________________
કર્મોનાં નામ, પરિણામ, ફળ, અસર ૧૯૫ ૨૧. અનંતાનુબંધી માયા- માત્ર શરીર વગેરેના બચાવ ખાતર કંઈક
કપટ કરવાનું મન થાય. ૨૨. અનંતાનુબંધી માન -માત્ર શરીર વગેરે અત્યંત નિકટની
વસ્તુઓ ખાતર કંઈક માનસત્કાર
મેળવવાની ઇચ્છા થાય. ૨૩. અનંતાનુબંધી ક્રોધ- માત્ર શરીર વગેરે વસ્તુઓને અડચણ
કરનાર તરફ અણગમો-ક્રોધ થાય. આત્મામાં સંયમશક્તિ કે ચારિત્રશક્તિ છે. એ વાત પ્રથમ આવી ગઈ છે. જયારે તેની પૂરેપૂરી સંયમશક્તિ ખુલ્લી હોય, ત્યારે આત્મા એકદમ સ્વયં જ હોય, બાહ્ય ચીજોમાં તેને કશો અભિનિવેશ ન હોય, ત્યારે તે યથાખ્યાત-બરાબર શુદ્ધ–જે રીતે જોઈએ તે રીતે ચારિત્રશક્તિવાળો હોય છે.
તે ગુણને આ કર્મ ઢાંકે છે, તેથી તે ચારિત્ર મોહનીય કહેવાય છે. બસ, સ્વચ્છ આત્માની સંયમશક્તિને યથાખ્યાત ચારિત્રશક્તિને, ઢાંકવાનું કામ સંજવલનના આ ચાર-લોભ-માયા-માન અને ક્રોધ કર્મો કરે છે. તેથી તે દરેકનું નામ સંજવલન લોભ, ચારિત્રમોહનીય અથવા લોભ નામનું યથાખ્યાત ચારિત્રાવરણીય કર્મ કહેવાય છે. તે જ પ્રમાણે બીજા ત્રણ સમજી લેવા.
ચારિત્રશક્તિથી આત્મા પોતાનામાં જ લયલીન હોય છે. અને પોતાના સિવાયની ઇતર ચીજોમાં ગૂંચવાઈ જવાનું તેના મૂળ સ્વભાવમાં નથી. તેને તો દૂર જ રાખવાનો–પ્રત્યાખ્યાન કરવાનો આત્માનો ચારિત્રમય સ્વભાવ છે. આ સંજવલન નામના ચારિત્રમોહનીય કર્મને લીધે આત્મરમણતામાં કંઈક ખામી આવે છે, છતાં ઈતર ચીજોનું પ્રત્યાખ્યાન તો રહી જ શકે છે.
પણ જો પ્રત્યાખ્યાનાવરણીય કર્મ હોય તો પ્રત્યાખ્યાનને રોકે, એટલે આત્માને પોતાના સિવાયની બીજી વસ્તુઓમાં લાલચ ઉત્પન્ન થવી શરૂ થાય.
ત્યારે તે ચારિત્રમોહનીય કર્મનું નામ પ્રત્યાખ્યાનચારિત્રાવરણીય કર્મ કહેવાય છે, કારણ કે આત્માની પ્રત્યાખ્યાનાત્મક, ત્યાગાત્મક ચારિત્રશક્તિને ઢાંકે છે જેથી બીજી વસ્તુઓનો તદ્દન ત્યાગ કરવા ન દે, ઊલટું તે તરફ કંઈક લલચાવે.