________________
અન્યત્વ ભાવનાની સાથે સુવ્રત શ્રેષ્ઠીનું નામ, સનત ચક્રવર્તીનું નામ અને રાજા ભતૃહિરનું નામ આજે પણ અહોભાવપૂર્વક લેવાય છે.
અશુચિ ભાવનાની સાથે સનત્કુમાર ચક્રવર્તીનું નામ સુપ્રસિદ્ધ જ છે. એ રીતે ઋષિ અષ્ટાવક્રનું નામ પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત છે.
આસ્રવ ભાવનાની સાથે રાજર્ષિ પ્રસન્નચંદ્ર, બાહુબલિ અને પુંડરીક-કંડરીકનાં નામ સારી રીતે જોડાયેલાં છે.
સંવર ભાવનાનું ચિંતન કરતી વખતે શ્રેષ્ઠી સુદર્શનને અને મહાશ્રાવક અન્નકને યાદ કરો. એમનો યશ મુનિવરો પણ ગાય છે.
નિર્જરા ભાવનાનું અનુચિંતન કરતી વખતે દુલિકા પુષ્યમિત્ર મુનિ અને દિલ્હીની ચંપા શ્રાવિકાને યાદ કરો. છ માસના ઉપવાસ કરીને બાદશાહ અકબરને જિનધર્મ પ્રત્યે એ શ્રાવિકાએ આકર્ષિત કર્યો હતો.
ધર્મ ભાવના ભાવતી વખતે ધર્મનો અદ્ભુત પ્રભાવ સિદ્ધ કરનારી મહાસતી સીતાને યાદ કરો. નરવીરને યાદ કરો. ધર્મના જ પ્રભાવથી નરવીર કુમારપાળ રાજા બન્યો હતો.
લોકસ્વરૂપ ભાવનાનું ચિંતન કરતી વખતે એવાં સાધુસાધ્વીને યાદ કરો કે જેઓ સમગ્ર ૧૪ રાજલોકનું ચિંતન કરતાં હોય, ધર્મધ્યાન ધરતાં હોય.
બોધિદુર્લભ ભાવના ભાવતી વખતે મહાન યશસ્વી અંબડ પરિવ્રાજક કે જે ભગવાન મહાવી૨નો અનન્ય શિષ્ય-ભક્ત હતો એને અને મહાન શ્રાવિકા સુલસાને યાદ કરો.
મૈત્રી ભાવનાનું ચિંતન કરતી વખતે મહાસતી અંજનાને યાદ કરો અને સુવ્રત શ્રેષ્ઠીને યાદ કરો. અપરાધી પ્રત્યે પણ મૈત્રી ભાવના રાખનાર આ બે વ્યક્તિઓ મહાયશસ્વી હતી.
પ્રમોદ ભાવનાનું મનન કરતી વખતે ગુણપક્ષપાતી શ્રીકૃષ્ણને યાદ કરો. શ્રીકૃષ્ણ સદૈવ ગુણદૃષ્ટા જ રહ્યા. ગુણાનુરાગી અને ગુણપ્રશંસક રહ્યા.
કરુણા ભાવના ભાવતી વખતે શ્રમણ ભગવાન મહાવીરને સ્મૃતિમાં લાવતા રહો. સંગમદેવ પ્રતિ એમની કરુણા, ચંડકૌશિક સર્પ પ્રત્યે એમની કરુણા અને કાનોમાં ખીલા ઠોકનાર ગોપાલક પ્રતિ એમની કરુણા સ્મૃતિમાં લાવો.
માધ્યસ્થ ભાવના ભાવતી વખતે પણ ભગવાન મહાવીર સ્વામીને યાદ કરો. જમાલિ પ્રત્યે, સાધ્વી પ્રિયદર્શના પ્રત્યે, ગોશાલક પ્રત્યે એમનો કેવો અપૂર્વ મધ્યસ્થભાવ હતો !
૩૨૪
શાન્તસુધારસ : ભાગ ૩