________________
સુખમય સંસારની સામગ્રી ચાલી જાય તો એના વગર હવે શું કરીશ એવા વિચારો પેદા થતા નથી માટે એ નિર્ભયતા ગુણ કહેવાય છે. મનની શુધ્ધિ પેદા થવાથી સુખમય સંસાર ક દુઃખમય સંસાર બન્નેમાં જીવન જીવવા માટેનો અંતરમાં ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે એટલે કે સુખમય સંસારમાં લીનતા પેદા થતી નથી અને દુઃખમય સંસારમાં દીનતા પેદા થતી નથી એટલે કે સુખમય સંસારમાં વૈરાગ્ય ભાવથી અને દુઃખમય સંસારમાં સમતા અથવા સમાધિ ભાવથી જીવન જીવવાના ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે આને નિર્ભયતા ગુણ કહેવાય છે. આવી નિર્ભયતા પૂર્વક જીવન જીવવા પ્રયત્ન કરવો એજ શુધ્ધ પરિણામની સ્થિરતા કરાવવામાં એટલે મન શુધ્ધિ વધારવામાં-સ્થિર કરવામાં સહાયભૂત થાય છે. આ મન શુધ્ધિના પ્રતાપે જીવો સાતે પ્રકારના ભયોથી રહિત થાય છે. એટલે અભય ગુણને પેદા કરે છે. આ અભય ગુણના કારણે ઉપકારી એવા અરિહંત પરમાત્માઓએ જો આ મોક્ષમાર્ગ મુક્યો ન હોત તો મારૂં શું થાત ? સંસારમાં કેટલું પરિભ્રમણ કર્યા કરત ? આ માર્ગ મુક્યો છે માટે સુખને ઓળખી શક્યો ઇચ્છિત સુખને ઓળખીને એનાથી સાવધ રહી આત્મીક એવા ઇષ્ટ સુખની ઇચ્છાને પ્રાપ્ત કરી આંશિક એનો અનુભવ કરી શક્યો અને એ અનુભૂતિના આનંદમાં આજે નિર્ભય રીતે હાયવોય વગર જીવન જીવી શકું છું એવા ઉપકારી અરિહંત પરમાત્માની ભક્તિ અત્યાર સુધી કરવી પડતી હતી માટે કરતો હતો પણ હવે તો ઉલ્લાસપૂર્વક ખેદ રહિત મન કરીને એટલે અખેદ ભાવ પેદા કરોને ભક્તિ કરવાનું મન થાય છે કારણકે દુનિયામાં પણ સામાન્ય રીતે જે આત્માઓ કૃતજ્ઞ હોય છે કે જેઓએ એમના ઉપર ઉપકાર કર્યો હોય એ નાનો ઉપકાર હોય તો પણ જીંદગીભર સુધી ભુલાતો નથી. આખી જીંદગી યાદ કરે છે અને એ ઉપકારીઓનું કામ કાજ જરૂર પડે ત્યારે અવશ્ય કરવાનું મન થાય છે એમ ઉપકારી એવા અરિહંત પરમાત્માઓએ નિઃસ્વાર્થ ભાવે જીવોનું કલ્યાણ કરવાની બુધ્ધિથી પોતે કેવલજ્ઞાન પામી જગતને વિષે મોક્ષમાર્ગ મુક્યો છે તો એ માર્ગને હું પામી શક્યો. પામીને યત્ કિંચિત્ આરાધના કરી રહ્યો છું એવા ઉપકારીની ભક્તિ અખેદ રીતે કરવાની ભાવના રાખીને કરવાનું મન થાય છે અને કરે છે. આ રીતે અભય અને અખેદ ભાવ પેદા કરીને અત્યાર સુધી બીજા જીવોના દોષો જોવાનું મન થતું હતું અને બીજાના ગુણોને પણ દોષો રૂપે બનાવીને જોવાની અને બોલવાની ટેવ હતી એના બદલે પોતાના આત્માના દોષો જોવાનું મન થાય છે અને બીજાના નાના પણ ગુણોને મોટા કરીને પોતાનામાં એ ગુણો નથી તે લાવવાનું મન થાય છે એટલે બીજા જીવો પ્રત્યે અદ્વેષ ભાવ પેદા કરીને જીવન જીવવાનું મન થાય છે. કદાચ અનાદિના સંસ્કારના કારણે બીજાના દોષો દેખાઇ જાય તો પણ તરત જ વિચાર કરે કે હું અજ્ઞાન હતો તો મારામાં આ દોષો નહોતા ? અજ્ઞાન જીવોમાં દોષો હોય એમાં આશ્ચર્ય શું ? અજ્ઞાન છે માટે હોય આવી વિચારણા કરીને અંતરમાં દ્વેષ પેદા થતો હતો તે થવા દેતો નથી અને અદ્વેષ ભાવ પેદા કરી પોતાનું જીવન જીવતો જાય છે અને પોતાના દોષોને ઓળખીને દૂર કરવા પ્રયત્ન કરતો જાય છે. આ પ્રમાણે અભય-અખેદ અને અદ્વેષ ભાવ કેળવવાનો પ્રયત્ન કરતા કરતા મન શુધ્ધિ વધારતો જાય છે અને શુધ્ધ પરિણામમાં આગળ વધતો જાય છે. આ ભાવના અને વિશુધ્ધિથી આત્મામાં મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ અનંત ગુણ વિશુધ્ધિએ વધતો જાય એ એની સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મનો દર્શનાવરણીય કમનો તેમજ અંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ વધતો જાય છે અને સાથે સાથે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પણ વધતો જાય છે. આ ક્ષયોપશમ ભાવના કારણે આત્મામાં મૈત્રીભાવ- કારૂણ્ય ભાવ (દયાભાવ) પ્રમોદભાવ તેમજ માધ્યસ્થ ભાવ રૂપે ચાર ભાવનાઓના વિચારો પેદા થતાં થતાં લાંબાકાળ સુધી ટક્યા રહે છે આને જ જ્ઞાની ભગવંતો આત્માનો ભાવ સુગંધ રૂપે મન શુધ્ધ પરિણામ કહે છે.
Page 30 of 97