________________
૨૧૨ કર્મ-વિચાર ભાગ-૩
એમ બે જાતની જીવની ગતિ થાય છે. તેમાં અમુક સમયે જીવ વર્ગણાઓનું આકર્ષણ કરે છે. જ્યાં ઉત્પન્ન થવાનો છે, તે સ્થિતિને યોગ્ય આત્મપ્રદેશોની સંસર્ગ-વિસર્ગ ગુણને લીધે નાની કે મોટી આકૃતિ બનાવે છે વગેરે કેટલાક બનાવો થાય છે. તે પ્રસંગે સમજાવીશ.
આ આનુપૂર્વી કર્મના પણ ગતિ પ્રમાણે ચાર ભેદ પાડવામાં આવ્યા છે. અને વક્ર ગતિ વખતે તેનો ઉદય હોય છે. તેમાંની મનુષ્ય આનુપૂર્વી કર્મે જીવને આ માનવ જન્મને યોગ્ય સ્થાન સુધી લાવીને મૂક્યો, એટલે તેનું કામ પૂરું થાય. આ સ્થાન પાસે જીવ આવે કે તુરત મનુષ્ય ગતિનામકર્મ તેને મનુષ્યને યોગ્ય સામગ્રીઓ આપવાની શરૂઆત કરે છે. તે કર્મ ત્યાં સુધી પોતાનું કામ બજાવશે, કે જ્યાં સુધી એ જીવ મનુષ્યપણે રહેશે.
આ રીતે ગતિનામકર્મ, જીવને મનુષ્ય વગેરેને યોગ્ય સામગ્રીઓ સાથે જોડી દે છે. તેથી તેને જીવવિપાકી કર્મ કહ્યું છે.
જે ક્ષણથી મનુષ્યગતિને યોગ્ય સામગ્રી મળવાની શરૂઆત થાય છે, તે જ સમયથી મનુષ્યનું આયુષ્ય પણ તેને મનુષ્યપણામાં સ્થિર રાખવાની મદદ કરે છે. એવું આયુષ્ય કર્મ તેણે અહીં ઉત્પન્ન થતાં પહેલાં બાંધ્યું છે. જો મનુષ્ય આયુષ્ય કર્મની જરા પણ મદદ ન હોય, તો જીવ મનુષ્યને યોગ્ય પરિસ્થિતિમાં એક ક્ષણ પણ ન રહી શકે. તેથી કોઈ પણ પ્રકારના વખતનો નિયમ કરનાર કર્મની જરૂર પડે જ છે.
૧. મનુષ્યને યોગ્ય પરિસ્થિતિ પામવા માટે જીવને મનુષ્યરૂપે થવું જ જોઈએ. ૨. એ થતાં પહેલાં પ્રથમ, મનુષ્યપણે ઉત્પન્ન થવાના સ્થાન સુધી તેને આનુપૂર્વી કર્મે લાવી મૂક્યો. ૩. તરત પ્રથમ ક્ષણથી જ તેને મનુષ્યનું આયુષ્ય આયુષ્ય-(મનુષ્યાયુષ્ય) કર્મે આપવું શરૂ કર્યું.
મનુષ્યગતિકર્મે તેને મનુષ્યને યોગ્ય બધી સામગ્રી પૂરી પાડવા માંડી. મનુષ્યને યોગ્ય સામગ્રીમાં, મનુષ્યને યોગ્ય શરીર, તે પ્રથમ ધારણ કરવું જોઈએ. માટે પ્રથમ ક્ષણથી જ મનુષ્ય-શરીર બનાવવા માટે, મનુષ્યના શરીરને યોગ્ય પરમાણુઓ (વર્ગણાઓ) મેળવવાનો હક્ક જીવને શરીરનામકર્મ આપે છે.
અત્રે યાદ રાખવાનું કે, મનુષ્યને યોગ્ય મુખ્યપણે ઔદારિક શરીર