________________
આવી અનેક મહાસતી-સાધ્વીજીનાં દૃષ્ટાંતો છે, જેમના શીલપાલનની આપણે અનુમોદના કરી શકીએ. હવે કેટલીક શ્રાવિકાઓ કે જેમણે કષ્ટ સહન કરીને પણ પોતાના શીલની રક્ષા કરી હતી. એમનાં માત્ર નામ જ બતાવું છું. એમનાં ચરિત્રો છપાયાં છે, તમારે વાંચવાં જોઈએ અથવા કોઈ વાર સદ્ગુરુ પાસેથી સાંભળવાં જોઈએ. સોળ મહાસતીઓ :
મહાસતી સુભદ્રા, મદનરેખા, મૃગાવતી, પદ્માવતી (અંજના), નર્મદાસુંદરી, રતિસુંદરી, રુક્મિણી, ઋષિદત્તા, કમલાવતી, કલાવતી, શીલવતી, દમયન્તી, રોહિણી, દ્રૌપદી, સીતાજી અને ધનશ્રી. આ સોળ મહાસતીઓનાં નામ છે. મહાસતીઓની યાદીમાં બ્રાહ્મી, સુંદરી, કૌશલ્યા, શિવામાતા, કુંતી, પ્રભાવતી, ગુણસુંદરી, મનોરમા, જયન્તી આદિનાં નામો પણ આવે છે. આ સતીઓનાં નામસ્મરણ માત્રથી શું લાભ થાય છે, તે એક કવિએ બતાવ્યું છે -
અષ્ટસિદ્ધિ નવનિધિ મિલે, નામે સુખવિલાસ । નાસે ડાકિન-શાકિની, ભૂતપ્રેત વિનાશ ॥ સોલહ મહાસતી તણાં, નામ જપે નિત્યમેવ । કામકાજ જો કો કરે, સફલ હોઈ તસ સેવ ॥ દિન સંધ્યા-અહોનિશિ, મહાસતી સમરંત । તસ ઘર વાંછિત વેલડી, ક્રોડ કલ્યાણ કરંત ॥
સર્વ તીર્થંકરોની માતાઓ અવશ્ય મહાસતી હોય છે. તીર્થંકરોની પત્નીઓ પણ મહાસતીઓ હોય છે. એ સર્વેને યાદ કરતા રહો. એમના શીલધર્મની અનુમોદના કરતા રહો. જ્ઞાનવિમલસૂરિજી કહે છે -
દુરિત ઉપદ્રવ ઉપશમે, હોવે મંગલમાલ, જ્ઞાનવિમલ ગુણસંપદા, પામીએ સુવિશાલ.
પ્રમોદ ભાવનાથી સર્વ પાપ-ઉપદ્રવો ઉપશાન્ત થઈ જાય છે. મંગલ જ મંગલ થાય છે. સુવિશાળ ગુણસંપત્તિ પ્રાપ્ત થાય છે.
વર્તમાન કાળમાં પણ જે સ્ત્રી-પુરુષો જ્ઞાનપૂર્વક શીલધર્મનું પાલન કરે છે, એમના પ્રત્યે પણ પ્રમોદ ભાવના રાખવાની છે. ભલેને એમાં બીજા દોષ-દુર્ગુણો હોય. આપણે તો ગુણદર્શન જ કરવાનાં છે. શીલવાનોની પ્રશંસા સાંભળીને રાજી જ થવાનું છે. ઇર્ષ્યાથી સદૈવ બચવાનું છે. ભલેને શત્રુ હોય, પરંતુ તે શીલવાન હોય તો તે પ્રશંસનીય છે. પ્રશંસા હાર્દિક હોવી જોઈએ, ગતાનુગતિકા નહીં.
એક પ્રસંગ સંભળાવું છું.
પ્રમોદ ભાવના
૧૭૧