________________
૨૮૪ કર્મ-વિચાર ભાગ-૩
મને પણ પારંગત ન માનશો. ઘણું સમજવાનું અને શીખવવાનું અને શોધવાનું છે. તે બધું નમ્ર બની શાસ્ત્રોના અવગાહન કરી શોધ્યા કરશો તો કંઈક કંઈક નવું જાણી શકશો.
૧૩૧-૮૩-૧ તીર્થંકર નામકર્મ–જીવ પોતે પોતાના સ્વતંત્ર અધિકારમાં રહેવાના જ સ્વભાવવાળો છે, છતાં કર્મોને લીધે તેને તે સ્થિતિ સંપૂર્ણપણે પ્રાપ્ત થતી નથી, પરંતુ તે શક્તિ મર્યાદિત રીતે પ્રાપ્ત થાય છે. એટલે આ કર્મ એ મર્યાદાનું નિયામક છે. તેથી તે જીવવિપાકી છે. જગતમાં પ્રાણીવર્ગમાં અધિકાર પ્રમાણે અનેક પદવીઓ જીવને ભોગવવી પડે છે. અથવા બાહ્ય દૃષ્ટિથી કહીએ તો પ્રાપ્ત કરવી પડે છે. એક માણસ જાતિનામકર્મને લીધે અમુક કુટુંબમાં ઉત્પન્ન થયો, પરંતુ તે કુટુંબમાં ઉત્પન્ન થયો એટલા ઉપરથી તે કુટુંબના મુખી તરીકેની પદવી બધાને મળે જ, એમ નથી. તે પદવી તો અમુક વ્યક્તિને જ પ્રાપ્ત થાય, અથવા ભોગવવી પડે. અર્થાત્ આત્માનું અમુક ચોક્કસ સામર્થ્ય અમુક ચોક્કસ મર્યાદામાં એ પદવી નિમિત્ત વડે આત્મા પ્રગટ કરી શકે અથવા પ્રાપ્ત કરી શકે છે.
આવી પદવીઓ પ્રતિ પ્રાણીવર્ગમાં મેળવવા ધારીએ તો મળી શકે. પરંતુ એ સર્વ પદવીઓની શિરોમણિ તીર્થંકર પદવી છે. તેનાથી ઊંચી કોઈ પણ પદવી નથી. રાજા, ચક્રવર્તી, ઇંદ્ર, આચાર્ય, ઉપાધ્યાય, નાયક વગેરે વગેરે પ્રાણીમાત્રની સર્વ પદવીઓ એ પદવીમાં વ્યાપ્ય રીતે સમાઈ જાય છે. અર્થાત્ એ પદવી ત્રિભુવનનાં પ્રાણીઓને પૂજય થઈ પડે છે. આવી ત્રિભુવન પૂજ્ય પદવી પ્રાપ્ત કરાવનાર કર્મ અથવા એ શક્તિને પ્રગટ કરવાનો અવકાશ આપનાર કર્મ તીર્થકર નામકર્મ છે. આ કર્મનું આ નામ ઉપલક્ષણરૂપ હોય એમ સમજાય છે, કેમકે દુનિયામાંની દરેક વ્યવસ્થિત પદવીનું પ્રેરક આ કર્મ છે. એટલે કે, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણી, પ્રવર્તક, પ્રવર્તિની, સાધુ રાજા, ચક્રવર્તી, ઇંદ્ર, સામાનિક, પુરોહિત, સેનાધિપતિ, સામંત, ન્યાયાધીશ, શેઠ, નગરશેઠ, કુલપતિ, કુટુંબપતિ, પ્રમુખ, મંત્રી, નાયક, સંઘવી વગેરે વગેરે પદવીનાં પ્રેરક કર્મો તે તે જીવને લગતાં અને તે તે પરિસ્થિતિ પ્રમાણે જાણી શકાય છે.
અહીં એટલું યાદ રાખવું કે, તીર્થકરની યોગ્યતા અને પદવી,