________________
|| રતિલક્ષણસમુચ્ચયની સંક્ષિપ્ત સંકલના |
ઉત્સર્ગ-અપવાદની શાસ્ત્રાનુસારી સમ્યગુ યતના કરનારા સાધુને શાસ્ત્રકારો યતિ કહે છે. તે યતિનાં સાત લક્ષણો છે અર્થાત્ આ સાત લક્ષણોથી યુક્ત હોય તે યતિ છે અને તે સાત લક્ષણોમાંથી એકાદ પણ લક્ષણ ન હોય તો તે યતિ નથી.
યતિનાં આ સાત લક્ષણો નીચે પ્રમાણે છે.
(૧) માર્થાનુસારી ક્રિયા. (૨) પ્રજ્ઞાપનીયપણું. (૩) ઉત્તમશ્રદ્ધા. (૪) ક્રિયામાં અપ્રમાદ. (૫) શક્ય અનુષ્ઠાનનો આરંભ. (૬) ગુરુગુણનો અનુરાગ અને (૭) ગુરુ આજ્ઞાનું પરમ આરાધન. (૧) માર્થાનુસારી ક્રિયા :- (ગાથા-પ થી ૩૦)
સૂત્રના આચરણને અનુસરનારી સર્વ ક્રિયાઓ માર્ગાનુસારી ક્રિયા છે. માર્ગાનુસારી ક્રિયા કરનાર સાધુ જે માર્ગને અનુસરે છે તે માર્ગ બે પ્રકારનો છે.
(૧) આગમનીતિનો માર્ગ અને (૨) સંવિગ્ન-બહુજન-આચરિત માર્ગ.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષમાર્ગની પ્રાપ્તિના ઉપાયભૂત માર્ગ સર્વજ્ઞના વચનથી અન્ય કેમ સંભવે ? તેથી ગ્રંથકારે ખુલાસો કર્યો કે આગમમાં જે પ્રકારની પ્રવૃત્તિ કરવાનું કહેવાયું હોય, છતાં ગીતાર્થો કાલાદિની અપેક્ષાએ અન્યથા આચરણ કરે છે, તે અપેક્ષાએ આગમનીતિથી સંવિગ્ન-બહુજન-આચરિત માર્ગ જુદો પડે છે.
પાંચમા આરાની હીનતાને કારણે ગીતાર્થોએ શાસ્ત્રનીતિથી કઈ કઈ આચરણા જુદી સ્વીકારી છે, તે ગાથા-૮ અને ૯માં ગ્રંથકારે સ્પષ્ટ કરેલ છે.
અહીં પ્રશ્ન થાય કે સર્વજ્ઞ જે કાંઈ આચરણા બતાવે તે મોક્ષમાર્ગ સંભવે, પરંતુ સર્વજ્ઞના વચનથી અન્ય પ્રકારની આચરણો માર્ગ કઈ રીતે બને ? તેથી ગાથા-૧૦માં ગ્રંથકાર સ્પષ્ટ કરે છે કે જૈનશાસન અનેકાંતવાદરૂપ છે, તેથી સૂત્રમાં કોઈ પ્રવૃત્તિની એકાંતે વિધિ નથી કે એકાંતે નિષેધ નથી; પરન્તુ સર્વશે જે માર્ગ બતાવ્યો તેનાથી અન્ય પ્રકારે આચરણા દેશકાળ પ્રમાણે હિત જણાવાને કારણે જે પ્રવૃત્તિથી સંયમની વૃદ્ધિ થાય તે પ્રવૃત્તિ ગીતાર્યો કરે છે. તેથી ગીતાર્થોની તે આચરણા તત્ત્વથી સર્વજ્ઞના વચનમાં અંતર્ભાવ પામે છે. આમ છતાં યોગ્ય જીવોને માર્ગનો બોધ કરાવવા અર્થે આગમનીતિ અને સંવિગ્ન-બહુજન-આચરિત એમ બે માર્ગ જુદા પાડીને બતાવેલ છે.
આ રીતે બાહ્ય આચરણાને સામે રાખીને બે પ્રકારનો માર્ગ બતાવ્યો. હવે જીવના અંતરંગ પરિણામને આશ્રયીને માર્ગનું લક્ષણ ગાથા-૧૫માં બતાવે છે. ઉત્તમગુણની પ્રાપ્તિમાં સમર્થ એવો જીવનો સ્વારસિક પરિણામ એ માર્ગ છે, અને તેમાં દષ્ટાંત આપે છે કે ભુજંગનલિકાઆયામ સમાન આ માર્ગ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંયમી સાધુ જે ભૂમિકામાં છે તે ભૂમિકાથી ઉત્તર ઉત્તરની ભૂમિકાના ગુણોને પ્રાપ્ત કરે તેવો સાધુનો સ્વારસિક પરિણામ તે માર્ગ છે, અને તે અંતરંગ માર્ગને ઉલ્લસિત કરવા અર્થે બાહ્ય આચરણારૂપ પૂર્વમાં બતાવેલો બે પ્રકારનો માર્ગ છે.