________________
જૈન યુગ
જ નહીં, એમાંના કેટલાક તો લોકજીવનના ઉચ્ચ અધિનાયકપદે પણ પ્રતિષ્ઠિત બની જાય છે.
એમના ઉપરની લોકસમૂહની આસ્થા હિમાલય જેવી અડગ હોય છે; અને એ રીતે એવા પુણ્યપુરુષો માનવસમૂહના જીવનઘડતરમાં અને એને મંગલમય માર્ગે દોરી જવામાં ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમ કહી શકાય કે શ્રદ્ધાતત્ત્વનું સાચું ભાજન આવા પુરુષો જ બની જાય છે. અને જનસમૂહ એમના ઉપર શ્રા રાખીને કૃતકૃત્યતા અનુભવે છે.
સામાન્ય રીતે તો સમસ્ત વિશ્વના સામાન્ય જનસમૂહનું માનસ આ રીતે ધર્મપ્રિય, ધર્માંત્માઓનું પૂજક અને ધર્મશ્રદ્ધાનું ઉપાસક રહ્યું છે; પણ એમાંય ધર્મભૂમિ ભારતવર્ષની ભોળી અને શ્રદ્ઘાપરાયણ પ્રજાને માટે તો એ વાત વધારે સાચી છે.
ધર્મને માટે એ કંઈ કેટલાં દાન-પુણ્ય કરે છે, કંઈ કેટલાં તપ અને સંયમની ઉપાસના કરે છે, અને કંઈ કેટલાં કષ્ટો, સામે મોંએ ચાલીને, ઇચ્છાપૂર્વક અને સમભાવપૂર્વક સહન કરે છે! આ છે ધર્મનો, ધર્મભાવનાનો અને ધર્માત્મા પુરુષો પ્રત્યેની અસીમ શ્રદ્ધા અને ભક્તિનો પ્રભાવ.
ભગવાન મહાવીરના જીવનનો મહિમા આ દૃષ્ટિએ જ સમજવા અને વિચારવા જેવો છે. અને એમ થાય તો જ એનું સાચું દર્શન અને સાચું રહસ્ય પામી શકાય એમ છે.
વળી તીર્થંકર કે અવતારી પુરુષો જેવા ધર્મસંસ્થાપકો કે ધર્મપ્રરૂપકોના જીવનને લખવું કે વાંચવું, અથવા તો કહેવું કે સાંભળવું, એ માનવજીવનનો એક અમૂલ્ય લહાવો છે; પણ એની ખરી મહત્તા તો એ જીવનમાંથી પ્રેરણા લઈ ને, એ રીતે પોતાના જીવનને સ્ફટિક સમું વિશુદ્ધ બનાવવા માટેનું આચરણ કરવું એ જ છે. કેવળ કથા-વાર્તા વાંચી-સાંભળીને રસ લૂંટવો, એટલા માત્રથી સંતોષ પામવા જેવી આ બાબત નથી.
ધર્મ જાણ્યાનો ખરો સાર એનું આચરણ કરવામાં જ રહેલો છે. બાકી મનને આનંદ આપે એવી રસભરી વાણીનો કે “ પરોપદેશે પાંડિત્યું” જેવાં ઉપદેશ-વચનોનો તો પાર જ ક્યાં છે?
કરે તે જ પામે, અને કરે તેવું જ પામે, એ સનાતન સત્ય છે; અને શ્રમણ ભગવાન મહાવીરનું જીવન અને કથન એ સત્યનો જ સાક્ષાત્કાર કરાવે છે.
ૐ
$
F
૩
માર્ચ-એપ્રિલ ૧૯૬૦
આ દૃષ્ટિએ ભગવાન મહાવીરના જીવનનો વિચાર કરીએ તો એમના પૂર્વભવો, એમનું ગૃહસ્થજીવન, એમનું સાધકજીવન, એમનું તીર્થંકરજીવન અને અત્યાર સુધી સચવાઈ રહેલ એમનો ધર્મબોધ અને એમની ધર્મવ્યવસ્થા તેમજ સંધવ્યવસ્થા માનવજીવનની એક અમૂલ્ય સંપત્તિરૂપ બની રહે છે; અને એમાંથી માનવીને જીવનશુદ્ધિ અને જીવનવિકાસની પ્રેરણાનું અમૃતપાન મળ્યા જ કરે છે.
આપણે જાણીએ છીએ કે પ્રભુ મહાવીરે પ્રરૂપેલું વિશ્વતત્ત્વજ્ઞાન અને ધર્મતત્ત્વજ્ઞાન એ પૂર્વના તીર્થંકરોએ ઉદ્બોધેલ તત્ત્વોનું નવસર્જન છે; એ મૂળ તત્ત્વોમાં પોતાના સમયના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુરુપ પરિવર્તનને આવકારીને ભગવાને એને વિશેષ અસરકારક અને કાર્યક્ષમ બનાવ્યાં હતાં.
પણ એમ કરતાં પહેલાં એમણે અતિ કઠોર તપ અને સંયમને માર્ગે પૂર્ણ આત્મશુદ્ધિને પ્રાપ્ત કરીને વિશ્વતત્ત્વનો અને આત્મતત્ત્વનો પૂર્ણ સાક્ષાત્કાર કરી લીધો હતો; અને તે પછી જ એમણે દુનિયાને ધર્મમાર્ગનું ઉદ્બોધન કર્યું હતું.
ભગવાન મહાવીરની કે એમના જેવા અન્ય આત્મસાધકોના જીવનની આ જ એક અપૂર્વ વિશેષતા હોય છે કે તેઓ બીજાને કંઈ પણ કહેતાં કે બોધ આપતાં પોતાની જાતને આકરી તાવણીમાં મૂકે છે. આત્મસાધના એ જ એમનું મુખ્ય જીવનધ્યેય હોય છે; ધર્મબોધ તો એની પાછળ પાછળ આપમેળે ચાલ્યો આવે છે. અથવા, વધારે સાચી રીતે કહેવું હોય તો, એમનું એવું શુદ્ધ–વિશુદ્ધ જીવન જ મૂકપણે બોધ કરનારું અને પ્રેરણા આપનારું બની જાય છે-જેમ પુષ્પમાંથી આપોઆપ સૌરભ પ્રગટે અને પ્રસરે છે એમ.
સ્વચ્છ જળથી હિલોળા લેતા ભર્યાં ભર્યાં સરોવરમાંથી સૌ પોતપોતાની પાસેના પાત્ર પ્રમાણે પાણી લઈ શકે છે, એ જ રીતે મહાવીરસ્વામીના જીવન અને ઉપદેશમાંથી આત્મસાધક યોગીઓ અને શ્રદ્ધાળુ સામાન્ય જનસમૂહને સમાન રીતે પ્રેરણા મળી રહે એમ છે. જેવી જેવી જેની યોગ્યતા કે પાત્રતા એવાં પ્રેરણાનાં અમૃત એ લઈ શકે છે. અને એ પ્રેરણાનાં અમૃતનું પાન કરીને ભક્તજન પોતાની પાત્રતાને વધારે ઊજળી અને વધારે સમર્થ કરતો કરતો છેવટે સ્વયં પરમાત્મામય બની જઈ ને પ્રભુની સાથે એકરૂપતા-અદ્વૈત સાધી શકે છે.