________________
ને કાલે નથી. પાણીનું પૂર ભલે ચાલ્યું જાય, પણ એણે ભૂમિને પોતાનાં જળથી એવી પરિપ્લાવિત કરી નાખવી જોઈએ કે નવા રોપ, નવાં ગુલ ને નવા બાગ ત્યાં સ્વયં ઊગ્યા જ કરે, ને સ્વયં ખીલ્યા જ કરે.
આ નગરપુરુષોને સાગરસુંદરીઓ હોંશે હોંશે વરી. પરદેશી પ્રીતમ સાથેનું એમનું સખ્ય મધુ જેવું રોમાંચક બન્યું. આ જુદા, અમે જુદા, એમ જુદાઈના ગઢ જમીનદોસ્ત થયા. અજબ અદ્વૈત રચાઈ ગયું. એ સુંદર બેલડીઓના વનવિહારો, જલવિહારો ને વિનોદપ્રકારો સામંજસ્યનું અજબ વાતાવરણ રચી રહ્યા. જાણે તેઓ કદી જુદાં હતાં જ નહિ, તેઓની સંસ્કૃતિ જુદી હતી જ નહિ !
ધીરે ધીરે શાસન-પ્રચાર પ્રારંભાયો.
ભરતદેવે પશુપાલનનો નવો ધર્મ એમને સમજાવ્યો. કૃષિનો આખો પ્રયોગ આચરી બતાવવામાં આવ્યો. અગ્નિની શક્તિના ઉપયોગો સમજાવવામાં આવ્યા. ગાય જેવું પશુ સહુને આંગણે બાંધવું વહાલું લાગ્યું. વાહન તરીકે નંદી વહાલો લાગ્યો.
ગૂંચળું વળીને રહેતાં સહુ સાગરકિનારેથી દૂર દૂર સુધી જઈ વસ્યાં. ઇક્ષુનું વાવેતર કરવામાં આવ્યું. પૂર્વસાગરના રહેવાસીઓ વિચારતા કે જંગલમાં ઊગતા વાંસ જેવા આ ઘાસ પાછળ, આવા ડાહ્યા માણસો વ્યર્થ સમય કાં બરબાદ કરતા હશે ? આવા ઘાસનાં તો જંગલોનાં જંગલો આપણે ત્યાં ભર્યાં છે. પણ ભલા, મોટા માણસોને કોણ કહે કે તમે આ ખોટું કરો છો ? વાઘને કંઈ કહેવા જવાય કે તારું મોં ગંધાય છે ?
એક તરફ ખેતરમાં ઘઉં પાક્યા ને બીજી તરફ ઇક્ષુ પાકી. આ વખતે મહારાજ ભરતદેવે જાહેર કર્યું કે. આવતી કાલે નાટક ભજવશે, ઇક્ષુ૨સ ઉપર ! આ સમાચારે સહુને આશ્ચર્યમુગ્ધ કરી નાખ્યા. મોટાની વાતો મોટી, એમ માની સહુ એ ઘડીની રાહ જોઈ રહ્યા. અરે ! ઇક્ષુ-બિથુ તો ઠીક, પણ ભારે મેળો જામશે. નાવલીઓ નાચશે, નાવલિયા બંસી વાશે.
ઇક્ષુના એક વાડામાં – જે એક સરિતાને કાંઠે આવ્યો હતો ત્યાં આ આનંદસમારંભની આયોજના કરવામાં આવી. જનસમુદાય તો સવારથી આવીને ગોઠવાઈ ગયો હતો. સમયથી ઘણા પહેલાં માગદેવ ને એમનું રાજમંડળ પણ આવી ગયું હતું. ૭૬ ૭ ચક્રવર્તી ભરતદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org