________________
પાઠ ૭મો કર્મપ્રકૃતિ નિરૂપણ (ચાલુ)
૬. નામકર્મ આ કર્મનો વિચાર અગત્યનો છે. તેની અસરો પ્રત્યક્ષ જોઈ શકાય છે. વ્યવહારમાં વધારે જણાય છે તેમ જ તેનો વિસ્તાર પણ વધારે છે. આ કર્મ આત્મા ઉપર જુદી જુદી અનેક અસરો ઉત્પન્ન કરે છે, અને જુદી જુદી અનેક સામગ્રીઓ પૂરી પાડે છે.
નામ–આ કર્મનું નામ “નામકર્મ” છે. આ કર્મ બીજાં કર્મોની માફક આત્માના તે તે ગુણોને તો ઢાંકે જ છે. ઉપરાંત કેટલીક બાહ્ય સામગ્રીઓમાં સ્વતંત્ર આત્માને પોતાનું સ્વરૂપ ભૂલી જઈ ગોંધાઈ રહેવું પડે છે–નમવું પડે છે, તેથી તેનું નામ “નામકર્મ” આપવામાં આવ્યું છે. અથવા જાતિનામકર્મને લીધે આત્માને જુદાં જુદાં નામો–શબ્દો ધારણ કરવા પડે છે. વ્યવહારમાં શબ્દવ્યવહાર મુખ્ય છે. આત્માના જુદા જુદા શબ્દોથી વ્યવહારનું નિયામક જાતિનામકર્મ છે. જાતિનામકર્મ આ કર્મનો એક પેટા વિભાગ છે. છતાં ઉપલક્ષણથી આખા કર્મનું નામ પણ “નામકર્મ” રાખવામાં આવ્યું હોય, તો તે પણ સંભવિત અને ઉચિત જણાય છે.
પ્રકૃતિઓ આ કર્મની પ્રકૃતિઓ મુખ્યપણે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પિંડપ્રકૃતિઓ, શુદ્ધ પ્રત્યેક પ્રકૃતિઓ અને સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓ.
પિંડપ્રકૃતિઓ–સામાન્ય નામથી સૂચવાતી પ્રકૃતિઓ, કે જેના પેટા ભેદો થઈ શકે છે.
શુદ્ધ પ્રત્યેકપ્રકૃતિઓ–જેના પેટા ભેદો જ નથી.