________________
છેલ્લી કૃતિ લાંબામાં લાંબી છે ૧૦૦૮ નામો, ૨૨૨ શ્લોકો. આરંભે નમસ્કારમંત્રો, પછી નામાવલિ. એ ૯૨મા શ્લોકથી આરંભાય. સો નામોના પ્રત્યેક શતકખંડને જે તે ખંડના પ્રથમશબ્દનું નામ અપાયું છે. પાંચ વાર અગિયાર શ્લોકોમાં, ત્રણ વાર બાર શ્લોકોમાં, બે વાર તે૨ શ્લોકોમાં અને એક વાર ચૌદ શ્લોકોમાં-એમ સો નામોનાં અગિયાર શતકો બને છે. આપણે ત્યાં નામસ્મરણ પણ એક સ્તુતિ/ સ્તોત્ર પ્રકાર જ છે. અહીંની પ્રાકૃત-સંસ્કૃત વગેરે બધી જ રચનાઓ કાવ્યગુણે સમૃદ્ધ છે એમ તો નથી, પણ કાળક્રમે અનેક કારણે મહત્ત્વની છે જ. ને અભિવ્યક્તિનો વૈભવ-છંદોની વિવિધતા તો આકર્ષે એવી. આ સ્તોત્રોનાં વ્યાપક લક્ષણો :
આ સ્તોત્રો ૧ : વિપુલ; ૨ : પદ્ય (બંધ) સંવર્ધક થતાં જાય છે; ૩ : ગેય-લલકાર પ્રધાન છે; ૪ : જનભાષા જાળવીને કાળકાલે ઊતરતાં રહેલાં હોવાથી પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને હાલ વ્યાપક એવી – ચારેય વાણીમાં વહેતાં આવ્યાં છે; ૫ : અહીં ઈશ નહીં, સિદ્ધગુણકીર્તન છે; ૬ : અહીં પંચપરમેષ્ઠી (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સર્વ સજ્જન-સાધુ-) પ્રતિ ભાવદર્શન છે; ૭ : કોઈ ઐહિક પ્રાર્થના નથી, છતાં છલોછલ હૃદયપૂર્વકનું ભક્તિપૂર્ણ સત્તત્ત્વાવલંબન પણ છે; ૮ : અન્ય સંસ્કૃત સ્તોત્રોના પ્રતિઘોષ આ એક અખિલ ભારતીયતાનું આકલન છે. એ રીતે આ ગુર્જર-ભારતીય સંગ્રહ છે. જૈન સ્તોત્ર વિષે લખતાં ડૉ. આર૰ એમ શાહ કહે છે :
જૈન ધર્મમાં ભક્તિનું લક્ષ્ય આરાધ્યને ખુશ કરીને કંઈ પ્રાપ્ત કરવાનું નથી. તેમાં દાસ્ય, સખ્ય કે માધુર્યભાવ જોવા મળતો નથી. અહીં સ્તુતિનું લક્ષ્ય આત્મા, જ્ઞાન, દર્શન અને ચરિત્રરૂપી બોધિલાભનું છે.....' (ડૉ. આર. એમ શાહ : ‘ગુ૰ વિશ્વકોશ’-૭; પૃ.૭૮૧)
આ કંઈ નાનો-સૂનો લાભ છે ? આ મહત્ત્વ કેવું-કેટલું છે તે અગાઉ દર્શાવાઈ ગયું છે. આ વિદ્વત્તા આપણને-ગુજરાતને ગૌ૨વ અપાવે એવી છે.
અભિનંદન-અભિવંદન ઃ શતાબ્દિઓના ઉરબોલ ઝીલ્યા !
આ માટે બન્ને વિદ્વાનોને ખૂબ ખૂબ અભિનંદન-અભિવંદન ! કાં કે હવે આ એક જ સ્થળેથી શતાબ્દિઓના સ્તુતિપાઠોના ઉરબોલ ઝીલી શકાશે ! આપણી અનર્ગલ બંધવિપુલતા ને વિવિધતાની ઝાંખી આ સ્થળેથી સહજે મળે છે. કેવી છે એ વિપુલતા-વિવિધતા ? એ વિષેના પાઠકસાહેબનાં વચનો સ્મરણીય છે. અહીં ‘આની સંધિસામગ્રી’ તે આની યે ગણજો :
‘અંગ્રેજી, ફારસી અને માત્રામેળી છંદોનો મેળ (તો).... (માત્ર) અમુક આવર્તનોથી સિદ્ધ થાય છે;.... પણ....(આપણાં) વૃત્તોનો મેળ એવા કોઈ આવર્તનથી સિદ્ધ થતો નથી, પણ લઘુ-ગુરુના સંધિઓની ગોઠવણીથી સિદ્ધ થાય છે. એ રીતે એ, જગતના આપણને પરિચિત મોટા ભાગની પદ્યરચનાથી ગૂઢ છે, સંવાદના કોઈ ગૂઢ નિયમને વશ વર્તે છે, અને હું જાણું છું ત્યાં સુધી બીજા કોઈ સાહિત્યની પદ્યરચનાની સંધિઓ કરતાં આની સંધિસામગ્રી ઘણી મોટી અને ઘણા મોટા વૈવિધ્યવાળી છે.’ (- રા૰ વિ પા૰; ‘બૃપિ’ ૨૯૪)
૩૭