Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 230
________________ અયોધ્યામાં પણ આ વર્તમાન વાયુવેગે પ્રસરી ગયા. લોકોના આનંદનો પાર ન રહ્યો. સહુ ઘર, આંગણાં, શેરી ને માર્ગ શણગારવામાં પડી ગયાં. દિવસો કલ્પનાભર્યા ને રાત્રિઓ સ્વપ્નભરી વીતવા લાગી. સ્ત્રી, બાળક ને વૃદ્ધ એકે નવરું નહોતું. એમને પોતાના સ્વામીના વિસ્વાગતમાં કોઈ ઊણપ રહેવા દેવી નહોતી. મજલ દર મજલ નજીક આવી રહેલા પોતાના ચક્રવર્તી સ્વામીના ખબરો સાંભળવા આખી અયોધ્યા ઇંતેજાર થઈ ગઈ હતી. આખો દિવસ કોઈ એમની ભાળ મેળવવા રવાના થતા હતા, ભાળ કાઢવા ગયેલા કેટલાક પાછા આવતા હતા, ને કંઈ કંઈ વાતો લાવતા હતા. સહુ શ્વાસ અધ્ધર રાખીને, ચાતક જેમ સ્વાતિના જળને ઝીલે એમ, ભાળ લાવનારના શબ્દોને ઝીલી લેતા હતા. છેલ્લે છેલ્લે સમાચાર આવ્યા હતા કે ચક્રરત્નને પણ પાછળ ધીરે ધીરે આવવા દઈને ચક્રવર્તી આગળ વધી ગયા છે. એમનો હસ્તી એકધારો ચાર ચાર દિવસનો પ્રવાસ ખેડે છે, ને ચાર ચાર રાતોનો આરામ એક રાતમાં પૂરો કરે છે. આકાંક્ષા ખૂબ ઉત્તેજક હોય છે. એ હંમેશાં માણસને ઊંચીનીચો કે બેચેન કર્યા કરે છે. ચક્રવર્તી ક્યારે આવી પહોંચશે ? હજી કેટલા દિવસ લાગશે? ક્યાં વિરામ લેવા થોભશે ? આ બધી ચર્ચાઓ અવિરત ચાલ્યા કરતી. એ ચર્ચાઓ ઉત્સુક દિલોને આશ્વાસન આપનાર હતી. ચક્રવર્તીની ખાસ આજ્ઞાથી ખેપિયા એમના નવ્વાણું ભાઈઓને પણ વધામણી આપી આવ્યા હતા. તેઓ એમને કહી આવ્યા હતા : “ભાઈઓ આનંદો ! આનંદો ! જલદી આવી પહોંચજો ! ભરતદેવ દિગ્વિજય સાધીને અને પૃથ્વીને એક આરે કરીને ક્ષેમકુશળ રાજધાનીમાં પધારી રહ્યા છે.' સહુ માનતા હતા કે સમસ્ત પૃથ્વીને શાસિત કરીને આવતા પોતાના મોટાભાઈને ભેટવા નવ્વાણુંએ નવ્વાણું ભાઈ શ્વાસભર્યા હમણાં દોડ્યા આવ્યા સમજો ! અયોધ્યામાં તો એમના ઉતારા પણ યોજાઈ ગયા હતા. આખરે અયોધ્યાના આભમાં સોનાનો સૂરજ ઊગ્યો. મહારાજ ભરતદેવ આજે પ્રવેશ કરવાના હતા. મંત્રી અને સેનાપતિ તથા મહાદેવી સુભદ્રા વિષે નગરજનોની ઇંતેજારી ભારે હતી. વાજિંત્રોના નાદ સાથે ચક્રવર્તીનો ધ્વજ આકાશમાં ફરફરતો નજરે ચડ્યો. ચક્રવર્તીના જયજયકાર શબ્દ આકાશના ઘુમ્મટને ભરી દીધો. ધન્ય નગર ! ધન્ય વેળા! ૨૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 228 229 230 231 232 233 234