________________
આ રીતે આ વાત કહીને ક્રિયાયોગને પુષ્ટ કર્યો છે. યાવત્ કેવળજ્ઞાન પામેલા જિનેશ્વરોને પણ અંતે યોગ-નિરોધ નામની ક્રિયા કરવી પડે છે, એમ કહીને ક્રિયાની અતિ ઉપયોગિતા દર્શાવી છે. ક્રિયાનો લોપ કરીને માત્ર જ્ઞાનને જ માર્ગ તરીકે કહેનારાઓને લોકોને ઠગનારા નાસ્તિક કહ્યા છે. છેલ્લે ચાર પ્રકારનાં અનુષ્ઠાનો પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો છે : પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન. આ ચારે અનુષ્ઠાન માટે તેના ભેદ-પ્રભેદ સાથેનું વર્ણન જ્ઞાનસાર, ષોડશક, સંબોધ પ્રકરણ આદિ ગ્રંથોમાં વિસ્તારથી મળે છે. અને છેલ્લે ક્રિયા, જ્ઞાન, તપ એ બધાને વિધેય દૃષ્ટિએ અને ભય, ક્રોધ, માયા, મદ, અજ્ઞાન, પ્રમાદ ને નિદ્રા વગેરેને હેય દૃષ્ટિએ નિરૂપ્યા છે. એ રીતે ૪૪ શ્લોકમાં ત્રીજો અધિકાર પૂર્ણ થાય છે.
૨૩
ચોથા સામ્યયોગ શુદ્ધિ અધિકારમાં તો ગ્રંથકાર બહુ ઠરેલ મરમી સાધકની ઢબે વૈખરીને વહાવે છે. છંદ પણ એવો જ ઠંડો ને મીઠો. જેવો વિષય ગંભીર છે તેવા જ શબ્દો ગોઠવ્યા છે. એ શબ્દોની નીચે એક સળંગસૂત્ર-અર્થગુચ્છની મનોરમ રચના થતી આવે છે. વાચકને ધીરે ધીરે શાંત રસમાં તરબોળ કરીને જ તે પદાવલી વિરમે છે. આ ત્રેવીસે શ્લોક રમણીય છે. સકલ સમતાની સુધાના પ્યાલા જેવા આ શ્લોકો કંઠે કરીને સવારના શાંત અને પ્રસન્ન સમયે મંદસ્વરે જો તેનો પાઠ કરવામાં આવે તો તે સ્વરોથી સાધકના ચિત્તમાં એક અવ્યાખ્ય શાંતિનો સંચાર થતો અનુભવાશે. શરત એટલી કે તે શબ્દોને જીભ ઉ૫૨થી સરકાવી નહીં દેવાના, પણ ચગળવાના, વાગોળવાના અને ચૂસવાના! તે પછી તેમાંથી જે સુમધુર સુધાના સ્વાદનો આનંદ અનુભવાશે તે માત્ર સ્વાનુભવગમ્ય જ હશે. તેને વ્યક્ત રીતે વર્ણવવા માટે શબ્દો સાવ વામણા તુચ્છ અને નિઃસાર લાગશે.
આ અધિકારમાં સમતાયોગને બહુ ઊંચા શબ્દોથી બિરદાવ્યો છે. સાધિરાજ શાંતરસ એક કેવી અદ્ભુત સ્વાધીન સંપત્તિ છે, તે તો અધ્યાત્મોપનિષદ્
卍