________________
(૭) દ્વિતીય પાલિત્ત(પાદલિપ્ત)સૂરિષ્કૃત ‘વીરસ્તુતિ' (પ્રાયઃ ઇ.સ.૭૦૦-૭૨૫)
પાલિત્ત(સંસ્કૃત.પાદલિપ્ત)સૂરિ અભિધાનધારક ત્રણ પૃથક્ આચાર્યો થઈ ગયા છે, જેમનાં જીવન વિષેના ઐતિહાસિક એવં કાલ્પનિક પ્રસંગો ભદ્રેશ્વરસૂરિ કૃત કહાવલિ (૧૦મી શતી ઉત્તરાર્ધમાં) અને પછીના ચરિતાત્મક-પ્રબન્ધાત્મક આનુશ્રુતિક વૃત્તાંતોમાં ભેળવી મારવામાં આવ્યા છે. આદિ પાદલિપ્તસૂરિ તે પ્રભાવકચરિત(ઇ.સ.૧૨૭૭)માં જેને(કુષાણકાલીન) આર્ય નાગહસ્તિના શિષ્ય બતાવ્યા છે, તેઓ છે. પ્રાકૃત સાહિત્યના મહાન્ પુરસ્કર્તા અને પ્રશ્રયદાતા, પ્રતિષ્ઠાન(પૈઠણ)ના સાતવાહનવંશીય રાજા “હાલ” યા “કણ્ડ (કૃષ્ણ) સાતવાહન”ની કવિસંસદના તેઓ સભ્ય હતા; એમને મગધમાં પાટલિપુત્ર ખાતે રહેલા, કુષાણ સમ્રાટના, શકવંશીય એવં ‘મુરુર્ણા’ કુલના, સુબાની શિરોવેદના મટાડનાર કહ્યા હોઈ તેના પણ સમકાલીન હતા. મહારાષ્ટ્રી-પ્રાકૃતમાં નિબદ્ધ સુપ્રસિદ્ધ નિર્પ્રન્થ લલિત-ધર્મકથા તરંગવઈકહા (તરંગવતીકથા) તેમ જ અર્ધમાગધીમાં નિર્પ્રન્થ-ખગોળના ગ્રંથ સૂર્યપ્રજ્ઞપ્તિ (પ્રાયઃ ઇ.સ.૩-૨ શતાબ્દી)ના આધારે રચાયેલી એક કૃતિ જ્યોતિષકરણ્ડકના તેઓ કર્તા હતા. તેમનો કર્મકાલ પ્રાયઃ ઇ.સ.૨૦૦-૨૫૦ના અરસાનો છે. બીજા પાલિત્તસૂરિ સૌરાષ્ટ્રમાં મૈત્રકયુગના ઉત્તરાર્ધમાં, લગભગ ઇ.સ.૬૭૫-૭૨૫ના ગાળામાં થઈ ગયા હોય તેમ લાગે છે. પ્રબંધો ઢંકતીર્થ(ઢાંક)ના બૌદ્ધ રસસિદ્ધ નાગાર્જુન સાથે જેમની મૈત્રીની વાત કરે છે, અને જેમના નામથી નાગાર્જુને શત્રુંજય પર્વતની તળેટીમાં પાલિત્તાનક (પાલિતાણા) વસાવેલું તેવી જે નોંધ આપે છે તે આ દ્વિતીય પાલિત્તસૂરિના સંબંધમાં છે. પ્રબંધાદિ સાહિત્યમાં નોંધાયેલ, શત્રુંજય પર મહાવીર અને શાંતિનાથનાં મંદિરો સ્થાપનાર (કે તેની પ્રતિષ્ઠા કરનાર) પાલિત્તસૂરિ, અને મથુરાના પુરાપ્રસિદ્ધ સ્તૂપ તથા ગિરિનગર (જૂનાગઢ), ઢંકતીર્થ, આદિ તીર્થોની યાત્રા કરનાર તેમ જ શત્રુંજય પર અનશન કરનાર પાલિત્તસૂરિ પણ સંભવતઃ આ બીજા પાદલિપ્તસૂરિ હોવાનું જણાય છે. આ પાદલિપ્તસૂરિ મંત્રવિદ્યામાં નિપુણ હશે. પગે લેપ કરી તેના દ્વારા તેઓ આકાશગમન કરી શકતા હતા તેવી કહાવલિ, પ્રભાવકચરિત, આદિ ગ્રંથોમાં નોંધાયેલી દંતકથા આ દ્વિતીય પાદલિપ્તસૂરિને લક્ષિત કરતી જણાય છે. અહીં પ્રસ્તુત કરેલી અને ‘પાલિત્ત” મુદ્રા ધરાવતી ‘વીરસ્તુતિ’ આ દ્વિતીય પાદલિપ્તસૂરિની કૃતિ હોય તેવું શૈલી-પરીક્ષણ અને વસ્તુ તેમ જ વિભાવની દૃષ્ટિએ જણાય છે. તેમનાં ગણ અને શાખા-કુલ વિષે કંઈ જ માહિતી નથી. તેઓ ચૈત્યવાસી સાધુ હશે તેવી તો અટકળ થઈ શકે છે. ત્રીજા પાલિત્તસૂરિ તે વિદ્યાધર વંશના મંડનગણિના શિષ્ય અને પ્રતિષ્ઠાતંત્રના અને જૈન પ્રતિમાવિધાનના પ્રસિદ્ધ ગ્રંથ નિર્વાણકલિકા તથા શત્રુંજયગિરિનો મહિમા કથનાર આદિમ રચના પુણ્ડરીક-પ્રકીર્ણક અપરનામ સારાવલી-પ્રકીર્ણકના રચયિતા સૂરિ છે. કર્ણાટકમાં માન્યખેટ (માનખેડ કે મેળાપ)માં કૃષ્ણરાજ(રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ તૃતીય)ને મળનાર તે આ ત્રીજા પાલિત્તસૂરિ જ હોવા જોઈએ. તેમના મંત્ર-તંત્રમય લેખનો અને આચરણો પરથી તેઓ પણ દ્વિતીય પાલિત્તસૂરિની જેમ ચૈત્યવાસી સાધુ હોવાનો પૂરો સંભવ છે. તેમનો સમય શૈલીપરીક્ષણ, વસ્તુના આકલન, તેમ જ તૃતીય કૃષ્ણ સાથેનું તેમનું સમકાલિત્વ જોતાં ઇ.સ.૯૨૫-૯૭૫ના અરસાના અંદાજી શકાય.
સંદર્ભગત વીરસ્તુતિ આ અગાઉ ઓછામાં ઓછું ત્રણેક વાર છપાઈ ગયાનું ધ્યાનમાં છે. કાવ્યની
७८