________________
૨૫૮ કર્મ-વિચાર ભાગ-૩
પહેલેથી પરિણામ થતી વખતે તે કર્મ ત્યાં હાજર હોય છે. તેને ધ્યાનમાં લઈને જ યથાયોગ્ય પરિણામ થવો શરૂ થાય છે.
ત્યાર પછી શ્વાસ લેવાની શક્તિ કેટલી આપવી જોઈએ ? એ શ્વાસોચ્છવ્વાસનામકર્મે નક્કી કરી આપ્યું હોય છે. એટલે શરીરમાં તે પ્રમાણે જ શ્વાસોચ્છવાસ લેવાનું બળ ઉત્પન્ન થાય છે. અને પર્યાપ્તિ નામકર્મ શ્વાસોચ્છવાસપર્યાપ્તિ ઉત્પન્ન થાય કે તરત શ્વાસોચ્છવાસને યોગ્ય વર્ગણા લઈ પરિણાવીને શ્વાસ લેવા મૂકવાનું કામ શરૂ થઈ જાય છે. આ રીતે બાકીનાં નામકર્મો માટે સમજી લેવું.
અહીં એક મોટા કારખાનાનું અને તેના મહાનિયામકનું દષ્ટાંત આપી શકાય. અથવા ચિત્રકારનું દષ્ટાંત આપી શકાય. કારખાનામાં જે જાતની ચીજ બનાવવી હોય તે પ્રમાણે જ પ્રથમથી જ વેતરણ કરવી પડે છે, અને સાધનો પણ તેવાં જ વસાવવાં પડે છે. અથવા ધારો કે, એક મકાન બનાવવું હોય તો બધી ચીજોની વેતરણ પહેલેથી જ તે પ્રમાણે તૈયાર થતી જોઈએ છીએ. ચિત્રકાર મોટું અને આબેહૂબ ચિત્ર કાઢવા ઇચ્છતો હોય તો પહેલેથી જ તે પ્રમાણે તેની રેખા દોરે છે, તેવા જ રંગ પસંદ કરે છે, પહેલેથી જ તેવી સફાઈ કરે છે, એમ પહેલેથી જ બધી યોગ્ય સામગ્રી મેળવતાં છેવટે બરાબર ચિત્ર તૈયાર થઈ જાય છે. પહેલેથી જેટલી ખામી રહી હોય, તેટલી છેવટે આખા ચિત્રમાં જણાયા વિના રહેતી નથી. ખાવાની ચીજ બનાવવામાં પણ પહેલેથી સાવચેતી રાખવામાં ન આવે, તો તેમાં છેવટે અનેક જાતની ખામીઓ અનુભવવી પડે છે. તેમ જ શરીરરચના થતાની સાથે જ પ્રત્યેક આત્માએ પોતે પૂર્વભવમાં આ ભવ માટે ઉપાર્જિત કરેલાં કર્મોની અસર પહેલેથી જ થવા માંડે છે, એટલે આખી રચના તે પ્રમાણે જ શરૂ થાય છે, અને છેવટે બધી અસરોના સરવાળારૂપ અમુક એક ચોક્કસ સ્વરૂપમાં આખું શરીર, સ્વભાવ અને એકંદર આખું જીવન ગોઠવાઈ જાય છે.
અહીં જુઓ, બિચારા નિરંજન નિરાકાર સર્વ શક્તિમાન આત્માની સ્થિતિ ! તેને જુદી જુદી રીતે નચાવવાનું તથા તેના જુદા જુદા ઘાટ ગોઠવવાનું કામ નામકર્મ કરે છે. એટલા માટે નામકર્મને ચિત્રકાર સાથે સરખાવેલું છે. તે બરાબર સમજાશે.