Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
[ ૨૨ ]
આ છે અણગાર અમારા
(જહાં ડાલ ડાલ પર સોને કી) જેના રોમરોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા... દુનિયામાં જેની જોડ જડે ના, એવું જીવન જીવનારા, આ છે અણગાર અમારા... સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છાએ એણે ત્યાગી,
સંગાથ સ્વજનોનો છોડીને, સંયમની ભિક્ષા માગી,
દીક્ષાની સાથે પાંચ મહાવ્રત, અંતરમાં ધરનારા. આ છે અણગાર અમારા... ના પંખો વીઝે ગરમીમાં, ના ઠંડીમાં કદી તાપે,
ના કાચા જળનો સ્પર્શ કરે, ના લીલોતરી ચાંપે,
નાનામાં નાના જીવતણું, પણ સંરક્ષણ કરનારા, આ છે અણગાર અમારા... જૂઠું બોલીને પ્રિય થવાનો, વિચાર પણ ના લાવે,
યા મૌન રહે યા સત્ય કહે, પરિણામ ગમે તે આવે,
જાતે ના લે કોઈ ચીજ કદી, જો આપો તો લેનારા, આ છે અણગાર અમારા...
ના સંગ કરે કદી નારીનો, ના અંગોપાંગ નિહાળે,
જો જરૂર પડે તો વાત કરે, પણ નયનો નીચાં ઢાળે,
મનથી, વાણીથી, કાયાથી, વ્રતનું પાલન કરનારા, આ છે અણગાર અમારા...
ના સંગ્રહ એને કપડાનો, ના બીજા દિવસનું ખાણું,
ના પૈસા એની ઝોળીમાં, ના એના નામે નાણુ,
ઓછામાં ઓછા સાધનમાં સંતોષ ધરી રહનારા, આ છે અણગાર અમારા...
ના છત્ર ધરે કદી તડકામાં, ના ફરે કદી વાહનમાં,
મારગ હો ચાહે કાંટાળો, પહેરે ના કંઈ પગમાં,
હાથેથી સઘળા વાળ ચૂંટી, માથે મુંડન કરનારા, આ છે અણગાર અમારા... કલ્યાણ જીવોનું કરવા કાજે, વિચરે દેશવિદેશે,
ના રાયરંક, ના ઉંચનીચ, સરખા સૌને ઉપદેશે,
અપમાન કરો, યા સન્માનો, સમતા ભાવે રહેનારા, આ છે અણગાર અમારા...
ના દેહ તણી દરકાર કરે, અઘરા તપને આચરતા,
અભ્યાસ, ક્રિયા ને ભક્તિથી, આતમને ઉન્નત કરતા,
આરાધનામાં આયુષ્ય વીતાવી, ઉચ્ચગતિ વરનારા. આ છે અણગાર અમારા...