________________
૨૩૬ કર્મ-વિચાર ભાગ-૩
આ કષાયોનું હોવાથી સર્વ પ્રત્યાખ્યાનાવરણીય ચારિત્રમોહનીયકર્મ છે. અર્થાત અલ્પ પ્રત્યાખ્યાન આ પ્રાણી કરી શકે છે. પરંતુ સર્વથા પ્રત્યાખ્યાન કરી શકતો નથી.
તેમ જ, આથી પણ આગળ વધીને જેઓના પ્રત્યાખ્યાનાવરણીય કષાયો પણ શાંત થયા હોય છે, કે નાશ પામ્યા હોય છે, તેવા મહાત્માઓનું બાહ્ય વર્તન ઘણું જ ઉત્તમ હોય છે. તેમને કોઈ પણ ચીજ ઉપર મમત્વ હોતું નથી. અને ઉપરની સર્વ ચીજોનો ત્યાગ કરીને તદ્દન ત્યાગી અવસ્થામાં રહે છે. તેમને કાંઈ “મારું-તારું' હોતું જ નથી. આવા તદ્દન ત્યાગી મહાત્માઓનું દર્શન બહુ દુર્લભ હોય છે. આ રીતે તેમની મનોવૃત્તિ અને વિર્તન લગભગ તદ્દન શુદ્ધ અને નિર્મળ હોય છે. છતાં તેમને કંઈક કષાયો હોય છે. તે માત્ર જ્યારે કોઈ તેને બહુ જ હેરાન કરે છે, કે ભારેમાં ભારે કસોટીમાંથી તેમને પસાર થવાનું હોય છે, ત્યારે તે નિર્મળવૃત્તિને કંઈક ઝાંખપ લગાડે–કંઈક બાળે, એવા સહેજ કષાયો ઉત્પન્ન થાય છે. આ કષાયોનું નામ સંજવલન કષાયો કહેવાય છે. કારણ કે, સં એટલે સહેજસાજ, જ્વલન એટલે બાળવું. નિર્મળ મનોવૃત્તિને સહેજસાજ બાળવાનું–મલિન કરવાનું જ માત્ર જે કષાયો કામ કરે છે, તેનું નામ સંજવલનકષાય નામનું ચારિત્રાવરણીયકર્મ કર્મ કહેવાય છે. આ ઉપરથી બીજા કષાયો ચારિત્રશક્તિને નથી બાળતા એમ ન સમજવું. એ કષાયો ચારિત્રશક્તિને બાળે તો છે જ ઉપરાંત, અન્ય વસ્તુઓ ઉપરથી મમત્વનો તદ્દન ત્યાગ કરવો જોઈએ એ થવા દેતા નથી તથા બીજા કષાયો અલ્પ પણ ત્યાગ કરવા દેતા નથી. અને અનંતાનુબંધીય કષાયો તો ચારિત્રને ખૂબ બાળે છે. અન્ય વસ્તુઓ ઉપર ગાઢ મમત્વ ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં પણ તેની અનંત પરંપરા ચાલે અને ઘણો લાંબો વખત એ જ દશામાં પ્રાણીને ગાળવા પડે, એ સ્થિતિ ઉત્પન્ન કરે છે. ત્યારે આ સંજવલન કષાય સર્વ પ્રકારે પ્રત્યાખ્યાન તો થવા દે છે જ. છતાં શરીર કે ધાર્મિક ઉપકણો વગેરે ખાતર ક્રોધ, માન, માયા અને લોભ અલ્પમાં અલ્પ થઈ જાય છે. તેટલો કષાય પણ નિર્મળ ચારિત્રવૃત્તિમાં અગ્નિના તણખારૂપે હોવાથી તેનું સંજ્વલન નામ બરાબર રાખવામાં આવ્યું છે.