________________
૧૭૦ કર્મ-વિચાર ભાગ-૩
પકડી. આમાં પકડનાર હાથ. એ શરીરની પ્રવૃત્તિ.
હાથમાં પકડતી વખતે કેરીને કેમ પકડવી જોઈએ. આ જાતની રીત જાણે આત્મા તે વખતે શીખવતો હોય ને, તેમ જે રીતે પાકી કેરીને પકડવી જોઈએ, તે જ રીતે હાથે પકડી. જો વધારે દબાવીને પકડી હોત તો પાકી કેરીમાં એકદમ આંગળીઓ ખૂંચી જાત, અને જો તદ્દન પોચા આંગળાઅડક્યા એ રીતે કેરી પકડી હોત તો, કેરી હાથમાં રહી જ ન શકત, એટલે પડી જ જાત. હાથમાં આ રીત ઉતારનાર પણ આત્મા જણાય છે.
ત્યાર પછી હાથ કેરી ઘોળવા લાગ્યા, તે શરીરની પ્રવૃત્તિ.
કેરી બરાબર ઘોળાઈ ગઈ, એ સૂચના પહોંચાડનાર આત્મા. તથા ઘોળતી વખતે, પૂર્વે ઘણી વાર જોઈને યાદ રાખેલી ઘોળવાની રીત હાથને બતાવી, તે પણ આત્માએ. બીજી કેરી હજુ ઘોળવાની છે, માટે આને બાજુએ ધીમેથી મૂકી બીજી કેરી લેવી ને તે ઘોળવી. બાજુ પસંદ કરવી, મૂકવાની ક્રિયા બરાબર વાજબી જોઈએ તે પ્રમાણે હાથમાં ઊતરવી, પ્રથમની જેમ જ બીજી કેરી હાથમાં લેવી, ને ધોળવી. તેને પણ બાજુએ મૂકવી જોઈએ. મૂકવાની ક્રિયા પણ બરાબર વાજબી હાથમાં ઊતરવી. એ વગેરે ક્રિયાઓમાં—લેવા મૂકવાની ક્રિયા, તથા ઘોળવાની ક્રિયા–એ હાથની— શરીરની પ્રવૃત્તિ છે. બાકીની બધી પ્રવૃત્તિઓ આત્માની છે. એ સ્પષ્ટ સમજાય તેમ છે. એટલે વિસ્તાર નથી કરતો.
કંઈ નહીં, આગળ ચાલો.
કેરી ચાખવી એટલે રસ ચાખવો, પરંતુ તે કેરીમાં છે. રસ બહાર કાઢવા ઉપરથી કેરીનું મોં હાથવતી ખોલવું જોઈએ. આ પ્રેરણા આત્માએ કરી, કે તરત હાથે ઉપરથી ડીંટિયું ખોલ્યું કે રસ બહાર આવ્યો. આમાં ડીંટિયું તોડવા સિવાયની બધી પ્રવૃત્તિ આત્માની જ જણાય છે.
રસ તો બહાર આવ્યો, પરંતુ ચાખે કોણ ? આ કામ જીભનું છે. જીભ તો મોંમાં છે. કેરી સુધી જઈ શકે તેટલી લાંબી જીભ નથી. તો હવે શું કરવું ? તરત હાથને પ્રેરણા થઈ, હાથ મોં તરફ વળ્યા. માને પણ કેરીને પોતાનામાં લેવા પ્રેરણા થઈ રહી હતી. જીભે પણ રસ ચાખવા ઉતાવળ કરી