________________
ભૌતિક મળેલી સામગ્રીમાંથી રાગાદિ પરિણામને દૂર કરવાની શક્તિ જૈન શાસન સિવાય બીજા કોઇપણ દર્શનમાં નથી માટે જૈન શાસન અથવા જૈન દર્શન સર્વથી ઉંચુ સ્થાન ધરાવે છે.
મોક્ષનો અભિલાષ પેદા કરવા માટે જ આ અંગપૂજા કરવી એ પ્રયત્ન રૂપે છે કારણ કે એ પોતાના
રાગાદિ પરિણામ ને ઉપશમાવનારી હોવાથી એ રાગાદિને નબળા પાડવાનો પ્રયત્ન નહિ કરીએ તો મોક્ષનો અભિલાષ પેદા થશે નહિ. દેવ, ગુરૂ, ધર્મની આરાધના મોક્ષ માટે કરતા હોઇએ તો । સુખમય સંસાર જોઇતો જ નથી એમ અંતરમાં માન્યતા પેદા કરવી પડશે. જેમકે (મારે) જેને શ્રીમંતાઇ જોઇએ છે એનો અર્થ જ એ થાય છે કે મારે દરિદ્રતા જોઇતી જ નથી. એમ ગણાય છે એવી જ રીતે મને સુખ ગમે છે એનો અર્થ જ એ થાય છે કે દુઃખ ગમતું જ નથી. એવી જ રીતે અહીંયા પણ વિચારવાનું મારે મોક્ષ જોઇએ છે એનો અર્થ જ એ છે કે સંસાર જોઇતો જ નથી મને મોક્ષ ગમે છે એનો અર્થ જ એ છે કે સુખમય સંસાર મને ગમતો જ નથી. સંસાર છૂટતો નથી એ બને પણ એ જીવની દ્રઢ માન્યતા તો એજ હોય કે સુખમય સંસાર જોઇતો જ નથી તોજ મોક્ષ જોઇએ છે એમ કહી શકાય.
અંગપૂજા અને અગ્રપૂજા જીવને ક્રિયા કરાવીને પુણ્યબંધ કરાવવામાં સહાયભૂત થાય છે પણ નિર્જરા કરાવવામાં સહાયભૂત થતી નથી. જ્યારે નિર્જરા હંમેશા ભાવપૂજાથી થાય છે. અંગપૂજામાં અને અગ્રપૂજામાં ભાવ ભળે તો કર્મબંધનો સાથે નિર્જરા પણ થઇ શકે. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે ક્રિયા એ કર્મ છે. પરિણામે બંધ અને પરિણામે નિર્જરા થાય છે તથા પરિણામે મોક્ષ થાય છે. ભાવપૂજામાં તપ રહેલો છે. ભગવાનની ભક્તિથી અંતરના રાગાદિ પરિણામોને મંદ કરવાનો વિચાર એનું નામ તપ કહેવાય છે. ક્રોધાદિ કષાયોને નાશ કરવાની ઇચ્છા એ પણ તપ કહેવાય છે.
અંગપૂજા - વિઘ્નોપશમિની કહેલી છે.
અગ્રપૂજા - અભ્યુદય સાધિની કહેલી છે. અને ભાવપૂજા - નિવૃત્તિ કારિણી કહેલી છે.
પાપ વ્યાપારોનો નાશ ભાવપૂજાથી થાય છે. પાપના વિચારો - પાપના વચનો બોલાય તે તથા કાયાથી થતી પાપની પ્રવૃત્તિ આ ત્રણેયનો નાશ ભાવપૂજાથી થાય છે. ઓછા પાપોથી જીવન જીવતા જીવતાં તાકાત કેળવવાનો પ્રયત્ન કરવાનોકે સંપૂર્ણ પાપ રહિત જીવન હું જીવતો ક્યારે થાઉં. એટલે સંપૂર્ણ પાપ રહિત જીવન જીવવા માટેનો પ્રયત્ન કરવો એટલે એ લક્ષ્ય રાખીને ભાવપૂજા કરવામાં આવે તો ભવ ભ્રમણ એટલે જન્મ મરણનો પરંપરા તૂટ્યા વિના રહે નહિ.
પરમાત્મા વીતરાગી હોવા છતાં રાગી જીવોને ફ્ળ આપે તો ભક્તિથી વીતરાગી બનાવ્યા વગર રહેતા નથી અર્થાત્ વીતરાગીની પ્રાપ્તિનું ફ્ળ આપે છે.
સામાન્ય રીતિએ સામા જીવોના ગુણોને ગુણ રૂપે જોઇને આનંદ પ્રાપ્ત કરવો હોય એટલે ગુણને ગુણરૂપે જોવાની દ્રષ્ટિ પેદા કરવી હોય તોય પોતાના દોષોને દોષ રૂપે જોવાની દ્રષ્ટિ પેદા કરી એ દોષોને દૂર કરવાની ભાવના રાખવી જોઇએ. આ ખુબજ જરૂરી છે અને તોજ બીજાના ગુણો ગુણરૂપે દેખાય અને એ ગુણોને જોઇને આનંદ પેદા થતો જાય.
જીવવાનું કુટુંબની સાથે અને રાગ રાખવાનો દેવ, ગુરૂ અન ધર્મ પ્રત્યે.
શરીર, ધન અને કુટુંબનો રાગ દેવ, ગુરૂ, ધર્મની આરાધનાથી ઘટતો જાય તો એ આરાધનાનો ધર્મ એ સાચો ધર્મ કહેવાય. જો એ રાગ ન ઘટે તો એનું ભારોભાર દુઃખ હોવું જ જોઇએ એટલે રહેવું જ જોઇએ.
Page 15 of 97