________________
૧૫
કસોટી
ભરતસેના ઉત્તરાપથના પ્રદેશને અવગાહીને દિવસો સુધી પડી રહી. સહુના અંતરમાં એકમાત્ર ઝંખના હતી કે ફરી એકાદ વાર આ દુર્મદ લોકો સાથે સામનો કરવાની તક મળે, ને એમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈએ ! પણ એ ઇચ્છા જ રહી !
દિવસો એક પછી એક પાણીના પૂરની જેમ પસાર થતા ચાલ્યા. પણ દુર્મદ લોકોનું એક બાળક પણ નજરે ન પડ્યું! જાણે સાપ તો ગયો તે ગયો, પણ સાથે લિસોટોય લેતો ગયો !
એમ ને એમ દિવસો પસાર થવા લાગ્યા. દૂર દૂર હિમાવાન પર્વતનાં શિખરો દેખાતાં હતાં. હવે સેનાને આગળ વધવાનો સમય નજીકમાં હતો. છેલ્લા યુદ્ધમાં સેનાપતિ સુષેણ ઠીક ઠીક ઘવાયો હતો. કુવલયાપીડ અશ્વ પણ ધારી રીતે સાજો થતો નહોતો. પણ સેનાપતિ સુષેણે અને એના આ પ્રિય અશ્વે છેલ્લા યુદ્ધમાં અપૂર્વ નામના મેળવી હતી. ભગવાન ઋષભદેવના શબ્દો સહુ યાદ કરી રહ્યા હતા કે પશુને પણ પ્રેમથી પાળો તો પેટના દીકરા કરતાં વધુ કામ કરે ! વાત સાચી ઠરી હતી. કુવલયાપીડ અશ્વે એ કરી બતાવ્યું હતું.
ઊપડવાની અવધિ નજીકમાં હતી, ડેરાતંબૂ વીંટાતા હતા, ત્યાં એકાએક આકાશમાં વાદળો દેખાયાં. વર્ષા ઋતુ હજી દૂર હતી, પણ આકાશમાં કાળમુખ મેઘના થરના થર ખડકાવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org