________________
તેવું સાહિત્યસર્જન અને શાસ્ત્રખેડાણ જોઇને આફરીન-આફરીન પોકારી જવાય છે. કદી કલ્પના નથી થઈ શકતી કે તેઓએ કેટલું લખ્યું ! કેવી રીતે લખ્યું ! કેટલા સમયમાં લખ્યું ! કેટલા વિષયો ઉપર લખ્યું ! એ બધા પ્રશ્નો પ્રશ્નો જ રહે છે ! આકાશની વિશાળતાનું માપ વર્ણવવા માટે આપણી જીભ જેમ “અનંત-અનંત’ એમ વદીને વિરમી જાય છે, તેમ તેઓના જ્ઞાન-સર્જનની વિપુલતા, શ્રુતભક્તિની વિશાળતા, ઊંચાઈ અને અગાધતા જોઇને “અદ્ભુતઅદ્ભુત બોલીને છેવટે મૌન થઈ જવું પડે છે. તેને વર્ણવવા જે શબ્દ વાપરીએ તે શબ્દ ઊણો લાગે છે. તેનું અદ્ભુતપણું જ અનુભવી શકાય છે. તે અનુભવને વ્યક્ત કરવાની શક્તિ કોઈ શબ્દમાં જણાતી નથી. આપણી શક્તિની જ એ મર્યાદા છે-એમ કહેવામાં જ વધારે તથ્ય છે. તેમના રચેલા બધા ગ્રંથો ઉકેલી શકાતા નથી, વાંચી શકાતા નથી, પણ દર્શનથી તો જરૂર પાવન થવાય છે. અત્તર મોંઘું હોય તો તેને ખરીદવાની શક્તિ ન હોય તો તે ખરીદી ન શકાય, પણ તેની સુગંધ તો માણી શકાય ને? મનને તર કરી શકાય તેવી રીતે એ ગ્રંથો જોતાં તેમાં વિસ્તરેલા તેમના મતિવૈભવને જોઇને અપાર બહુમાન અને અત્યંત અહોભાવની લાગણી તો જન્મે જ છે. તેમના અવિહડ શાસન પ્રેમને જોઈને તો “ધન્ય-ધન્ય'ના ઉદ્ગારો મુખમાંથી આપમેળે સરી જ પડે છે. આગમ-ગ્રંથો અને અનેક પ્રાચીન ગ્રંથોમાં ભિન્ન ભિન્ન સ્થળે વિસ્તારથી વર્ણવેલા જે ભાવો મળે છે, તેને સમુચિત સ્થળે યોગ્ય શબ્દોમાં ગૂંથીને સળંગ અને નવા સ્વરૂપે સર્જવાનું વિરલ વરદાન તેઓને વર્યું હતું. મર્મને પામવાની અને એને રજૂ કરવાની આગવી અને વિરલ કળા તો તેમને હસ્તગત હતી જ. જોઈને નાચી ઉઠાય છે. બધી અદ્ભુતતાનાં દર્શન કરવાં હોય, તો જો જો તેમની તત્ત્વાર્થની પ્રથમ અધ્યાયની ટીકા! વધુ માટે જો જો સ્યાદ્વાદ કલ્પલતા, અષ્ટ સહસી વિવરણ, ન્યાયખંડન ખંડખાદ્ય, બત્રીશ બત્રીશી અને માર્ગપરિશુદ્ધિ. આ ગ્રંથો જોઈને ઝૂમી ઊઠશો. વાંચીને ડોલવા લાગશો.