________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
માનવજાતિ ગમે તેટલો બૌદ્ધિક વિકાસ સાધે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તર્કયુક્ત વાત જ સ્વીકારવાનો આગ્રહ રાખે, તો પણ સંસારમાં વખતોવખત એવી ઘટનાઓ બનતી રહે છે કે જે કેટલાક લોકોને શ્રદ્ધાના ક્ષેત્ર તરફ વાળે છે. જ્યારે પોતાના જીવનમાં જ એવી ઘટનાઓનો અનુભવ થાય છે ત્યારે કેટલાયે બૌદ્ધિકો પણ શ્રદ્ધાનું આલંબન લેવા લાગે છે. દરેક વખતે આવી શ્રદ્ધા તે સાચી શ્રદ્ધા નથી હોતી. ક્યારેક એમાં અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાન, ગતાનુગતિકતા, લાચારી પણ જોવા મળે છે.
ઇષ્ટ ફ્લની પ્રાપ્તિ અને અનિષ્ટનો વિયોગ એ સામાન્ય માણસની બે મુખ્ય ઝંખના હોય છે. જ્યારે પોતાની બધી જ ગણતરી ઊંધી પડે અને પરિણામ અણધાર્યું જુદું જ આવે ત્યારે માણસ વિચાર કરતો થઈ જાય છે. અતિશય લાચારીનો પ્રસંગ જ્યારે આવી પડે છે ત્યારે માણસ શ્રદ્ધાપ્રેરિત થઈ ગમે તે વસ્તુ ક૨વા તત્પર થઈ જાય છે.
જીવનમાં સામાન્ય ક્રમે કે અણધારી રીતે બનતી સારીનરસી મોટી ઘટનાઓનું અવલોકન કરતાં કરતાં માનવજાતે તેની સાથે સંકળાયેલા કેટલાક શુભાશુભ સંકેતોની વિચારણા કરી છે. આપણે ત્યાં જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર ઇત્યાદિ એ રીતે રચાયાં હતાં.
માણસ નવું ઘર કરાવતો હોય, નવી દુકાન લેતો હોય, નવો ધંધો ચાલુ કરતો હોય, દીકરા-દીકરીની સગાઈ કે લગ્નનો પ્રસંગ હોય, પ્રવાસે કે તીર્થયાત્રાએ જતો હોય, કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હોય, કન્યા સાસરે જતી હોય, વહુ પ્રસૂતિ માટે પિયર જતી હોય, મંદિરનો શિલાન્યાસ કે અન્ય ઉત્સવ હોય, સાધુ-સાધ્વીના વિહાર હોય-એવાં બધાં કાર્યો નિર્વિઘ્ને અને ખૂબ સારી રીતે પાર પડે એમ સૌ ઇચ્છતા હોય છે. એ માટે દિવસ, પ્રહર, ચોઘડિયું જોવાય છે અને તે વખતે થતા શુભ શુકનનો વિચાર પણ થાય છે. એવે વખતે કોઈ શુભ, પવિત્ર વ્યક્તિ કે વસ્તુનાં દર્શન થાય તો પોતાનું કાર્ય સારી રીતે સિદ્ધ થશે એવી શ્રદ્ધા બંધાય છે. ‘શુકન જોઇને રે સંચરજો' જેવી પંક્તિઓ ક્યારેક સમૂહમાં ગવાય છે.
પોતાની ધારેલી ઈચ્છાઓ, વિચારેલી યોજનાઓ કે સેવેલા સંકલ્પો પાર ન પડે ત્યારે માણસ અત્યંત મૂંઝાય છે, બેબાકળો અને નિરાશ થઈ જાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org