Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
TOC જ્ઞાનધારા GOOGO
પ્રથમ પરમાત્માના જ્ઞાનગુણને વર્ણવતાં કહે છે, તમે જ્ઞાનાદિક ગુણના ભંડાર છો. આ જ્ઞાનાદિક ગુણ અનંત, અક્ષય છે અને આ અઢળક સમૃદ્ધિ આપની પાસે હોવાથી સ્વસ્વભાવમાં સ્થિર થયા છો. બહારના કોઈ પૌદ્ગલિક પદાર્થોની સ્પૃહા કે અપેક્ષા રહી નથી. અહીં જ્ઞાનદિક ગુણમાં આદિ શબ્દથી પ્રભુનાં અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ પરિપૂર્ણતા પામેલા ઉત્કૃષ્ટ ગુણોનું દર્શન કરવાનું છે.
આ જ્ઞાનાદિક ગુણમાં એટલે કે નિજભાવમાં રમણતા હોવાથી, પંચેન્દ્રિયના રિષય એવા શબ્દ, રસ, ગંધ, દર્શન, સ્પર્શ આદિમાં કોઈ જોડાણ રહેતું નથી. આમ પૌદ્ગલિક ઈન્દ્રિયજન સુખોની સ્પૃહાથી પરમાત્મા તદ્દન અળગા છે, ત્યારે સાધક તો સ્વપ્નમાં પણ ઇન્દ્રિયના અનુભવમાં જ ડૂબેલો છે. સાધકની કેવી સરળતા! પોતાની જાતનો આવો નિખાલસ એકરાર જ સાધકને સાધનાની ઊંચાઈ પર લઈ જાય છે.
ચોથી કડીમાં કવિ કહે છે, તમે ઉત્તમ ગુણસ્થાનક પર જઈ વસ્યા છો અને અમે... અમારી સાધનામાં ઊંચે ચઢવા જઈએ ત્યાં ક્રોધાદિક કષાયો અમને નડી રહ્યા છે. આથી ગુણસ્થાનકોમાં જે ઊર્ધ્વરોહણ થવું જોઈએ તે થતું જ નથી. અમારી મતિ આને લીધે ઇંદ્રિયોના વિષયોમાં જ સુખનો અનુભવ કરતી ડૂબેલી રહે છે, ત્યારે તમે પોતાના આત્મગુણોની ગહનતામાં ડૂબી શુદ્ધ સ્વરૂપના અનુભવમાં લયલીન બનો છો.
અમારી પૌદ્ગલિક વસ્તુઓમાં જ આનંદ માણવાની વૃત્તિને લીધે વિવિધ પ્રકારના મદોમાં અમે ડૂબેલા રહીએ છીએ, ત્યારે હે પ્રભુ! તમને આ મદનો સ્પર્શ પણ થતો નથી.
તમે વિષય, કષાય, મદ આદિ દુર્ગુણોથી દૂર થયેલા છો અને જીવને આ કષાયોથી દૂર થવાનો માર્ગ દેખાડવાનું સામર્થ્ય ધરાવો છો. માટે જ તમે જગતને માટે શરણરૂપ છો અને આ જગતરૂપી ગગનને પ્રકાશમાન કરનારા સૂર્યસમાન છો. તમે કર્મરૂપી કલંકથી મુક્ત હોવાથી અકલંક છો, કોઈથીય ભય ન પામનાર હોવાથી અબીહ છો, વળી અક્રોધી છો, વળી આ જગતના જડ પદાર્થોમાં તમે રાગ બને મોહને ધારણ કરનારા નથી.
તમે અનુભવમાં ડૂબેલા હોવાથી અતિન્દ્રિય છો અને સ્યાદ્વાદ દર્શનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org