Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા-સુવાસકારની હૃદયોર્મિ
પાળી, સંવેદનશીલ હૃદયથી ભગવદ્ભક્તિ-ગુરુસેવા કરીને મનને શુદ્ધ-શાંત-સ્વસ્થ-નીરવ ક૨વા ધ્યાનાભ્યાસ કરવો જોઈએ. સ્વ-૫૨ દ્રવ્ય-ગુણ-પર્યાયના ઊંડા અભ્યાસ દ્વારા બુદ્ધિને સૂક્ષ્મ તથા સક્રિય કર્યા બાદ બુદ્ધિને નિષ્ક્રિય અને નીરવ કરવાની છે. મનને સાત્ત્વિક અને સૂક્ષ્મ કર્યા પછી મનને શાંત-સ્વસ્થ-શુદ્ધ કરવાનું છે. મનની ઘરવખરી ખાલી કરવાની છે. તો જ નિજાત્મદ્રવ્ય-ગુણ-પર્યાયનું શુદ્ધ સ્વરૂપે સાનુબંધ પરિણમન થાય. ધ્યાન પૂર્ણ થયા બાદ સતત સર્વત્ર આત્માનુસંધાન પણ તો જ ટકી શકે. અન્યથા ત્રુટક-ત્રુટક બાહ્ય ધર્મપુરુષાર્થ થાય, આંતરિક અને અખંડ એવો મોક્ષપુરુષાર્થ ન થાય.
બુદ્ધિ નિષ્ક્રિય બને અને અંતઃકરણ શુદ્ધ બને પછી જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષયોપશમ થવાથી ઢગલાબંધ અનુપ્રેક્ષાનો વરસાદ પ્રભુપ્રસાદસ્વરૂપે અંદરમાં વરસતો હોય તેવું પણ ઘણી વાર અનુભવાય. પરંતુ એ અનુપ્રેક્ષાના પ્રદર્શનમાં/પ્રકાશનમાં પણ અટવાઈ ન જવું. એ સાત્ત્વિક પ્રવૃત્તિ પણ અહંભાવને પુષ્ટ કરવા દ્વારા મોહરાજાની ભૂલભૂલામણીમાં સાધકને ફસાવે તેવી સંભાવના નકારી શકાતી નથી. એ માર્ગ લપસણો અને જોખમભરેલો છે. એ અનુપ્રેક્ષાના વિચારને પણ સંઘરવાના નથી. પરંતુ અંતઃકરણને તેની અસરવાળું કરવાનું છે. મૂળ વાત એ છે કે વિચાર, વિચાર ને વિચારમાં અટવાવાનું નથી. નવા-નવા વિકલ્પના ઘોંઘાટમાં ફસાવાનું નથી. વિકલ્પદશાને પૂર્ણતયા બાળી નાંખવાની છે. આંતરિક લાગણીતંત્રને પરમનિર્વિકલ્પ-૫૨મનિર્વિચાર-૫૨મનિર્વિકાર આત્મતત્ત્વ પ્રત્યે કેન્દ્રિત કરવાનું છે.
તપ-જપ-શાસ્ત્રાભ્યાસાદિ સાધનાથી ઉત્પન્ન થયેલ સાત્ત્વિક શક્તિપ્રવાહને અંતઃકરણની સંવેદનશીલતા તરફ, અંતર્મુખતા તરફ પૂર્ણતયા વાળવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો. એ શક્તિપ્રવાહને શુદ્ધ સ્વાત્મદ્રવ્ય તરફ કેન્દ્રિત કરવાનું પ્રણિધાન તીવ્ર કરવું. તો છટ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શના આ જ ભવમાં થઈ શકે. તથા અંતરાત્મદશાના વિકાસથી પરમાત્મદશા ઝડપથી પ્રગટ થાય. તેથી ‘તપ-જપ-શાસ્ત્રાભ્યાસ વગેરેથી જે બળ ઊભું થયું, તે અંતર્મુખતાને બળવાન બનાવવા માટે વપરાય છે કે નહિ ?' તેની વારંવાર તપાસ આત્માર્થી સંયમીએ/સાધકે અવશ્ય કરવી. પરંતુ એ શક્તિપ્રવાહને શાસનપ્રભાવનાદિ વિભિન્ન પ્રવૃત્તિમાં વિકેન્દ્રિત કરીને, તેમાં જ સંપૂર્ણપણે ખર્ચીને, તેના માધ્યમે પણ અહંભાવ પુષ્ટ થાય તેવું તો કદાપિ ન જ કરવું. બાકી મોહરાજાના મોજા સંસારસાગરના કિનારે આવેલા સાધકને પણ તાણી જાય. ઔદિયકધારામાં ભળવું એ ભૂલ છે. અહંભાવમાં તણાવું એ ગુનો છે. બાહ્ય પુણ્યોદયની ઝાકઝમાળમાં અંજાવું એ અપરાધ છે. ભલભલાને મૂંઝવી નાંખે તેવી મોહરાજાની આ માયાજાળ છે, એક પ્રકારની સતામણી છે, જોહુકમી છે. પરંતુ Safety First. તેથી છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શનાને કરવાનું પોતાનું અંગત કાર્ય પ્રત્યેક આત્માર્થી સંયમીએ સૌ પ્રથમ કરી લેવું. એ અવસ્થા પરિપક્વ બને પછી શાસનપ્રભાવના, સંઘસેવા આદિ જરૂરી પ્રવૃત્તિ પોતાની ભૂમિકાને ઉચિત હોય તે રીતે, પોતાની શક્તિ-પુણ્ય-સંયોગાદિ મુજબ, અવશ્ય કરવી. કેમ કે પ્રધાનપણે ઔચિત્યપરિણતિ `સામાયિકચારિત્રમાં વણાયેલી જ હોય. પરંતુ ધાર્મિક દાંભિકતાનો આંચળો તો ઓઢવો નહિ જ. તથા જરૂરી શાસનપ્રભાવનાદિ વખતે પણ પોતાના નિર્મળ ચૈતન્યસ્વરૂપનું અનુસંધાન દૃઢ રહે તે વાત અત્યંત અગત્યની છે. કેમ કે સ્વોપકાર ચૂકીને તો પરોપકાર કરવાની જિનાજ્ઞા પણ નથી.
૧. પંચાશક ૧૧/૫.
29