________________
પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન
ભાગ-૨ના સંકલનની વેળાએ પ્રાસ્તાવિક
પાતંજલયોગસૂત્રમાં યોગની વ્યુત્પત્તિ ‘યુક્ સમાઘો’થી સ્વીકૃત છે. ભાષ્યકાર વ્યાસના અનુસાર યોગ અને સમાધિ પર્યાયવાચી છે. સૂત્રકાર પતંજલિએ પણ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત આ બંને પ્રકારના યોગના માટે ‘સમાધિ’ પદનો પ્રયોગ કરેલો છે.
મહર્ષિ પતંજલિને ‘યોગ’ શબ્દથી ‘પરમસમાધિ' અર્થ અભિપ્રેત છે. પરમસમાધિરૂપ યોગની સ્થિતિ ચિત્તવૃત્તિઓનો પૂર્ણ નિરોધ થયા પછી સંભવિત છે. તેથી ‘ચિત્તવૃત્તિઓના નિરોધ’ને યોગ કહ્યો છે. આ પરિભાષા અનુસાર ચિત્તવૃત્તિઓનો પૂર્ણ નિરોધ ત્યારે જ સંભવે કે જ્યારે વૃત્તિઓની સાથે તેના સંસ્કારોનો પણ નિરોધ થઈ જાય. આ દષ્ટિથી એકાગ્રાવસ્થામાં થવાવાળા યોગને ‘સંપ્રજ્ઞાત’ અને નિરુદ્ધાવસ્થામાં થવાવાળા યોગને ‘અસંપ્રજ્ઞાત' કહીને યોગના બે ભેદ કરેલા છે.
ભોજદેવે તે અવસ્થાને સંપ્રજ્ઞાતસમાધિ કહી છે જેમાં સંશય અને વિપર્યય રહિત ધ્યેય વસ્તુનું સમ્યગ્ જ્ઞાન થાય છે, પરંતુ આ અવસ્થા અસંપ્રજ્ઞાતસમાધિની અપેક્ષાએ નીચલી કક્ષાની છે; કેમ કે આ અવસ્થામાં પ્રકૃતિ અને પુરુષવિષયક ભેદની અનુભૂતિ થાય છે અને દ્વૈતબુદ્ધિ રહે છે, જ્યારે અસંપ્રજ્ઞાતસમાધિમાં તેનો પણ નિરોધ થઈ જાય છે, ત્યાં કોઈ પણ વસ્તુનું આલંબન રહેતું નથી અને ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણે એકાકાર બની જાય છે, બધી વૃત્તિઓનો નિરોધ થઈ જાય છે.
મહર્ષિ પતંજલિએ ‘ચિત્તવૃત્તિનિરોધ’ આ લક્ષણમાં સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત બંને પ્રકારની સમાધિનો અંતર્ભાવ કરેલો છે જે લક્ષણ માત્રથી સ્પષ્ટ થતું નથી. વાચસ્પતિ મિશ્રે ‘ક્લેશાદિવિરોધીચિત્તવૃત્તિનિરોધ' કહીને ઉક્ત યોગલક્ષણમાં મહત્ત્વપૂર્ણ પરિષ્કાર સૂચિત કરેલો છે.
જૈન પરંપરાનુસાર યોગ એક વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે જેનો અર્થ છે – ‘મન, વચન, કાયાની સુર્દઢ પ્રવૃત્તિ' આ પ્રવૃત્તિના પુરોવર્તી આત્મપરિણામોને પણ ‘યોગ’ કહેલ છે. યોગના બે પ્રકાર છે - શુભયોગ અને અશુભયોગ. શુભયોગથી પુણ્યનો આશ્રવ અને અશુભયોગથી પાપના આશ્રવ થાય છે. આ બંને પ્રકારના યોગ કર્મબંધનો કારણ છે, તેથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગનિરોધસંવર અને પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય કરવો પડે છે. પ્રાચીન જૈનાગમોમાં મુખ્યપણે ‘યોગ’ શબ્દ આશ્રવના કારણભૂત મન, વચન અને કાયાની પ્રવૃત્તિ આદિ અર્થમાં વપરાયેલા છે પરંતુ સાથે સાથે ધ્યાન, સમાધિ આદિ વિવિધ યૌગિક સાધનોના અર્થમાં પણ ‘યોગ' શબ્દનો પ્રયોગ થયેલો જોવા મળે છે. યોગપરંપરામાં પ્રચલિત યમ, નિયમ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન વગેરે પણ એક પ્રકારથી યોગ જ છે.