________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / સંકલના
આ ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ની
સંકલના
જીવો સામાન્ય ગૃહસ્થધર્મ સેવીને ઉપદેશાદિ પામે છે ત્યારે સમ્યક્તને પ્રાપ્ત કરે છે. અને સમ્યક્તને પામેલા જીવોને સંસારના ઉચ્છેદની ઉત્કટ ઇચ્છા થાય છે તેથી શક્તિનો સંચય થાય તો દેશવિરતિ ધર્મ સ્વીકારે છે. અને દેશવિરતિને પામેલા શ્રાવકો કઈ રીતે શક્તિ અનુસાર બાર વ્રતો પાળે છે તેનું સ્વરૂપ અત્યાર સુધી બતાવ્યું. હવે દેશવિરતિને પામેલા શ્રાવકો સર્વવિરતિના શક્તિના સંચય અર્થે કઈ રીતે જિનપૂજા કરે છે અને જિનપૂજા કર્યા પછી વિધિપૂર્વક કઈ રીતે ચૈત્યવંદન કરે છે તેનું વિસ્તારથી વર્ણન પ્રસ્તુત ભાગમાં કરેલ છે. જેનું સમ્યગુ ભાવન કરવાથી વિધિશુદ્ધ પૂજા કરવાની શક્તિનો સંચય થાય છે અને ચૈત્યવંદન કાળમાં બોલાતા સૂત્રોના અર્થોનું પ્રસ્તુતમાં જે પ્રકારે વર્ણન કરાયું છે તેનું સમ્યગુ ભાવન કરીને જે શ્રાવક તે પ્રકારે ભગવાનની ભક્તિમાં યત્ન કરે છે તે શ્રાવક સર્વવિરતિને અનુકૂળ શક્તિના સંચયવાળા થાય છે. ક્વચિત્ આ ભવમાં સર્વવિરતિની શક્તિનો સંચય ન થાય તોપણ સમ્યગ્ રીતે સેવાયેલા શ્રાવકધર્મથી અને વિધિ શુદ્ધ જિનપૂજા કરવાના બદ્ધ અભિલાષથી શક્તિ અનુસાર યત્ન કરતા હોય તો અવશ્ય દેવભવને પામીને જન્માંતરમાં સર્વવિરતિને પ્રાપ્ત કરશે. જેથી પરિમિતભવમાં સંસારનો ક્ષય કરી શકે છે. તેથી ક્વચિત્ વિશેષ શક્તિ ન હોય તો પણ વારંવાર શ્રાવકધર્મનું ભાવન કરવું જોઈએ. પ્રસ્તુત ભાગમાં વર્ણન કરાયેલ જિનપૂજાની વિધિનું વારંવાર ભાવન કરવું જોઈએ. જેનાથી પણ પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરાના ભાગી થાય છે. માટે અસગ્રહનો ત્યાગ કરીને જિનવચનમાં સ્થિર શ્રદ્ધાપૂર્વક મહાપુરુષોથી રચાયેલ પ્રસ્તુત ગ્રંથ સર્વ કલ્યાણનું એક કારણ છે તેવી સ્થિરબુદ્ધિ કરીને વારંવાર અધ્યયન કરવું જોઈએ.
છદ્મસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
આસો સુદ-૧પ (શરદપૂર્ણિમા), વિ. સં. ૨૦૧૮, તા. ૨૯-૧૦-૨૦૧૨, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન: ૦૭૯-૩૨૪૪૭૦૧૪