________________
જેન યુગ
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
૩૬
એકધારું પૂજ્ય મુનિશ્રી છેલ્લાં ૨૫ વર્ષથી કરતા આવ્યા છે અને તે પણ એકલે હાથે બીજા કોઈની પણ મદદ વગર એમણે કર્યું છે એ માટે તેઓશ્રી આપણા અનેક ધન્યવાદને પાત્ર છે. એમણે તો નિષ્કામ કર્તવ્યબુદ્ધિથી આ કામ કર્યું છે. પણ જે જૈન સમાજની સેવા અર્થે એમણે આ પ્રવૃત્તિ કરી છે તેના અંગ તરીકે જૈનોનું કર્તવ્ય છે કે એમના આ પરિશ્રમને સાર્થક કરવો. આ પંચાંગોનો હજુ પણ વિશેષ ઉપયોગ કરીને અને જૈનસમાજમાં તેનો બહોળો પ્રચાર કરીને પંચાંગ પાછળ લેવાતા શ્રમને વધુ સાર્થક બનાવી શકાય.
મારા જાણવા પ્રમાણે આખા ભારતમાં જૈન પંચાંગ આ એકજ છે. આજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં લગભગ બધા પંચાંગો પ્રત્યક્ષ ગણિતવાળાં થઈ ગયાં છે.
પંચાંગનો ઉપયોગ ધર્મકત્યો માટે છે એમ સામાન્ય રીતે મનાય છે. છતાં પંચાંગનો ઉપયોગ માત્ર ધર્મ પૂરતો મર્યાદિત નથી. ઐતિહાસિક કાલગણના પંચાંગને અનુસરીને જ કરવામાં આવે છે. જૂનાં તામ્રપટો, શિલાલેખો, પ્રાચીન ગ્રંથો વગેરેમાં આપેલ મિતિઓ, સંવત્સરો વગેરેનો ઉકેલ પણું પંચાંગની મદદથી જ કરવો પડે છે. કોઈપણ સુધરેલા સમાજને પંચાંગ વિના ચાલતું નથી. ભલે પછી તે પંચાંગ આજના ખ્રિસ્તી, એટલે અંગ્રેજી પંચાંગ જેવું સરળ હોય. અર્વાચીન વ્યવહારને માટે પણ, ઓછામાં ઓછું, કોઈપણ પ્રકારનાં તારીખ, મહિનો, અને વર્ષ રાખ્યા વિના તો છૂટકો જ નથી.
આપણું પંચાંગ ધર્મકૃત્યો અને કાલગણના ઉપરાંત બીજા કેટલાક વિયો આપે છે. આમાં ગ્રહોની સ્થિતિ અને ગ્રહણ જેવી નૈસર્ગિક ચમત્કૃતિઓ આવે છે. આમ આપણું ભારતીય પંચાંગ ધાર્મિક અને વ્યાવહારિક માર્ગદર્શક હોવા ઉપરાંત ખગોળના અભ્યાસનું એક ઉપયોગી સાધન બની રહે છે. પશ્ચિમમાં હાલમાં
નૉટિકલ આમનાક” એટલે નૌકાશાસ્ત્ર માટેનું પંચાંગ જેવું કાર્ય બજાવે છે, એવું જ કાર્ય ખગોળના અભ્યાસ માટે હાલના ભારતીય પ્રત્યક્ષ પંચાંગો બજાવે છે.
આજના વિજ્ઞાનયુગમાં આપણાં પંચાંગો ખગોળ
શાસ્ત્રના અભ્યાસ માટે જેટલાં ઉપયોગી બને તેટલું એ પંચાંગોનું મહત્ત્વ વિશેષ ગણાય.
અર્વાચીન યુગના ભારતીય મહાપુરુષો ભારતીય સંસ્કૃતિના સંરક્ષણને એક મહત્ત્વનું કાર્ય માને છે. આપણું પંચાંગ આપણી સંસ્કૃતિ અનુસાર આપણો વ્યવહાર ચલાવવાનું સાધન છે, જેનો ઉપયોગ આપણા દેશના કરોડો મનુષ્યો દરરોજ કરે છે. જે લોકો ધર્મકૃત્યો પ્રત્યે ઉદાસીન છે તેઓને પણ સામાજિક તહેવારો અને બીજાં વ્યાવહારિક કાર્યો માટે પંચાંગની જરૂર પડે છે. જેમ જેમ સમાજમાં પરિવર્તન થતું રહે છે તેમ તેમ એ ફેરફારોને અનુસરીને પંચાંગોમાં પણ ફેરફારો થાય છે. આપણાં હાલના પંચાંગોમાં આવતી ખ્રિરતી તારીખો આનું એક ઉદાહરણ છે. ખ્રિસ્તી તારીખો ભારતીય પંચાંગનું અંગ નથી, છતાં આજે ખ્રિરતી તારીખ વિનાનું ભારતીય પંચાંગ ચાલી શકે નહીં.
આપણું પંચાંગનું મૂળ સ્વરૂપ આજના કરતાં ઘણું જુદું હતું. જમાના-જમાનાની જરૂરિયાતો પ્રમાણે તેમાં અનેક ફેરફારો થયા છે, અને તે પ્રમાણે ભવિષ્યમાં પણ થશે. આજના પ્રત્યક્ષ પંચાંગો આપણી પ્રાચીન પરંપરાને કાયમ રાખીને આજની જરૂરિયાતોનો સમાવેશ તેમાં કરે છે. તેમજ જુના ગણિતની જે સ્થૂળતાઓ પ્રત્યક્ષ અવલોકનથી સાબિત થઈ છે, તે સુધારીને ગણિતને સૂક્ષ્મ બનાવે છે. કાળે કાળે આપણા પ્રાચીન વિદ્વાનોએ પણ આમ જ કર્યું છે, અને એમ કરવું એ આપણી પરંપરા છે. - વિદ્વાનો તો કર્તવ્યબુદ્ધિથી પોતાનું કામ કર્યું જ જાય છે, પણ જે સમાજ તેઓની કૃતિઓની કદર કરતો રહે તો વિદ્વાનોને પરિશ્રમ કરવામાં ઉત્તેજન મળે છે, તેઓનો ઉત્સાહ વધે છે અને સમાજને તેઓની વિશેષ સેવાનો લાભ મળે છે. આ દષ્ટિએ આજના સમારંભને હું આવકારું છું. હું ઈચ્છું છું કે આપણા સમાજની કોઈપણ પ્રકારની ઉન્નતિને અર્થે જે જે લોકો પ્રયત્ન કરતા હોય તેઓને આ પ્રમાણે જ ઉત્તેજન મળતું રહેશે અને તેને પરિણામે સમાજની સર્વ પ્રકારની ઉન્નતિ સિદ્ધ થશે.