ્ધત્વ (ચીકાશ) અને રુક્ષત્વ (લુખાપણું) નામના બે પરમાણુધર્મો કારણભૂત બને છે. આ રીતે સ્કંધમાં બંધ થવામાં સંઘાત કારણભૂત બને છે. એટલે કે સંઘાત થવામાં સંઘાતનનામકર્મ કારણભૂત છે. અને બંધ થવામાં બંધન નામકર્મ કારણ છે. જે પ્રાણીનું જે જાતનું સંઘાતનનામકર્મ તે જ પ્રમાણે પરમાણુઓમાં સંઘાત થાય. અને જેવું બંધનનામકર્મ, તે પ્રમાણે બંધન-બંધ થાય. જો બંધન અને સંઘાતનનામકર્મ ન હોય, તો સીધેસીધા કેવળ પરમાણુઓનું શરીર બનવું જોઈએ. પરંતુ તેમ ન બનતાં બંધ પામેલા અને સંઘાત પામેલા પરમાણુઓની વર્ગણાઓ શરીર બાંધવાના કામમાં આવે છે. આમ આ જાતના અણુસમૂહો જ શરીર બાંધવાના કામમાં આવે છે, બીજા છૂટા પરમાણુઓ નહીં. તેનું કારણ શું ? એ ઉપરથી નક્કી થાય છે કે, વર્ગણાઓના બંધનમાં બંધનનામકર્મ અને સંઘાતમાં સંઘાતનનામકર્મ કારણ છે.
શરીર બાંધવામાં ગ્રહણ થતી દરેક પ્રાણીની વર્ગણાઓની સંખ્યા તથા તેની ઉત્તમતા મધ્યમતા વગેરે શરીરનામકર્મની તરતમતાને આભારી છે. તે તરતમતાનું પ્રેરક પ્રતિ પ્રાણીના સંઘાતનનામકર્મ અને બંધનનામકર્મ છે—વગેરે હકીકત ધ્યાનમાં રાખીને આ અર્થ કરવામાં આવેલો છે.
[૨] જ્યારે આત્મા ઉત્પન્ન થાય છે, ત્યારે અને પછી પણ ઓછામાં ઓછી ત્રણ વર્ગણાઓ તો ગ્રહણ કરે જ છે. બે ભવની વચ્ચેના વખતમાં બે ગ્રહણ કરે છે. વૈક્રિયશરીરવાળા અને આહારકશરીરવાળા ત્રણ ગ્રહણ કરે છે. એટલે તૈજસ્ અને કાર્યણ તો દરેક ક્ષણે ગમે તે વખતે ગ્રહણ થાય જ છે. માત્ર વિગ્રહગતિના કે સમુદ્ધાતના અનાહારક ક્ષણમાં કોઈ પણ પ્રકારની વર્ગણાનું ગ્રહણ જીવ કરતો નથી. પરંતુ જ્યારે વર્ગણા ગ્રહણ કરવાની જ હોય ત્યારે વર્ગણાઓ તો બધી એકમેક મિશ્રિતરૂપમાં જ હોય