Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 231
________________ થોડી વારમાં મહાસેનાપતિ સુષેણ દેખાયા. આંખોનો પુલ બંધાઈ રહ્યો. એ પુલ પર થઈને બધા એમને પ્રેમાંજલિ અર્પી આવ્યા. સુષણના દેહ પર અનેક ઘા પડ્યા હતા, એ ઝડપથી વૃદ્ધ થયો દેખાતો હતો, પણ એના મુખ પર એની એ વીરશ્રી ઝળહળી રહી હતી. સહુએ સેનાપતિનો જય પોકાર્યો. એ જય પોકારવામાંથી લોકો નિવૃત્ત થયા, ત્યાં મહામંત્રીનો રથ નજરે પડ્યો. મુખ પર બે-ચાર કરચલીઓ વિશેષ પડી હતી. પણ એમની શાંતિ, એમનું ડહાપણ તો એનાં એ જ હતાં. નગરજનોએ જયજયકારથી એમને વધાવ્યા. મહામંત્રી રથમાંથી ઊંચા થઈ થઈને ચારે તરફ નજર ફેરવી રહ્યા. કોઈ કોઈ વાર એ સૈનિકને પાસે બોલાવી પૃચ્છા પણ કરતા : “શું બાહુબલીજી હજી નથી આવ્યા ? સમાચાર તો સમયસર પહોંચાડ્યા છે. બીજા ભાઈઓ પણ ક્યાં ? જાઓ, જલદી બોલાવી લાવો. મહારાજનું કહેવું છે કે એક વાર અમે બધા ભાઈઓ એકત્ર થઈને બાલપણની નિર્દોષ રમતો નહિ રમીએ ત્યાં સુધી આ રાજમુગટનો કચડી નાખનારો બોજો માથેથી હળવો નહિ થાય.” સૈનિકો ચારે તરફ તપાસ કરીને પાછા ફરતા ને નિરાશાના સૂર સંભળાવતા. મંત્રીરાજ મનમાં વિચારતા કે ભાઈઓ ગમે તે કારણે પણ નહિ આવે તો ચક્રવર્તીના વહાલસોયા હૃદયમાં ભારે આઘાત થશે. ભરતદેવ રાજવી તરીકે ભલે કઠોર હોય, પણ સ્નેહીજન તરીકે તો એ સાવ સુકોમળ છે. એમની એ સુકોમળતા પર આજે ઘા ન થાય તો સારું! પણ હવે કોઈ માર્ગ નહોતો. મંડળ આગળ વધતું ચાલ્યું. આખરે ચક્રવર્તી ભરતદેવ અને મહાદેવી સુભદ્રા – ચંદા-સૂરજની બેલડી સમાં – હાથીના હોદ્દા પર બેસીને આવી રહેલાં દૃષ્ટિગોચર થયાં. દેવી સુભદ્રાનાં રૂપ, ગુણ ને શક્તિ વિષે અનેક પ્રકારની કિવદત્તીઓ ચાલુ થઈ ગઈ હતી. પ્રજાજનો મુખ ફાડી ફાડીને જય જયનો ઉચ્ચાર કરવા લાગ્યા હતા, અને આંખો ફાડી ફાડીને સ્વામી અને સ્વામિનીની અદ્ભુત જોડીને નીરખી રહ્યાં હતાં. શત્રુમાત્રનો સંસારમાંથી છેદ ઉડાડી દેનાર, છ ખંડના પહેલા ચક્રવર્તી, ભગવાન ઋષભદેવના પાટવી પુત્ર, છ ખંડના વિજેતા, આર્ય અને અનાર્ય કુળોમાં શાસન પ્રસારનાર, દેવ, વિદ્યાધર ને વ્યંતરોને વશ કરનાર એવા મહાન સમર્થ, પોતાના સ્વામીને જોઈને કોનું હૈયું પ્રફુલ્લિત ન થાય ? અને ૨૧૬ ચક્રવર્તી ભરતદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234