________________
પાઠ ૩જો
કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર
હવે આપણે બીજા ભાગના છેલ્લા પાઠો એક વખત ફરી પાછા વાંચી જઈએ. તમે વાંચો. હું સાંભળું છું
તેમાં સત્તામાં રહેલા કર્મનો અબાધા કાળ પૂરો થવાથી તે કર્મ ઉદયમાં આવવું શરૂ થાય છે. તે વખતે તેનો નિષેક બને છે. અને ઉદયાવલિકામાં પ્રવેશ પામેલું કર્મ ઉદય આવે છે. વગેરે હકીકત આપણે તાજી કરી જઈએ.
હવે એક કલ્પના કરો કે તમારો આત્મા આ અંતરંગ પ્રકરણના પહેલા પાઠમાં બતાવ્યા પ્રમાણેનો સંપૂર્ણસ્વરૂપવાળો છે. તેને કયાં કયાં કર્મો ઉદયમાં આવવાથી તેની અત્યારની તમારા સ્વરૂપે અવસ્થા બની રહી છે ? તે કહો.
એ કહેવાની શરૂઆત શી રીતે કરવી ? તે જ સમજ પડતી નથી. પ્રથમ તો મારે એ જ પૂછવાનું છે, કે કર્મો કુલ કેટલા છે? અને તે દરેકના ચોક્કસ કયાં કયાં નામો છે ? તે જ અમે જાણતા નથી. તેથી સમજયા વિના કહેવું બરાબર નહીં ફાવે.
જો કે કર્મો અસંખ્ય કહી શકાય, છતાં તેનું વર્ગીકરણ કરીને તેની અમુક ચોક્કસ સંખ્યા, તથા ચોક્કસ નામો, તથા તેના ચોક્કસ પરિણામો એટલે રસોદય, તેનો ચોક્કસ વખત એટલે સ્થિતિ, તથા તેના પ્રદેશોના જથ્થાનું માપ વગેરે ચોક્કસ પ્રમાણમાં ઠરાવેલ છે, પરંતુ તે બધું સ્વરૂપ આગળ ઉપર જ સમજાવીશ. છતાં કર્મોની સંખ્યા, નામો અને તેનાં ફળ તો અહીં તમને ગણાવી જાઉં, તો જ ઠીક પડશે.