________________
૧૮૪
જૈન ધર્મના પુષ્પગુચ્છ આપણામાં ધર્મ કેટલો ઊતર્યો છે ? એકાંતમાં એકાદેકવાર પૂછવું જોઇએ. આપણો અંતરાત્મા ક્યારેય પણ દગો નહીં દે. ખોટી સલાહ નહીં આપે. આ એક ચિંતનની પ્રક્રિયા છે. ઘડામાં પાણી છે કે ઘડો પાણીમાં છે ? ઊંધો તરતો ઘડો પાણીમાં કહેવાય પરંતુ તેમાં પાણી બિલકુલ હોતું નથી. એવી રીતે ધર્મક્ષેત્રમાં વ્યક્તિ ઘણી આગળ વધી હોય, ખૂબ ખૂબ ધાર્મિક ક્રિયાઓ, વ્રત–પચ્ચકખાણ, ઉપવાસાદિ તપશ્ચર્યા અને અનુષ્ઠાનો કર્યા હોય પરંતુ તેમનામાં ધર્મ કેટલો ઊતર્યો તે એક જુદો પ્રશ્ન છે. એકાંતમાં વિચારવાથી, ચિંતન કરવાથી આપણી સ્થિતિનું સાચું ભાન થઈ શકશે.
આખી રાત પાણીમાં હલેસાં માર્યા જ કર્યા અને સવારે અન્યત્ર હોઇશું એમ માનનારાને જ્યારે સાચી પરિસ્થિતિ જણાય ત્યારે હતા ત્યાંના ત્યાં જ છીએ, કારણ કે નાવનું લંગર જ જે છોડવાનું હતું તે તો છોડવાનું જ ભૂલી ગયા છીએ! પાપોનો હિસાબ ન માંડ્યો. કેટલાં છોડ્યાં, કેટલાંનો પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત કર્યું તે જાણ્યા વગર હિસાબ નફા-તોટાનો કર્યા વગર નફો કે તોટો કેવી રીતે જાણી શકાય ? તેથી અનંતાનંત પુગલ પરાવર્તથી ભટકતાં, રખડતાં, કૂટાતાં જ રહ્યાં, કેમકે ખોટનો જ સોદો કર્યા કર્યો છે.
માટે પાપ નિવૃત્તિ એ મોટો, ખરો, સાચો ધર્મ છે. તેથી નિષ્પાપ થવું અને માત્ર ધર્મી થવું તેમાં ઘણું અંતર છે. ધર્મ ઉપાર્જન કરવાનો પ્રયત્ન કે પ્રયોજન જણાવે કે આપણે કેટલા અંશે પાપથી નિવૃત્ત થયા ? ભણનાર વિદ્યાર્થી વિદ્યાઉપાર્જન કરતા અજ્ઞાનની નિવૃત્તિ કરે છે, ત્યારે ભણવાની સાર્થકતા સધાય છે. એવી રીતે, ધર્મ સાધતો ધર્મી જો જીવનમાંથી પાપનિવૃત્તિ કરે તો જ સાધ્યની સિદ્ધિ થાય છે. અન્યથા નહીં. એક વ્યક્તિ ધર્મ ઘણો કરે, પાપો કર્યો જ જાય, પાપને ઘટાડતો નથી અને પોતે ધર્મ ઘણો કર્યો તેનો સંતોષ માને જ રાખે છે.
બીજી તરફ એક બીજી વ્યક્તિ પાપોનો ત્યાગ કરે છે, ન કરવાની પ્રતિજ્ઞા કરે છે, પ્રાયશ્ચિત કે પશ્ચાત્તાપ કરે છે તેમાં તે મોટો ધર્મ માને છે. પહેલી વ્યક્તિ મેં ઘણી માળા ગણી, સામાયિક-પ્રતિક્રમણાદિ કર્યા, દાન દીધું, તપશ્ચર્યા ઘણી કરી; પરંતુ તેના જીવનનું બીજું પાસું જોતાં તે જીવનમાંથી પાપ નિવૃત્તિ માટે કશો જ પ્રયત્ન નથી, ખેદ નથી, દુ;ખ નથી. પાપનિવૃત્તિને બિલકુલ મહત્ત્વ આપતો નથી તો પછી બંનેમાં કોણ ચઢે? ટુંકાણમાં પાપનિવૃત્તિ પ્રધાન ધર્મ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org