________________
૧૭૩
બહિરાત્માથી પરમાત્મા સુધી ખલાસ થઈ જાય છે ! પહેલાં તો કદાચ એ માનતો હોય છે કે-ભલે આપણે મહાત્માઓ જેવું ઊંચું સુકૃત નથી કરી શકતાં, છતાં જે સુકૃત કરીએ છીએ એ સાંસારિક પાપકૃત્યો કરતાં તો સારું જ છે. તેથી કંઈક લાભ થશે; પરંતુ હવે તો ઐકાન્તિક દેશના સાંભળવાથી એમ લાગે છે કે–અમારાં આ મનમાન્યાં સુકૃતની પાપકૃત્યો કરતાં કોઈ વિશેષતા નથી, લાભકારીતા નથી. ઊભું મિથ્યાત્વ લાગે છે, માટે હવે વ્યર્થ શા સારું આમાં કૂચે મરવું ? એમ એનામાં સુકૃતનું મહત્વ જ ઊડી જાય છે ! મૂળ સુકૃતશક્તિ જ નષ્ટ થઈ જાય છે.
આવાં મહાનુભાવોએ એકાન્ત નિશ્ચયનયથી પ્રતિપાદિત કરેલા તત્ત્વજ્ઞાનથી તેના અનુયાયીઓએ સુકૃતનો તો છેદ જ ઉડાવી દીધો, એટલું જ નહીં પરંતુ તેઓ માને છે કે દુષ્કતની અસર પણ આત્મા પર થતી નથી કેમકે બંને પ્રકારના કર્મો જડ છે. તેથી તેમની આત્મા પર કશી અસર જ ન થાય તો ગભરામણ શેની ? શા માટે ?
ભવ્ય જીવમાં મોક્ષની યોગ્યતા છે, અપ્રગટ મોક્ષની સત્તા છે. આ વાત નિશ્ચય દૃષ્ટિએ છે. વ્યવહાર દૃષ્ટિએ અત્યારે મોક્ષ નહીં, પણ સંસારઅવસ્થા છે. વસ્તુના મૂળ સ્વરૂપની દૃષ્ટિ તે નિશ્ચય અને બાહ્ય સ્વરૂપની દૃષ્ટિ તે વ્યવહાર. નિશ્ચયની જેમ વ્યવહાર પણ પ્રામાણિક છે; માટે તો આત્માનું વર્તમાન સાંસારિક બાહ્ય સ્વરૂપ ટાળવા અને મૂળ સ્વરૂપ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાનો રહે છે; નહિંતર જો વ્યવહાર અસત્ હોય તો પ્રયત્ન શા માટે જોઇએ ? નિશ્ચયથી મૂળ સ્વરૂપ તો સહીસલામત જ છે !
શ્રી યશોવિજયજી મહારાજા કહે છે કે અશુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા ભાવકર્મનો કર્તા છે, ભોકતા છે તથા ભાવકર્મથી બંધાય છે અને ભાવકર્મથી મુક્ત થાય છે. શુદ્ધનયથી આત્મા કર્મનો કર્તા નથી, ભોકતા પણ નથી, કર્મથી બંધાતો નથી, કર્મથી મુક્ત પણ થતો નથી. સારાંશરૂપે કહેવું હોય તો અશુદ્ધ નિશ્ચયનયથી આત્માની બદ્ધ મુક્ત સ્થિતિ છે એટલે કર્મથી બંધાય છે, કર્મથી મુક્ત પણ થાય. પરંતુ નિશ્ચયનયથી જો કર્મથી બંધાતો નથી તો કર્મથી મુક્ત થવાથી વાત જ રહેતી નથી. હવે વ્યવહારનયની દૃષ્ટિએ આત્માને અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ તત્ત્વો સાથે સંબંધ છે. તેવી જ રીતે જીવ દ્રવ્યને પુદ્ગલાસ્તિકાદિ પાંચ દ્રવ્યો સાથે સંબંધ છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનથી જોઇએ તો દરેક દ્રવ્ય સ્વતંત્ર છે તેમ જીવ દ્રવ્ય પણ સ્વતંત્ર છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org