________________
મુનિ ૨થનેમિ અને સાધ્વી રાજીમતી
વાત છે ભગવાન નેમિનાથના સમયની. ગિરનારના પહાડ ઉપર સહસાવનમાં ભગવાન નેમિનાથનું સમવસરણ રચવામાં આવ્યું હતું. એ,સમયે સાધ્વી રાજીમતી ભગવંતનો ઉપદેશ સાંભળવા પહાડ ઉપરથી જઈ રહી હતી, પરંતુ રસ્તામાં વર્ષ થઈ - બધાં વસ્ત્રો ભીંજાઈ ગયાં. પાસે જ એક ગુફા દેખાઈ. રાજીમતીએ ગુફામાં આશ્રય લીધો. એમણે ત્યાં શરીર ઉપરથી તમામ વસ્ત્રો ઉતારીને, શિલાઓ ઉપર સુકવવા મૂકી દીધાં. શરીર નિર્વસ્ત્ર થઈ ગયું. આમ તો તે રાજકુમારી હતી. ભગવાન નેમિનાથ સાથે એમનું લગ્ન થવાનું હતું. પરંતુ ભગવાન નેમિનાથે લગ્ન ન કર્યાં, દીક્ષા લઈ લીધી ! અણગાર બન્યા અને ઘાતીકર્મોનો ક્ષય કરીને તે વીતરાગસર્વજ્ઞ-તીર્થંકર બન્યા.
રાજીમતીને ખબર ન હતી કે જે ગુફામાં એમણે આશ્રય લીધો હતો, એ ગુફામાં મુનિ રથનેમિ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. એ ભગવાન નેમિનાથના મોટા ભાઈ હતા. ગુફાના અંધકારમાં રાજીમતીએ એમને ન જોયા. પરંતુ રથનેમિએ રાજીમતીને જોઈ લીધાં. નિર્વસ્ત્ર સ્ત્રીને જોઈને, પૂર્વપરિચિત રાજીમતીને જાણીને તેમનું મન વિચલિત થયું, મનમાં વિકાર પેદા થયો અને તેમણે કહ્યું ઃ
‘હે સુંદરી ! આજે અહીં આપણું કેવા એકાન્તમાં મિલન થયું છે ?' પુરુષનો અવાજ સાંભળીને રાજીમતીએ ભીનાં વસ્ત્રો પહેરી લીધાં અને કહ્યું : “જે મિલનને ભૂલી ગયા છો એ મિલનને શા માટે યાદ કરો છો ?’ રાજીમતીએ ૨થનેમિને એમના અવાજ ઉપરથી ઓળખી લીધા હતા. રથનેમિએ કહ્યું ઃ ‘રાગી પુરુષને પૂર્વ પ્રીતિ યાદ આવે છે. એ ભૂલી નથી શકતો. પ્રીત કરીને જે દૂર રહે છે તે તો મૂર્ખ છે. ચતુર નરને ચતુરાની યાદ આવે જ છે. એટલા માટે કહું છું કે આપણે સંસારમાં લગ્ન કરી લઈએ, સંસારનાં વૈષયિક સુખો ભોગવીએ. વૃદ્ધાવસ્થામાં ફરીથી સંયમ લઈશું.’
રાજીમતીએ કહ્યું : “મહાવ્રતોનો ભંગ કરીને નરકગામી બનવું છે ? પરમાધામીને વશ થવું છે ? તમે તમારા ઉત્તમ કુળની લાજ શું છોડી દીધી ? વિષયભોગની વાત કરો છો ? આપનું યદુકુળ લજ્જિત થાય છે. જે વૈષયિક સુખોનો ત્યાગ કર્યો, થૂંકી નાખ્યાં. તે કૂતરાની માફક ફરીથી ચાટવાં છે ? અગંધન કુળના નાગ વિષ બહાર કાઢ્યા પછી, વમન કર્યા પછી ફરી પાછું ચૂસતા નથી; બળીને મરી જવું પસંદ કરે છે.
રથનેમિની વાસના શાન્ત થઈ. તેમણે રાજીમતીનો ઉપકાર માન્યો. ભગવાન નેમિનાથ પાસે જઈને આલોચના-પ્રાયશ્ચિત્ત કર્યું. પાછળથી ઘાતીકર્મ ક્ષય કરીને વીતરાગ-સર્વજ્ઞ બન્યા. રાજીમતી પણ વીતરાગ-સર્વજ્ઞ બની, ૫૦૦ વર્ષ સુધી કેવળજ્ઞાનીના રૂપમાં વિચરતાં રહ્યાં. અનેક જીવોને ભવસાગરમાંથી પાર ઉતાર્યા. પછી અઘાતી કર્મક્ષય કરીને તેઓ મોક્ષે ગયાં.
૧૭૦
શાન્તસુધારસ : ભાગ ૩