________________
જૈન યુગ
૧૮
ફેબ્રુઆરી ૧૯૬૦
કે સામાન્ય વ્યક્તિની અને વૈજ્ઞાનિકની વિચારસરણીમાં ઘણો તફાવત છે. વૈજ્ઞાનિક નિઃસ્પૃહ ભાવે, પરલક્ષી૫ણે કોઈ પણ સામાજિક ક્રિયાનું નિરીક્ષણ કરે છે. દા. ત. હું જે મધ્યમવર્ગનો માણસ હોઉં અને એની સમસ્યાઓ ઉપર વિચાર કરવા બેસું તો મારા વિચારો આત્મલક્ષી બની જવાનો સંભવ રહે છે અથવા તો મારી વિચારસરણીમાં મારી અંગત લાગણીઓનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. વૈજ્ઞાનિક વિચારસરણી રજૂ કરનાર આ આત્મલક્ષીપણાથી દૂર રહેવું પડે છે. વધુમાં, વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે આપણે સમાજશાસ્ત્રના પિતા અને પ્રત્યક્ષવાદના પુરસ્કર્તા ઑગસ્ટ કોસ્તના કથનાનુસાર ભવિષ્યકથન માટે નિરીક્ષણ અને નિયંત્રણ માટે ભાવિકથન-એ પ્રમાણે જ ચાલવું રહ્યું. અહીં પણ આપણે એ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે, મધ્યમવર્ગની સમસ્યાઓનું નિરીક્ષણ, એનું ભાવિ અને ભાવિને અમુક જ દિશાએ વાળવા માટે–ઉત્થાનના માર્ગો માટે એનું અમુક સાધનો દ્વારા તેમજ વેચ્છાએ નિયંત્રણ, એ રીતે ચાલીશું.
મધ્યમવર્ગનો વિષય સમાજશાસ્ત્રમાં અગત્યનું સ્થાન ધરાવે છે. સમાજશાસ્ત્રમાં એની ચર્ચા સામાજિક વિભાગીકરણમાં થાય છે. સમાજશાસ્ત્રીઓ માને છે કે વર્ગ-વિભાગ એ તો કોઈ પણ સમાજની સામાન્ય ક્રિયા છે. વિખ્યાત સમાજશાસ્ત્રીઓ જેવા કે પિટ્રિમ સોરોકીન અને હિંસલી ડેવીસ વગેરે માને છે કે કોઈ પણ સમાજ વર્ગવિહીન હોવો એ તો તદ્દન અશક્ય વાત છે; એટલે ચુસ્ત માસવાદીઓ જેઓ વર્ગવિહીન સમાજનાં સ્વપ્નો સેવે છે તે સાવ કપોલકલ્પિત (Utopian) છે. સોવિયેત રશિયામાં પણ ઉચ્ચ-નીચ હોદ્દાઓ અને સત્તાની સાઠમારી ચાલી રહી છે તે એ વાતની પોકળતાનું આબેહૂબ દૃષ્ટાન્ત છે. આજના સમાજશાસ્ત્રીઓએ નિહાળ્યું છે કે સાવ આદિમ જાતિઓ કે જ્યાં સમાનતાનું ધોરણ સર્વવ્યાપક હોય છે ત્યાં પણ કોઈને કોઈ પ્રકારે વર્ગીકરણ તો હોય જ છે હા, કોઈ સમાજમાં એનાં બંધન વધુ ઢીલાં તો કોઈ સમાજમાં વધુ મજબૂત હોઈ શકે.
સમાજશાસ્ત્રીઓનો આ નિર્ણય માન્ય કરતાં કબૂલ કરવું પડે છે કે દરેક સમાજમાં આવા વર્ગોના થર હોય છે. આવા વર્ગોના થરોની સમાજમાં ચડતા ઉતરતા ક્રમમાં-કોટિક્રમ પ્રમાણે (hierarchical)
ગોઠવણ હોય છે. એક નિસરણીની માફક ગોઠવાયેલા આ વર્ગોમાં એક સૌથી ઉપરનો હોય; એક સૌથી નીચેનો. સમાજના આ ભાગલા વ્યક્તિઓમાં નજરે પડતા અમુક પ્રકારના ભેદભાવો ઉપર નિર્ધારિત હોય છે. આપણે ભલે કહીએ કે “સહુજન એક સમાન.” પણ એ તો આપણા સામાન્ય અનુભવની વાત છે કે બે માણસો કદી સરખા હોતા નથી. કેટલાક ભેદભાવો આનુવંશિક હોય છે તો કેટલાક સંજોગવશાત પેદા થયા હોય છે. વળી કેટલાક ભેદભાવો ધન, ધર્મ, ધંધો, જન્મ, જાતિ કે સત્તા ઉપર રચાયેલા હોય છે. પરંતુ આવા ભેદભાવોની એક ખાસિયત એ હોય છે કે અમુક કારણસર અમુક હોદ્દાઓ ધરાવતા ભાણસોના મનમાં પોતાના હોદ્દા વિષે સ્વાભિમાન અથવા પૂર્વગ્રહ બંધાઈ જાય છે. આ માનસશાસ્ત્રીય ક્રિયા છે. આમ ઉચ્ચ-નીચ હોદ્દા ધરાવતી વ્યક્તિઓનાં જૂથ રચાય છે કેમકે સમાજમાં સરખું સ્થાન પામેલા માણસોને એકત્રિત થવાની ટેવ હોય છે અને આ રીતે સમાજમાં વર્ગો (classes) રચાય છે. આધુનિક ભારતમાં આવા વર્ગો ધનદોલત અથવા મિલકત ઉપર રચાયેલા છે– કે આ ધનદોલતને વેપારધંધા સાથે અને વેપારધંધાને જ્ઞાતિઓ સાથે સંબંધ તો છે જ. મોટે ભાગે ઉચ્ચ જ્ઞાતિનાં લોકો જ મોટા વેપારધંધા ખેડે છે અને ઉચ્ચ વર્ગમાં સ્થાન મેળવે છે. આમાં અપવાદ પણ મળી આવે. પરંતુ સર્વ સામાન્ય ક્રિયા તો એ જ હોઈ શકે. હવે ધનદોલત કે વેપારધંધામાં ચડતી પડતી તો હોય છે જ એટલે જે સમાજમાં આવી સામાજિક ચડઊતરને સવિશેષ સ્થાન હોય તે સમાજમાં ખુલ્લી-વર્ગ-પદ્ધતિ છે એમ કહી શકાય. જે સમાજમાં વ્યક્તિ એક વાર એના પર ઠોકી બેસાડેલો હોદ્દો બદલી શકતી નથી એનું સામાજિક-સ્થાન જન્મથી મરણ સુધી એક જ રહે છે, એ સમાજના સામાજિક વિભાગીકરણને જ્ઞાતિ-પ્રથા કહે છે. આ જ્ઞાતિ-પ્રથા એ બંધ-વર્ગપદ્ધતિનો એક આદર્શ નમૂનો છે. એમાં સામાજિક ચડઊતર સાવ બંધ હોય છે.
હવે આપણને ભારતની જ્ઞાતિ-પ્રથા અને વર્ગ-પ્રથા એ બન્ને વચ્ચેના તફાવતનો સ્પષ્ટ ખ્યાલ આવશે. જે લોકો જન્મથી બ્રાહ્મણ, વણિક કે શુદ્ર છે તે લોકો એમાં કદી ફેરફાર કરી શકતા નથી; જ્યારે આર્થિક ચડતી પડતી સાથે વર્ગની અદલાબદલી થઈ શકે છે. ભારતનાં ગામડાઓમાં જ્ઞાતિ-પ્રથાની પકડ હજી એટલી જ મજબૂત છે. વર્ગ