________________
૨૪૪ કર્મ-વિચાર ભાગ-૩
જ એક પરિસ્થિતિમાં રોકી રાખે છે. (૨) અમુક પરિસ્થિતિમાં વધારે વખત રોકાઈ રહેવાની આત્માની ઇચ્છા હોય તો આ કર્મ પોતાની મુદત પૂરી થયે ત્યાંથી બહાર લઈ જ જાય છે. અર્થાત્ આત્માના અક્ષયસ્થિતિગુણનું આચ્છાદન કરવાનું કામ આ કર્મ કરે છે, એટલે તેની આત્મા ઉપર અસર તો છે જ. પરંતુ અમુક પરિસ્થિતિઓ એટલે કે ભવોમાં તે મુખ્ય નિમિત્ત હોય છે. એટલે તેને ભવવિપાકી કર્મ કહેવામાં આવ્યું છે. તે આ પ્રમાણે—
૪૫. દેવાયુષ્કર્મ–દેવોને યોગ્ય પરિસ્થિતિમાં—દેવભવમાં—લઈ જઈ ત્યાં રોકી રાખવાનું કામ આ કર્મ કરે છે. જો આ કર્મ ન હોય તો દેવભવમાં આત્માથી એક ક્ષણ પણ રહી ન જ શકાય અને આયુષ્ય પૂરું થયે પણ આત્માથી દેવભવમાં ન જ રહી શકાય. તથા પૂરું ન થયું હોય ત્યાં સુધી બીજે જઈ પણ ન જ શકાય. આ રીતે દેવપણાના વખતનું—દેવપણામાં સ્થિતિનું—નિયામક આ કર્મ છે.
૪૬-૪૭-૪૮. મનુષ્યાયુષ્કર્મ, તિર્યચ્ચાયુષ્કર્મ અને નારકાયુષ્કર્મ– આ ત્રણ વિશે પણ લગભગ ઉપરની જ વ્યાખ્યા ઘટાવી લેવી. આ ચાર પ્રકૃતિઓમાં પહેલી બે શુભ અને છેલ્લી બે અશુભ ગણાય છે.