________________
જાન્યુઆરી ૧૯૬૦
જૈન યુગ
અંગ્રેજી. ભારતીયો એ વિષયમાં આગળ આવવા લાગ્યા ત્યારે તેમણે પણ એ જ માર્ગ સ્વીકાર્યો. આ રીતે અંગ્રેજી ભાષામાં અવતરેલું પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન અંગ્રેજી ભાષા દ્વારા જ અગ્રેજીના જાણકારોમાં ખેડાતું રહ્યું. આ સાથે ભારતીય તત્વજ્ઞાન પણ અભ્યાસક્રમમાં દાખલ તો થયું. પણ એ તો રાણી સાથે દાસી ચાલે એ રીતે! સંસ્કૃત, પાલિ, પ્રાકૃત આદિ ભારતીય ભાષાઓમાં જ જન્મેલું, ખેડાયેલું અને વિસ્તરેલું એવું અનેક સંપ્રદાયોના તત્વજ્ઞાનનું અધ્યયન ભારતીય અધ્યાપકો અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે પણ અંગ્રેજી દ્વારા જ ચાલતું રહ્યું. પરિણામ એ આવ્યું છે કે જે ભારતીયોને સંસ્કૃત આદિ ભારતીય ભાષાઓ સાવ સુગમ થઈ પડે તેવી છે, અને એ ભાષામાં લખાયેલ મૂળ ગ્રંથોનું અધ્યયન બહુ પ્રયાસ વિના શક્ય છે, તે ભારતીય વિદ્યાર્થીઓ અને અધ્યાપકો અંગ્રેજી અનુવાદો, સારાંશ અને વિવેચનો દ્વારા જ એ જ્ઞાન મેળવે છે. જેમ પાશ્ચાત્ય તત્વજ્ઞાન શીખવનાર કે શીખનાર એની મૂળ ગ્રીક, જર્મન, ફ્રેંચ આદિ ભાષાઓને જાણ્યા સિવાય જ તેના અંગ્રેજી અનુવાદો કે સારો દ્વારા તે શીખે છે, તેમ ભારતીય તત્ત્વજ્ઞાન વિશે પણ બન્યું છે. આને લીધે માત્ર ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી જ નહીં, પણ સારા સારા અધ્યાપકો પણ પોતાની વાત માતૃભાષામાં કે રાષ્ટ્રભાષામાં લખી શકતા નથી, એટલું જ નહીં, માટે કહેતાં પણ ખચાય છે, અને ખુલ્લો એકરાર કરે છે કે આ તત્વ કહેવા માટે પરિભાષાઓ નથી કે ભાષા અધુરી છે. જે અધ્યાપકો પણ આવા કુંઠિતશકિત હોય તો એ તત્ત્વજ્ઞાનનું વહેણ સામાન્ય અધિકારી પ્રજામાં આવે કેવી રીતે? તેથી આજે નીચેની બાબતો તરફ ધ્યાન આપવું અનિવાર્ય લાગે છે:
૧. અભ્યાસનાં ઉચ્ચ વર્તુળોમાં ભારતીય તત્ત્વજ્ઞાનનું અધ્યયન-અધ્યાપન માત્ર પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો પાલવ પકડીને જ ચાલવું ન જોઈએ; એનું પણ સ્થાન પ્રધાન હોવું જોઈએ.
૨. અંગ્રેજી ભાષાંતરો કે વિવેચનો આદિનો છૂટથી લાભ લેવાય; પણ ભારતીય તત્વજ્ઞાન શીખનાર અને અને શીખવનાર બનેની સંસ્કૃત ભાષા અને તેમાં લખાયેલ દાર્શનિક ગ્રંથો સમજવા-સમજાવવાની એવી
શક્તિ કેળવાવી જ જોઈએ કે જે વડે તેઓ મૂળ ગ્રંથનો ભાવ પૂરેપૂરો અને પ્રામાણિકપણે રજૂ કરી શકે. જો આટલું થાય તો જ તેઓ દ્વારા પોતપોતાની માતૃભાષા અને છેવટે રાષ્ટ્રભાષામાં તત્ત્વજ્ઞાન અવતરી શકે.
૩. આ સાથે જ પ્રાદેશિક ભાષાઓ કે રાષ્ટ્રભાષામાં તત્વજ્ઞાનના મૌલિક સાહિત્યના અનુવાદો કે સારવિવેચનો લખાવાનો પ્રશ્ન આવે છે. આવા ગ્રંથો ન લખાય ત્યાં લગી એમ. એ. અને તે પછીના અભ્યાસમાં વિદ્યાર્થીને સાચું માર્ગદર્શન ન જ મળી શકે. અને આવા મૌલિક અનુવાદ કે સારગ્રાહી વિવેચનો તો જ લખી શકાય, જે તે તે ભાષામાં લખાયેલ મૂળ તત્ત્વગ્રંથોને તે ભાષાના યોગ્ય અધિકાર સાથે જ શીખવાશીખવવામાં આવે.
૪. ગુજરાતમાં વિશ્વવિદ્યાલયો એકથી વધારે છે. તેમાં અને ગુજરાત બહારનાં વિદ્યાકેન્દ્રોમાં તત્ત્વજ્ઞાન વિષયક ચર્ચાપરિષદો ચાલતી રહેવી જોઈએ, જેમાં નિબંધો રજુ થાય, એના ઉપર ચર્ચા થાય, અને તુલનાત્મક તેમ જ ઐતિહાસિક દૃષ્ટિએ તત્વના પ્રશ્નોને ચર્ચવાની એક નવી દિશા ઉઘડે. આ સાથે એ પણ ભુલાવું ન જોઈએ કે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના પ્રવાહોને આ ઉદાત્ત ચર્ચામાં યથાસંભવ સ્થાન મળે. આ ચર્ચાઓ મુક્તપણે ચાલે, અને તે દ્વારા ઈતર જિજ્ઞાસુ પણ લાભ મેળવી શકે, તે માટે એનું માધ્યમ સર્વસુલભ હોવું જોઈએ, નહીં કે પરંપરાગત એવું એકમાત્ર અંગ્રેજીનું જ માધ્યમ.
ગુજરાતી સાહિત્ય પરિષદ અને તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ લેખે પસંદ કર્યો એ અધિકારની મારામાં યોગ્યતા છે કે નહીં, તે હું જાણું છું. પણ મેં આ સ્થળે મને જે સૂઝયું તે નમ્રપણે રજૂ કર્યું છે. જે પરિષદના વિવેકી સંચાલકોને એમાથી કાંઈ પણ કરવા જેવું લાગે તો એ દિશામાં પ્રયત્ન કરે એવી મારી વિનંતી છે. કેમ કે પરિ. વિદે પોતાના કાર્યક્ષેત્રમાં તત્ત્વજ્ઞાનને પણ સ્થાન આપ્યું છે, એટલે એ માટે ઘટતું બધું જ કરી છૂટવાની એની ફરજ છે.